________________
ઝળહળતાં નક્ષત્રો
(૧) અકલંકાનેકાંતવાદી
સ્યાદ્વાદ રૂપી ઉદાર વિચારધારા આપી હે ભગવન્ મહાવી૨! આપે જે ધર્મપ્રરૂપણા અને શાસનસ્થાપના કરી, તેના કારણે આપની જ હાજરીમાં જન્મેલા ૩૬૩ પાખંડીઓ પોતાના એકાંત આગ્રહથી જ પરાભવ પામી ગયા, જ્યારે આપશ્રીને ભાવસમર્પણ કરનાર ગણધરરાજ ગૌતમાદિ બ્રાહ્મણ મટી જૈન શ્રમણ બની ગયા. આપ હે પ્રભો! વાદી પ્રભાવકોના સૂત્રધાર હતા, અનેકના અટપટા અઘરાંને–સઘરા પ્રશ્નો ક્ષણભરમાં ઉકેલી નાખતા હતા. અન્ય અનેક વાદીઓ અધૂરી સમજથી કલંકિત થયા હતા જ્યારે વાદવિજેતા આપની ઉપસ્થિતિ માત્ર મિથ્યાત્વીઓને ભારસ્વરૂપ બનતી હતી. તેથી જ તો આપશ્રીના નિર્વાણ પછી સકિતીઓએ દીવા પ્રગટાવી દુ:ખ દૂર કર્યા, જ્યારે મિથ્યામતિઓએ શોરબકોર મચાવી, ફટાકડા વગેરે ફોડી કે મીઠાઈઓ ઉડાવી પોતાની ખુશી વ્યક્ત કરી હતી. છતાંય આશ્ચર્ય કે આપનું સ્થાપેલ શાસન આપશ્રીની ગેરહાજરીમાં પણ જયવંતુ ગાજે છે. વાદીઓના વાદવિજય, સ્યાદ્વાદના મહાનાદમાં મિથ્યાપ્રચારના પ્રસારણ ઉપર જબ્બર કાપ મુકાઈ ગયેલ છે. ધન્ય-ધન્ય છે અનેકાંતવાદની અવિરત વહેતી શ્રુતધારાને.
(૨) અહિંસાર્થજીવંતાચારી
કરૂણા નામની માતાના જાયા હે તીર્થંકર ભગવંત! લોકો તો ફક્ત અહિંસાને પરમો ધર્મ માને છે, બાકી બોલ પ્રમાણે જીવનના તોલ જોવા નથી મળતા. જ્યારે આપશ્રીએ તો ઉંદર, ઘોડા, નાગ-નાગણ, મૂક પશુઓ અને પોપટ–પારેવા જેવા પંખીઓ જ નહીં, પણ ક્ષુદ્ર અને ક્ષુલ્લક આયુષ્યવાળા જીવજંતુની પણ રક્ષા ચિંતવી છે, આપશ્રીના શાસનમાં તેથી જ તો ધર્મરૂચિ જેવા અણગાર કીડીઓના જીવન માટે પોતાનું જીવન બલિદાન આપવા તૈયાર થયા છે. મેતારજ મુનિરાજ પક્ષીના પ્રાણ ખાતર પોતાના પ્રાણ છોડનાર પાક્યા છે. બ્રહ્મચર્યપાલન પાછળના પણ શુભ લક્ષ્યો સૂક્ષ્મજીવોની જયણા બન્યા છે. શ્રાવકોના સાદગીભરેલા જીવન-વ્યવહાર કે શ્રમણોના આહાર-વિહાર-નિહાર બધાય અભિગમો આપશ્રીએ અહિંસા પ્રધાન દેખાડી કમાલ-કમાલ કરી દીધી છે. વ્યાવહારિક જીવનની વિશેષતાઓ એવી ગજબની છે કે આપશ્રીના પ્રરૂપિત જિનશાસને અનેકવાર મ્લેચ્છો, અનાર્યો, અલ્પધર્મીઓના ધર્મઝનૂન કે હિંસાનો જવાબ પણ અહિંસાથી આપી નીડરતા દેખાડી છે.
Jain Education International
૪૭૫
(૩) વિશ્વભવ્યજનાનંદસ્રોત
હે વિશ્વેશ્વર! હે આદિનાથજી! લોકો ભલે આપને વિશ્વના વ્યવહાર ઘડવૈયા માની ભજે અને પૂજે પણ ગણનાતીત વરસો પહેલા વ્યતીત આપશ્રીના જીવનકવનથી અમને એટલું જરૂર જાણવા-શીખવા મળ્યું છે કે આપ પ્રભોની ગૃહસ્થદશા વ્યવહારકુશળ હતી પણ સંયમીદશામાં તો ભિક્ષા માટે પણ અતિચારો લગાડ્યા વિના ચાર-ચારસો દિવસો ભૂખ–તરસ વેઠી ખેંચી નાખ્યા હતા. આપ હતા પ્રથમ યતિ, પ્રથમ વ્રતધારી પણ આપશ્રીનું સંયમ હે ભગવંત! ભવ્યજીવોને તારવા– ઉગારવા માટે લક્ષ્યવેધી હતું. બાહુબલી જેવા પુત્રરત્ન સપરિવાર વંદનાર્થે આવે, તે જાણવા છતાંય પ્રાતઃકાળે જ આપ તક્ષશિલા છોડી વિચરણ કરી જાઓ, તેવી નિર્મળદશા સંયતો માટે સંદેશો છે. ભાઈ-ભગિની, માતા અને પિતા, પુત્ર અને પૌત્ર વગેરેના વિશાળ વ્યાવહારિક સંબંધો વચ્ચે પણ આપે દેખાડેલો મોક્ષમાર્ગ સાંસારિક સંબંધોથી સાવ પર, ફક્ત ભવ્યજીવોને ભવ્યાતિભવ્ય મુક્તિશર્મ સુધી પહોંચાડનારો રાજમાર્ગ છે. આપ તો તેના ભોમીયા છો.
(૪) પરમપાવક બ્રહ્મમૂર્તિ
રાજીમતીવિરાગી, આબાલબ્રહ્મચારી, હે ભગવંત! નેમિનાથજી! આપ પ્રભુનો પાવનતમ લગ્ન પ્રસંગ નિકટમાં જ વીતી ગયો છે. અબોલ પશુ જીવોના જીવનસુખ માટે આપ તો પોતાના વિવાહસુખને પણ જતું કરી ગિરનાર જઈ બેઠા. જાણે આગામી ચોવીશીના તીર્થપતિઓના સાધનાક્ષેત્રને આ ચોવીશીમાં જ પનોતા પગલાં પાડી પવિત્ર બનાવી નાખવા સંકલ્પ કર્યો હોય તેમ આપશ્રીએ દીક્ષા,કેવળજ્ઞાન અને મોક્ષ ગિરનારથી જ ગુણગ્રાહ્ય કરી ગૌરવને ગજવ્યો છે. શાંત, પ્રશાંત, ગંભીર, નિસંગી, અલૌકિક અને અનુઠી આપશ્રીની મંગલમય મૂર્તિના મનોદર્શન માત્રથી આપ હે ભગવન્! ભક્તોની વિષય-વાસના વિડંબનાને હરી લ્યો છો. અનેક ચતુર્થવ્રતધારીઓ માટે આપ આદર્શ સ્વરૂપ છો. “જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી-ત્યાં ત્યાં કરૂં પ્રણામ" તે ઉક્તિને સાર્થક કરવા માટે આપ એક નહીં અનેક સ્થાને બિરાજો છો. હે જિનવર! પદ્માસનમય, કાઉસગ્ગમય કે ધ્યાનલયમય આપશ્રીની નિર્વિકારી આંખોની અમીદ્રષ્ટિ અમારા સૌના પવિત્ર વિચારોનું કારણ બનો.
For Private & Personal Use Only
www.jainelibrary.org