________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૪૪
૧૧૫
જ્યારે સમગ્રરૂપે નયસમૂહમાં તૈયાલંબ હોવા છતાં પણ અપેક્ષાભેદથી વિરોધ નથી, તેથી સ્યાદ્વાદ નિશ્ચિતતા સૂચક નિશ્ચયવાદ છે, પણ સંશયવાદ નથી. * વસ્તુ માત્ર અનંતધર્મવાળી છે તેટલું નહિ, પણ પરસ્પર વિરોધી છતાં અપેક્ષાભેદે એકત્ર
રહેનારા અનંતધર્મવાળી છે. * વસ્તુમાં નાસ્તિત્વરૂપે રહેલા ધર્મોનો બોધ થયા વિના વસ્તુનું સર્વાગીણ સ્વરૂપ સ્પષ્ટ
થતું નથી. * અનેકાન્તનો સિદ્ધાંત સર્વત્ર વ્યાપક છે. વ્યવહાર કે વ્યાપાર, ધર્મ કે કર્મ ક્યાંય
અનેકાન્તનો સિદ્ધાંત અપનાવ્યા વિના ચાલી શકે તેમ નથી. * અનવસ્થા, અન્યોન્યાશ્રય આદિ કોઈ દોષો અનેકાન્તમાં ક્યારેય આવતા નથી. આ તો થઈ દાર્શનિક દૃષ્ટિએ અનેકાન્તવાદની નિર્દોષતા, પરંતુ જો અનેકાન્તવાદના ભાવોનું વાસ્તવિક જ્ઞાન થઈ જાય તો જીવન જીવવું ખૂબ સરળ બની જાય. દરેકના ભાવોને સમજવાનો એક અનોખો દૃષ્ટિકોણ કેળવાઈ જાય. પરિણામે એક બીજાના ભાવો ન સમજવાના કારણે થતા સંક્લેશોથી બચી શકાય. વળી, વસ્તુમાત્ર પર્યાયરૂપે અનિત્ય છે એવી ઊંડી સમજણ હોવાથી કોઈનો સારો વ્યવહાર, સારા શબ્દ કે મનોહર રૂપ-રંગ આદિ જોઈને કદી આસક્ત બની જવાતું નથી. તથા કોઈનો ખરાબ વ્યવહાર, ખરાબ શબ્દ કે અરોચક રૂપાદિ જોઈ દ્વેષ થતો નથી. કેમકે, સ્યાદ્વાદી સમજે છે કે આ બન્ને પર્યાયો છે, માટે તે પરાવર્તન પામવાના જ છે. પરાવર્તનશીલ આવા ભાવોમાં રાગ કે રોષ શા માટે કરવો ?
વસ્તુ જેમ પર્યાયથી અનિત્ય છે તેમ દ્રવ્યરૂપે નિત્ય પણ છે, આ વાત અનેકાન્ત સિદ્ધાંત અપનાવવાથી સ્પષ્ટ સમજાય છે. આથી જ અનેકાન્ત ઉપર જેને અડગ આસ્થા ઊભી થાય છે તેવા સાધકોને કોઈપણ વ્યક્તિના જન્મ કે મરણમાં કે કોઈપણ વસ્તુની ઉત્પત્તિ કે વિનાશમાં હર્ષ કે શોક થતો નથી. કારણ કે તેને ખ્યાલ હોય છે કે આ તો માત્ર શરીર નામના પર્યાયની ઉત્પત્તિ કે નાશ થયો છે પણ આત્મદ્રવ્ય તો અમર જ છે. કોઈ વસ્તુના રૂપ-રંગમાં ફેરફાર થાય તોપણ તે સમજે છે કે આ તો પર્યાયનું પરિવર્તન છે, દ્રવ્ય તો તેનું તે જ છે. આથી જ અનેકાન્તને સમજનાર વ્યક્તિ વિહ્વળ થયા વિના દરેક સંયોગમાં સારી રીતે જીવન જીવી શકે છે.
સ્યાદ્વાદનો સિદ્ધાંત બતાવનાર શાસ્ત્રના આધારે જ કષાયોના શમનરૂપ ઉપશમ, વસ્તુના વાસ્તવિક બોધરૂપ વિવેક અને પ્રત્યેક જીવોના સુખ-દુ:ખની વિચારણાના કારણે પ્રવૃત્તિમાં સંવરસ્વરૂપ વાસ્તવિક મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. તેથી સ્યાદ્વાદવાળું જ શાસ્ત્ર તાપશુદ્ધ બને, અન્ય કોઈ નહિ.
આથી જ તો દેવચંદ્રજી મહારાજે વીર પ્રભુને વિનંતી કરતા કહ્યું છે કે, “વિનતિ માનજો ! શક્તિ એ આપજો ! ભાવ સ્યાદ્વાદના શુદ્ધ ભાસે..” I૪૪ા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org