________________ પંચેદ્રિય જીવોની હિંસાઓ, નિર્દોષ જીવોની હત્યાઓ, વિકરાળ આરંભ સમારંભો કરતા પણ ગુરૂની આશાતના ખતરનાક છે. માથા વડે મોટા પર્વતો ને ફાડી નાખવા હજી સરળ છે. ક્રોધાંધ બની સામે આવતા વાઘ સિંહો ને શાંત કરવા હજી સરળ છે. ભરતીની વિરૂદ્ધ દિશામાં તરવાની બાથ ભિડવી હજી સરળ છે, પણ ગુરૂને અપ્રસન્ન કરી મોક્ષ મેળવવો કોઈ કાળે શક્ય નથી. ત્યાં જ કહ્યું છે કે, આયરિયપાયા પુણ અપ્પસન્ના અબોહિ આસાયણ નલ્થિ મુખો' ગુરૂ ક્યારેક દીક્ષાપર્યાયમાં નાના પણ હોય, ગુરૂ ક્યારેક ઉંમરમાં નાના પણ હોય, ગુરૂ ક્યારેક બુદ્ધિ શક્તિથી મંદ પણ હોય, ગુરૂ ક્યારેક વયોવૃદ્ધ - અશક્ત અને અસમર્થ પણ હોય, તો પણ શિષ્યએ ગૌતમસ્વામીની જેમ તેમની આરાધના કરવી. મારા ગુરૂ મારા માટે ગૌતમ, મારા ગુરૂ એ મારા માટે ચંદનબાળા, મારા ગુરૂ એ ગુરૂ, દુનિયામાં તેમનો જોટો જડે તેમ નથી. આ ભાવ આવી જાય તો મુક્તિ હાથવેંતમાં છે. જેને ગુરૂમાં દોષો દેખાય, વારંવાર દોષો દેખાય, ઘણા બધા દોષો દેખાય, એવાઓ ચારિત્ર લઈને પણ સંસાર મહાસાગરમાં તળીયે બેસી જવાના, ઉંચા આવવું તેમના માટે અનંત કાળે પણ શક્ય બને કે કેમ એક સવાલ છે. ગુરૂ બહુમાન કુલકમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, “જેને મન ગુરૂ એ ગુરૂ નથી, ગુરૂ કરતાં જે પોતાની જાતને વધુ હોંશિયાર માને છે. ગુરૂની કૃપા કરતા પોતાના પુન્ય ઉપર જે મુસ્તાક છે. પોતાની પ્રભાવકશક્તિ આગળ ગુરૂને જે રમકડા જેવા માને છે. એવા આત્માઓને ક્યારેક પુન્યના જોરે સમાજના શાહી સન્માન મળે, બાદશાહી સામૈયાઓ મળે, વિરાટ સંપત્તિ મળે, આંધળા ભક્તવર્ગના બમર્યાદ માન-પાન મળે, પણ આ બધુ કેવું છે ? તેની ઉપમા આ કુલકમાં આપી છે કે ફાંસીના માચડે લઈ જવાતા ચોરના આભુષણો જેવી આ સમૃદ્ધિ છે જે વ્યર્થ છે, મારક છે, ગુરૂ ઉપરના આદરભાવ વિનાનું પુન્ય સડેલું છે, મારક છે, મહાજોખમી ...61..