________________ ભયભીત હોય તે તળીયાથી આગળ વધી ના શકે... મૂળ સુધી પહોંચવાની તો વાત જ ક્યાં ? કાયર હોય તે પાંદડું ય હલાવી ના શકે તો વિકરાળ વાદળો હડશેલવાની વાત જ ક્યાં ? અબ ઘડી જ રીઝલ્ટ ઝંખતા અધીરીયાઓ સપાટીથી આગળ વધી ના શકે. પાતાળ તળીએ પહોંચવાની વાત જ ક્યાં ? - હિંમત, સાહસ અને ધીરજ આ ત્રિગુણની શૃંખલા લઈ અંતઃતત્વની ખોજમાં ઝંપલાવવાનું છે. વિચારોની ઘટમાળ, ચિંતા ટેન્શનના ડુંગરાઓ, અહંકારના ખડકો, માયા પ્રપંચોની ગીચ જાળીઓ, ભોગસુખની લાલશાઓના ઘોડાપૂર નદીનાળાઓ, આ બધા તત્વથી માર્ગ અવરોધાયેલો છે. ટગમગતી દિવ્ય જ્યોતિની અનુભૂતિ થતી નથી. Glimps નો ચળકાટ દેખાતો નથી. છતાં નિરાશ થવાની જરૂર નથી. એકાંત વાતાવરણમાં મનને શાંત પ્રશાંત કરી, વિચારોના તરંગોને સ્થિર કરી, ધ્યાનની પ્રક્રિયાઓથી આગળ વધતા શુદ્ધ ચૈતન્યનો વિકાસ થશે. આ વિકાસની તીવ્ર શક્તિ બાધક તત્વોના અભેદ એવા પણ પડલોને ભેદવા સમર્થ થશે. એક દિવસ આ પૂર્ણ ચૈતન્યસ્વરૂપ જ્યોતિનો સાક્ષાત્કાર થશે. એક વખત સાક્ષાત્કૃત થએલી આ જ્યોતિ દાવાનળનું એવું વરવું સ્વરૂપ ધારણ કરશે કે કોઈ વંટોળીયા તેને બુઝાવી ના શકે, અત્યાર સુધીનું આપણું અંશાત્મક અસ્તિત્વ પૂર્ણતામાં વિલિન થઈ જશે. સમગ્રતામાં ભળી જશે. પછી વૈત નહી રહે, અદ્વૈત રહેશે, દૂધ પાણી જેમ એકમેક થઈ જાય, લોઢું અને અગ્નિ જેમ એકમેક થઈ જાય, એક નાના દિવાની જ્યોતિ પરમ જ્યોતમાં સમાઈ જાય, તેમ. ઝાકળનું એક બિંદુ સમુદ્રમાં ભળી જતા અક્ષય બની જાય છે. પછી નથી તેને જુદા પડવાનો ભય કે નથી મરવાનો ભય. ...13...