________________ નાવ ઉંધી થયા વિના રહેતી નથી. ધર્મ એજ શરણ છે. ધર્મ જ વિશ્વાસ પાત્ર છે. ધર્મ જ તારક છે. એક માત્ર ધર્મશ્રદ્ધાનાં બળે જ આજે ધૈર્ય પૂર્વક ઝઝુમી રહી છું. બીજી હોત તો આ સમયે ઝેર ઘોળીને જીવન ટુકાવી દીધું હોત. પણ, હું સમજુ છુ કે ઝેર ઘોળી જવાથી કર્મો બળી જતા નથી, બીજા ભવમાં પીછો કરે એના કરતા અહીં જ હિસાબ બરાબર કરી લેવો સારો. ધર્મ જ મારૂ સાચુ બળ છે, શ્રદ્ધા જ મારી સાચી મુડી છે, તત્વજ્ઞાન જ મારો સાચો આધાર છે, ધર્મ, શ્રદ્ધા અને તત્વજ્ઞાન ન હોત તો ક્યારની ભાંગી પડી હોત, હત પ્રહત થઈ ગઈ હોત, કંઈક ન કરવાનું કરી બેઠી હોત, હવે બોજ વધારવો નથી. પણ આપનાં જેવા મહાત્માઓની સેવા કરી કર્મનાં બોજ ઘટાડવા છે. નશીબ સાથે છે, કર્મ સાથે છે, ઈશ્વરકૃપાથી જે થાય તે સારા માટે એમ હું માનું છું. બાકી જીવન એ ઉદ્યાન નથી. સંગ્રામ છે, હર કોઈને જીવનનાં સંગ્રામમાં ઝઝુમવું પડે છે. મર્દાનગી પૂર્વક ઝઝુમે તેજ વીર છે. હતાશ થઈ બેસી જનાર કે પીછેહઠ કરનાર કાયરી છે. ઝઝુમવાની પણ એક મજા છે. કર્મ તરફથી આ કપરી કસોટી ના આવી હોત તો મારી શક્તિનો વિકાસ ન થાત. મારૂ ધૈર્ય, મારૂ બળ સુષુપ્ત જ રહેત. મારી બુદ્ધિ તીણ ન થાત, મારૂ જ્ઞાન પોપટીયું જ બની રહેત, આજે મારી તન, મનની તમામ શક્તિઓ પૂર્ણ વિકસિત છે તે આ આફતને જ આભારી છે. આપ ચિંતા ન કરતા, કદી કોઈને મોકલતા નહી, પુણ્ય અને પુરૂષાર્થના જોરે જીવનનાં રથને હંકારવામાં હું પૂર્ણતયા સફળ થઈશ એવી મને દ્રઢ શ્રદ્ધા છે. સોનાનો સુરજ મારી રાહ જોતો ઉભો હશે. એક દિવસ તેનો જરૂર ઉદય થશે. બાકી આજે તો કર્મનાં કાફલાઓ સામે બધી શક્તિ લગાડીને ખુમારીથી લડી લેવાની મારી પુરે પુરી તૈયારી છે. એ કર્મ સામેના યુદ્ધમાં મારો વિજય થાય તેવા આશીર્વાદ આપો.” વાસક્ષેપ દ્વારા મંગળ આશીર્વાદ લઈ બહેન હસતા મોઢે નીકળી ગયી. ...112...