________________ વિતક સુણી કથડતે હૈયે મુનિઓ ઉપાશ્રય તો આવ્યા, પણ મનમાંથી આ દ્રશ્ય, આ વાતો, આ વાતાવરણ, આ પરિસ્થિતિ, ખસવા તૈયાર નથી. વિચારધારા આગળ વધે છે. મારા મહાવીરને માનનારા એક જૈન કુટુંબની આ અવદશા ? સાધુને આટલી ભક્તિથી સુપાત્રદાન દેનારની આ સ્થિતિ ? કર્મગ્રંથ સુધીના શાસ્ત્રનું અધ્યયન કરનારને આવા ક્લિષ્ટ કર્મનો ઉદય ! ઝુપડપટ્ટીઓનાં ટપોરીઓ વચ્ચે રહીને શીલની સુરક્ષા પણ કેટલી જોખમી બને ? સમૃદ્ધ ગણાતા જૈન સમાજમાં શું આવા સાધર્મિકો પણ છે ? કેટલી દુઃખદ વાત છે કે એક બાજુ લાખો કરોડોના ખર્ચે ઓચ્છવો મહોત્સવો જમણવારો ઉજવાય છે અને બીજા બાજુ આવા સાધર્મીકોને બે ટંક માટે આકાશ પાતાળ એક કરવા પડે છે. સત્તા અને પ્રસિદ્ધિ પાછળ પાગલ બનેલા સમૃદ્ધ જેનો જો થોડો વિચાર પ્રવાહ બદલે, થોડો દાન પ્રવાહ બદલે, તો કોઈ જૈનની આવી કફોડી હાલત ન રહે. હોટલો અને હીલ સ્ટેશનોમાં મોજ મજા અને મીજબાની પાછળ ગણતરીની મિનિટોમાં હજારો રૂપિયાની ચટણી કરી નાખનારાઓની આંખ ઉઘડી જાય તો જૈન સંઘ આબાદ થઈ જાય. સાધર્મિકોની આવી કફોડી હાલત સમૃદ્ધો માટે શરમજનક છે. જ્યાં સુધી એક પણ જૈન ભુખ્યો-તરસ્યો સુઈ જાય છે ત્યાં સુધી તાગડધીન્ના કરવાનો કોઈ જૈનને અધિકાર નથી. પણ, આજે કાળજા કઠોર થયા છે. સૌ પોતપોતાનામાં મસ્ત છે. કોને પડી છે ? કોને દરકાર છે આવા દુઃખી બંધુઓની ? મહાત્માઓએ તત્કાળ કોઈક શ્રાવક દ્વારા રૂા. દસ હજાર તેમને મોકલાવ્યા અને એક સિલાઈ મશીન અપાવવાનું વિચાર્યું. ભાઈ રૂપિયા લઈ ઘરે ગયા, બહેન સમજી ગયા. કહે કે “રૂપિયા પાછા લઈ જાઓ. હું સાહેબજીને મળી લઈશ.” રૂપિયા લાવનારને બારણેથી જ પાછા રવાના કર્યા. ...110...