________________ શીલની સુરક્ષા એ જ સ્ત્રીનું કિંમતી આભુષણ છે. નાકોડા ગામમાં ચારસો જૈનોના ઘર હતા, ધંધો અને ધર્મ બંને પુરજોશમાં ધમધમતા હતા. સત્વશીલ પુરૂષરત્નો અને શીલવંતી નારીઓ આ ગામનું ભૂષણ હતું. એકવાર એક શેઠની દીકરી પાણી ભરવા જતી હતી. રાજકુમાર ઘોડા ઉપર તે જ રસ્તેથી પસાર થતો હતો. કન્યા રૂપાળી હતી. એકલી હતી. રાજકુમારને મશ્કરી કરવાનું મન થયું. ઘોડા ઉપરથી ઉતરી કન્યા સાથે મજાક મસ્તી શરૂ કરી. કન્યાએ મચક ના આપી, તે માર્ગમાં મૌનપણે આગળ વધતી રહી. રાજકુમારની ખણજ વધી. કન્યાનો માર્ગ રોક્યો, વાળનો સ્પર્શ કર્યો, પરપુરૂષનો સ્પર્શ થતાં જ કન્યા સમસમી ઉઠી, રાજકુમારની દુષ્ટતા પર ફિટકાર વરસાવ્યો. રડતી આંખે, ધડકતે હૈયે, તે ઘરે આવી, આંખમાંથી અશ્રુધારા અટકતી નથી. મોઢામાંથી શબ્દો નીકળતા નથી. પિતાજી પુછે છે, બેટા ! થયું શું છે ? જે હોય તે નિઃસંકોચ કહે, કન્યાએ સઘળી હકીકત કહી સંભળાવી, પિતાજીનો પિત્તો ગયો. રાજકુમારની આ હિંમત ! આટલી હદે દુષ્ટતા ! આમ જ જો ચાલશે, તો ગામની મા-દિકરીઓની સલામતી કેમ રહેશે ? રાજા જ જ્યાં દુષ્ટ હોય, રાજકુમાર જ વ્યભિચારી હોય તેની પ્રજા નિર્ભય કે સુરક્ષિત કેમ રહી શકે ? પિતાએ પંચ સમક્ષ વાત મુકી, વાત સાંભળી મહાજન પણ ચોંકી ગયું. “રાજકુમારને કોઈપણ ભોગે શિક્ષા થવી જ જોઈએ. અન્યથા પરિણામ સારું નહીં આવે.” એમ વિચારી મહાજન ગયું રાજા પાસે. રાજાને સઘળી હકીકત જણાવી. રાજાએ વાત મનમાં ન લીધી. રાજા કહે, રાજકુમાર નાનો છે. નિર્દોષભાવે જરા રમત કરી એમાં આટલો હોબાળો મચાવવાનો ના હોય. કોઈ છેડતી કરી છે ? બળાત્કાર કર્યો છે ? મર્યાદાભંગ કે અનિષ્ટકૃત્ય કર્યું છે ? કાગનો વાઘ શા માટે કરો છો ? નિર્દોષ રમતને આટલી હદે શા માટે ચગાવો છો ? મહાજન કહે, “રાજન્ ! આ રમત નથી, મેલી રમત છે, આમાં નિર્દોષતા નહીં મનની મલીનતા કામ કરે છે. આજે દેખાતો આ નાનો દોષ ભવિષ્યમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. ...136...