________________
પરિશિષ્ટ - ૫ બૌદ્ધદર્શન સાર
(શ્લોક – ૪૯) બૌદ્ધદર્શનના આદ્ય પ્રણેતા અને દેવતા ગૌતમબુદ્ધ છે. ક્ષણિકવાદ અને સંઘાતવાદ આ બે બૌદ્ધદર્શનના મૂળભૂત અને વિશિષ્ટ સિદ્ધાંતો છે.
જગતના દરેક પદાર્થોનું વાસ્તવિક અસ્તિત્વ માત્ર એક ક્ષણ પૂરતું હોય છે. આ ક્ષણિકવાદનો સિદ્ધાંત છે અને “આ જગતમાં દરેક પદાર્થો પરમાણુઓના સમૂહથી નિષ્પન્ન થતા વિવિધ આકારરૂપ છે. પરમાણુના સમૂહથી જુદું પદાર્થનું સ્વતંત્ર અસ્તિત્વ નથી' આ સંઘાતવાદનો સિદ્ધાંત છે. આત્મા પણ પ્રત્યક્ષ દેખાતી માનસિક પ્રવૃત્તિઓના પેજસ્વરૂપ જ છે. તે સિવાય આત્માની પૃથક્ સત્તા નથી.
આ બે સિદ્ધાંતો જે સત્યોને નજર સમક્ષ રાખીને ઘડાયા છે તે સત્યોને ‘આર્યસત્ય' કહે છે. આર્ય એટલે કે વિચારશીલ આત્માઓ જ આ સત્યને સમજી શકે છે અને પામી શકે છે. પામર જનો આ સત્ય સુધી પહોંચી શકતા નથી. તેઓ માત્ર જીવે છે અને મરી જાય છે. સત્યો તો સંસારમાં સંખ્યાતીત છે પણ ચાર સત્યો સર્વેશ્રેષ્ઠ છે : ૧) દુ:ખ ૨) દુ:ખસમુદય (દુ:ખના કારણ) ૩) દુ:ખનિરોધ ૪) દુ:ખનિરોધમાર્ગ, (૧) પહેલું આર્યસત્ય દુઃખ છે :
દુ:ખની સત્તા એટલી ઠોસ છે કે તેને સિદ્ધ કરવાની જરૂર નથી. સંસાર દુઃખરૂપ છે અર્થાત્ ક્ષણજીવી પરમાણુઓના બનેલા સ્કન્ધો દુ:ખરૂપ છે. કારણ કે તે શાશ્વતનો અને અવયવીનો ભ્રમ ઉત્પન્ન કરે છે. આ દુ:ખરૂપ સ્કન્ધો પાંચ પ્રકારના છે : ૧) રૂ૫ ૨) સંજ્ઞા ૩) વેદના ૪) સંસ્કાર ૫) વિજ્ઞાન. રૂ૫ : જે વસ્તુમાં ગુરુત્વ (ભારેપણું) હોય અને જે સ્થાન રોકતી હોય તે વસ્તુને રૂપ કહેવાય. પૃથ્વી, જલ, તેજ, વાયુ અને તજન્ય શરીર રૂપ કહેવાય છે.
રૂપથી વિરુદ્ધ ધર્મો ધરાવતું એટલે જે ગુરુ ન હોય અને સ્થાન ન રોકે તે દ્રવ્ય “નામ” છે, નામ અર્થાત્ મન અને માનસિક પ્રવૃત્તિઓ. બૌદ્ધ મત મુજબ આત્મા નામરૂપાત્મક છે એટલે શરીર, મન તથા ભૌતિક અને માનસિક પ્રવૃત્તિઓના સમુચ્ચયસ્વરૂપ છે. સ્વતંત્ર ચેતનાસ્વરૂપ કે ચૈતન્યનો અધિષ્ઠાતા નથી.
સંજ્ઞા : પદાર્થના સાક્ષાત્કારને સંજ્ઞા કહેવાય છે. વેદના : સંજ્ઞા દ્વારા = પદાર્થના અનુભવ દ્વારા જન્મતાં સુખ, દુઃખ કે ઉદાસીનતાના ભાવને વેદના કહેવાય છે. સંસ્કાર : સ્મૃતિની કારણભૂત અને અનુભવજન્ય સૂક્ષ્મ માનસિક પ્રવૃત્તિને સંસ્કાર કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org