________________ કલ્પનાઓના આકાશમાં ઉડનારાઓ દુઃખી થાય છે. આચારાંગ સૂત્રમાં આપણી કલ્પનાત્મક મનોદશાને આવિષ્કાર કરતુ સુંદર રૂપક બતાડવામાં આવ્યું છે. એક ભિખારી છે. કો'ક દયાળુ તેને લોટો ભરીને દૂધ આપે છે. ભિખારી માટે આજે જાણે સોનાનો સૂરજ ઉગ્યો છે. ખૂશ ખૂશાલ છે. દૂધનો લોટો બાજુમાં મુકી વિચારોમાં ચઢે છે. “દૂધનું દહીં બનાવી દઉં, દહીંનું ઘી બનાવી વેચતા ઘણા પૈસા મળશે, તે પૈસાથી રૂપાળી છોકરી સાથે લગ્ન કરી લઈશ, તેની સાથે મજેથી સંસાર સુખ માણીશ, એમ કરતા ત્રણ-ચાર છોકરાઓ થઈ જશે. હું સુતો હોઈશ ને મારા શરીર ઉપર ગલુડીયાની જેમ તેઓ આળોટતા હશે, મને ગલગલીયા થશે, કોક પેટ ઉપર ચઢશે, કો'ક માથા ઉપર તો કો'ક પગ ઉપર, વળી ઘણીવાર તેઓ મને કંટાળો-ત્રાસ આપશે, મારૂ કહ્યું નહીં કરે, ગુસ્સો કરાવશે, ત્યારે આમ હાથ ઉપાડી તમાચો મારી બધાને સીધાદોર કરી નાખીશ. હાથ ઉપાડી તમાચો મારવાનું રીહર્સલ સાચુ કર્યું. તેની સાથે જ બાજુમાં પડેલ દૂધના લોટા સાથે હાથ અથડાયો, દૂધની સાથે અરમાનો પણ ધૂળ ભેગા થઈ ગયા. ભિખારીના અફસોસનો પાર ન રહ્યો. માત્ર ભિખારીની જ નહી, આપણા તમામની આ આત્મકથા છે. મનોવ્યથા છે. ભાવીના ભ્રામક સ્વપ્નાઓની રંગીન હારમાળાઓ સર્જી જાતને તેમાં કેદ કરીએ છીએ. લુખ્ખા હાડકાને ચાટતા કૂતરાના હાથમાં જેમ કશું આવતું નથી, સિવાય કે શ્રમ-ખેદ, અને નિષ્ફળતા, તેમ વાસ્તવિકતાને વિસારી વિચારોના વમળમાં જ રાચનારા આપણા હાથમાં પણ કશું આવતું નથી, સિવાય કે સમયનો બગાડો, શક્તિનો વેડફાટ, હતાશા અને નિરાશા, વિચારોની મેરેથોન દોટ મુકતા ભિખારીના હાથમાં તો કશું ના આવ્યું, પણ હતું તેય ગયું. રૂપકની વાસ્તવિકતા માર્મિક છે, સાત પેઢી સુધીના માસ્ટરપ્લાન કરનારાઓ કશું પામી તો શકતા નથી પણ જે છે તે ય ગુમાવે છે, જે છે તેય ભોગવી શકતા નથી. ...68...