________________ પર ઘેરી વળતા બધું જ એકસાથે એ ખૂંચવાઈ જાય છે. ક્યારેક રોગમાં લાખો રૂા. ખર્ચાઈ જાય, ક્યારેક પાર્ટનરના દગામાં લાખો હલવાઈ જાય, ક્યારેક પ્રોપર્ટીમાં લાખો ફસાઈ જાય, ક્યારેક કોક દેવાળું કાઢે ને રોવાનો વખત આવે. આ સિવાય અંતે મોતનું સ્ટીમ રોલર ફરી વળતા તો બધું જ સપાટ થઈ જાય છે. જીવનભરની મજૂરી વ્યર્થ, જીવનભરની હાયહાય અને દોડાદોડ Fail, જીવનભરનો સંગ્રહ નિરર્થક, જીવનભર કરેલા કાવાદાવા નિષ્ફળ, મોત આવતા બધું જ સપાટ. * એક મુમુક્ષુનું પાકીટ ખોવાઈ ગયું. 450 રૂા. હતા. ઘણું શોધવા છતાં ના મળ્યું. મનમાં હાયવોય શરૂ થઈ ગઈ, થોડો સમય મન અશાંત - Disturb થઈ ગયું. નસીબયોગે થોડા સમય બાદ પાકીટ મળી ગયું. “હાશ' નો અનુભવ થયો. મન આનંદિત થઈ ગયું. પાકીટ મળ્યા બાદ તે કહે, 450 રૂા. જતા મનમાં આટલી હાયહોય થઈ ગઈ તો આખો સંસાર છોડતા શું થશે? વાત માર્મિક છે. ચિંતનીય છે. નાની નાની વાતમાં આપણને ઉકળાટ થઈ જતો હોય, નાના નાના નુકશાનમાં ય આર્તધ્યાન થઈ જતું હોય, થોડું છોડતા પણ મન કચવાટ અનુભવતું હોય, તો મોત વખતે બધું જ છોડીને કેમ જવાશે ? પરસેવો પાડીને જે ખડકલા ઉભા કર્યા છે, જે રાચરચીલું જમા કર્યું છે, તે છોડીને જતા મનઃસ્થિતિ કેવી હશે ? કર્મસત્તા ડીસમીસ કરે એ પહેલા રાજીનામું ધરી દો. બધું જ લુંટાઈ જાય, ઝુંટવાઈ જાય એ પહેલા જ તેનો સદુપયોગ કરી લો. * એક બહેન હતા. કરોડોની કિંમતની એસ્ટેટ, પ્રોપર્ટી, કોથળા ભરીને ચાંદીના વાસણો, સોના ચાંદીના દાગીના, કરોડોની રોકડ રકમ, આટલી જંગી મિલ્કતો હતી, આગળ પાછળ કોઈ જ વારસદાર નહી.