________________
અધ્યાત્મ ઉપનિષદુ
ગ્રંથ પરથ...
સૌ કોઈ સુખ ઇચ્છે છે અને તે માટે મનગમતા પદાર્થો, પ્રેમી પાત્રો કે રાગાદિ ભાવો-પ્રતિભાવો પ્રાપ્ત કરવા દિવસ-રાત મથ્યા કરે છે. તેમાં જેને મનગમતું મળી જાય છે, તે પોતાને ‘હું સુખી છું' –એમ માને છે અને જેને મનગમતું નથી મળતું કે અણગમતું મળે છે, તે પોતાને “હું દુઃખી છું' - એમ માને છે; પરંતુ તે અજ્ઞાની જાણતો નથી કે સુખ નથી વિડંબના છે, દુ:ખની અલ્પકાલીન હળવાશ છે અને નરી પરાધીનતા છે. કેમ કે, સુખ પારકી વસ્તુમાંથી નથી મળતું, તે તો ભીતરની પોતીકી મિલ્કત છે. પારકાને મેળવવામાં સુખ નથી કે તેને છોડવામાં દુ:ખ પણ નથી; સુખ તો પર પદાર્થની ઇચ્છા માત્રથી મુક્ત થઈને, નિ:સ્પૃહ બનવામાં છે. નિ:સ્પૃહીને મનનો કોઈ સંતાપ કે અજંપો નથી હોતો, તેથી નિ:સ્પૃહી સદા સુખી હોય છે.
જે પળે જીવને આ વાત સમજાય છે, તે ધન્ય પળથી આત્મવિકાસનો પ્રારંભ થાય છે. બૌદ્ધિક સ્તરે આ વાત સમજાયા પછી પણ ઇન્દ્રિયો અને વિષયોની અપેક્ષા રાખ્યા વગર આત્મિક સુખ માણવાનો માર્ગ સાધક માટે અજાણી ભોમકા જેવો જ રહે છે. કેમ કે બુદ્ધિથી યોગીપુરુષોના સુખની વાતો તેને ગમી જાય છે, છતાં તેવું સુખ મેળવવા શું કરવું જોઈએ તે તેને સમજાતું નથી.
બસ ! આ અજાણી ભોમકાને પરિચિત બનાવવી-ભીતરના સુખનો માર્ગ દર્શાવવો, એ માર્ગે ચલાવીને એ સુખનો અનુભવ કરાવવો એ જ આ ગ્રંથનો ઉદ્દેશ છે.
“અધ્યાત્મોપનિષદ્' એવું તેનું ઉત્તમ નામ જ તેના ઉત્તમ ઉદ્દેશને પ્રગટ કરે છે. કેમ કે, અંદરમાં સુખને શોધવું તેનું જ નામ “અધ્યાત્મ’ અને ‘ઉપનિષદ્' એટલે તો સિદ્ધ સાધક-યોગીપુરુષો, ઋષિ મુનિઓના અંતરમાં પ્રગટેલાં સ્પંદનોનો શબ્દ દેહ. તેથી ગ્રંથનો ટૂંકો પરિચય આપવો હોય તો એટલું કહેવું પર્યાપ્ત છે કે, તે અંતરંગ આનંદને પામવાના રહસ્યને પ્રગટ કરનારો ગહન અને તાત્ત્વિક ગ્રંથ છે.
આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ આત્મસાધના અને સિદ્ધિ સાથે સંકળાયેલ અનેક અગમ, અકળ અને રહસ્યમય વાતો પ્રદર્શિત કરી છે. તેનું ચિંતન-મનન કરતાં સાધક જરૂર પરમાત્મા જેવા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખી, પરમ સુખને પ્રાપ્ત કરવાની વાસ્તવિક દિશા પકડીને, અનાદિની અવળી ચાલને સવળી કરી તેને લક્ષ્ય સિદ્ધિ પ્રતિ વેગવંતી બનાવી શકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org