________________ સુખ કરતા સુખની કલ્પના વધારે સુંવાળી હોય છે. વાસ્તવિકતા કરતા વિચારોનો આનંદ વિશેષ હોય છે. પણ ભ્રમણા એ ભ્રમણા છે, કલ્પના એ કલ્પના છે. ‘ઉપમિતિ ભવ પ્રપંચ' નામના ગ્રંથમાં સિદ્ધર્ષિ ગણીએ માનવ મનની મહત્વકાંક્ષાઓનું આબેહુબ વર્ણન કર્યુ છે. આની પછી આમ કરીશ, પછી આમ કરીશ, પછી .... આ પછી પછીનો છેડો જ નથી આવતો, મન થાકતું જ નથી. વિચારો અટકતા જ નથી. જાણવા છતા કલ્પનાઓ થંભાવી શકાતી નથી. વાસ્તવિકતાની ભૂમિ ઉપર ઉભા રહીને વિચારોના અંબરમાં વિચરનારને રડવાનો વારો આવતો નથી. પણ વાસ્તવિકતાની ભૂમિ ઉપરથી ઉતરીને વિચારોના ગગનમાં ટહેલનાર ઉંડી ખાઈમાં જ ધકેલાઈ જાય છે. ગેસના ફુગ્ગાની દોરી હાથમાં હોય ત્યાં સુધી વાંધો નહી પણ દોરી છુટી ગયા પછી ફુગ્ગાનું સરનામું મેળવવું અશક્ય બની જાય છે. મનના ફગ્ગામાં કલ્પનાઓની હવા ભરાયા પછી વાસ્તવિકતાની દોરી હાથમાં રાખવી જ પડે. અન્યથા પોક મુકીને રડવું પડે, જીવનભર પસ્તાવું પડે. વાસ્તવિક્તાનું સુખ કણ જેટલુ હોય તો ય સાર્થક, કલ્પનાનું સુખ મણ જેટલુ હોય તો ય નિરર્થક. શેખચલ્લીના ખાવાના વિચારોમાં ગમે તેટલી મિઠાશ લાગતી હોય પણ પેટ કદાપિ ના ભરાય. વિચારોની ગીચ ઝાડીમાં વચ્ચે ભટકવા કરતા વાસ્તવિકતાની કેડીએ ચઢીશુ તો જીવનયાત્રામાં આગળ વધ્યાની અનુભૂતિ થશે. IF YOU TRAVEL TOO FAST, YOU WILL MISS SCENERY. કલ્પનાઓની ફાસ્ટ સફરમાં વાસ્તવિકતાના સૌંદર્યની મોજ માણવાનું ચુકી જવાય છે. અંતે... પોતાને તુંબડે તરીએ રૂડા રૂપાળા સઢ કોકના તે શું કામના ? ...69....