________________
નયોનું સ્વરૂપ - પરિશિષ્ટ-૧
૧૮૫ • કારકભેદ :- છોકરો, છોકરાને, છોકરાથી વગેરે કારકના ભેદથી અર્થભેદ થાય છે.
આ પ્રમાણે શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે, પણ એક જ શબ્દના પર્યાયવાચી શબ્દોના ભેદથી અર્થભેદ નથી સ્વીકારતો. મનુષ્ય, માણસ, મનુજ વગેરે શબ્દો જુદા જુદા હોવા છતાં એક જ શબ્દના પર્યાયવાચી શબ્દો હોવાથી તે સર્વ શબ્દોનો માનવ એવો એક જ અર્થ થશે.
ઋજુસૂત્ર અને શબ્દનયમાં વિશેષતાઃ- ઋજુસૂત્રનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માનતો નથી, અને નામ વગેરે ચારેય નિક્ષેપાનો સ્વીકાર કરે છે. શબ્દનય લિંગ આદિના ભેદથી અર્થભેદ માને છે, અને માત્ર ભાવ નિક્ષેપાનો જ સ્વીકાર કરે છે. (વિ. આ. ભા. ગા. ૨૨૨૬)
૭. સમભિરૂઢનય :- આ નય એ જ પર્યાયવાચી વસ્તુનો શબ્દભેદે અર્થભેદ સ્વીકારે છે. શબ્દનય પર્યાયવાચી શબ્દોનો અર્થ એક જ માને છે, પણ સમભિરૂઢનય શબ્દભેદથી અર્થભેદ માને છે. તે કહે છે કે, જો લિંગ આદિના ભેદથી અર્થનો ભેદ માનવામાં આવે તો વ્યુત્પત્તિભેદથી પણ અર્થનો ભેદ માનવો જોઈએ. દરેક શબ્દની વ્યુત્પત્તિ જુદી જુદી છે, માટે દરેક શબ્દનો અર્થ પણ જુદો જુદો છે. આથી નૃપ ભૂપ, રાજા વગેરે દરેક શબ્દના અર્થ પણ જુદા જુદા છે. જે માણસનું રક્ષણ કરે તે નૃપ, જે પૃથ્વીનું પાલન કરે તે ભૂપ, જે રાજચિન્હોથી શોભે તે રાજા. પ્રશ્ન :- શું શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સર્વથા નથી સ્વીકારતો ?
જવાબ :- શબ્દનય શબ્દભેદથી અર્થભેદ સ્વીકારે પણ છે અને નથી પણ સ્વીકારતો, શબ્દનય એક પર્યાયવાચી શબ્દો સિવાયના શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ માને છે. જેમકે ચન્દ્ર, સૂર્ય, ઇન્દ્ર વગેરે શબ્દોના અર્થ જુદા જુદા છે, પણ એક પર્યાયવાચી શબ્દોમાં શબ્દભેદથી અર્થભેદ નથી માનતો. જ્યારે સમભિરૂઢનય એક પર્યાયવાચી શબ્દોમાં પણ શબ્દભેદથી અર્થભેદ માને છે. આ જ શબ્દનય અને સમભિરૂઢનામાં વિશેષતા છેઠતફાવત છે.
૭. એવંભૂતનય :- જે નય વસ્તુમાં જ્યારે શબ્દનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ ઘટતો હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને સંબોધે તે એવંભૂતનય. આ નય ગાયક તેને જ કહેશે કે જે વર્તમાનમાં ગાયન ગાતો હોય. ગાયક
જ્યારે ગાયન સિવાયની ક્રિયા કરતો હોય ત્યારે તેને આ નય ગાયક નહિ કહે. રસોઈયો જ્યારે રસોઈ બનાવતો હોય ત્યારે જ તેને રસોઈયો કહેવાય. નૃપ માણસોનું રક્ષણ કરી રહ્યો હોય ત્યારે જ નૃપ કહેવાય. રાજા રાજચિહ્નોથી શોભી રહ્યો હોય ત્યારે જ તેને રાજા શબ્દથી બોલાવાય, ને ત્યારે તેને રાજા શબ્દથી જ બોલાવાય, નૃપ વગેરે શબ્દોથી નહિ. આમ એવંભૂતનય અર્થથી શબ્દનું અને શબ્દથી અર્થનું નિયમન કરે છે. (વિ. આ. ભા. ગા. ૨૨૫૨)
આ પ્રમાણે આ નય ક્રિયાભેદથઇવ્યુત્પત્તિસિદ્ધ અર્થના ભેદથી અર્થભેદ માને છે. જે શબ્દનો જે અર્થ હોય તે અર્થમાં તે શબ્દની વ્યુત્પત્તિથી જે ક્રિયા જણાય તે ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે અર્થ માટે તે શબ્દનો પ્રયોગ કરવો જોઈએ એમ આ નય માને છે.
આ સાત નયોના સંક્ષેપમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક, નિશ્ચય-વ્યવહાર, શબ્દ-અર્થ, જ્ઞાન-ક્રિયા વગેરે અનેક રીતે બે વિભાગો પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org