________________
૧૬૨
અધ્યાત્મ ઉપનિષદ્ - ભાગ પહેલો, ૧-શાસ્ત્રયોગશુદ્ધિ અધિકાર
ધર્મવાદ થતો હોય ત્યારે વિદ્વાનો સામસામે બેસી પોતાની વાત રજૂ કરે, એક-બીજાની વાતોને ખુલ્લા દિલે વિચારે, જે સત્ય જણાય તેને બન્ને પક્ષ સહજતાથી સ્વીકારે, સત્યનો નિર્ણય ન થાય તો વધુ વિમર્શ માટે વાતને વધારે ઊંડાણથી સમજવા માટે વધુ તત્પર બને. આવા ધર્મવાદના અંતે બન્ને પક્ષને કોઈ નવી દિશા મળ્યાનો આનંદ થાય, પોતે રજૂ કરેલી વાત સત્ય છે, તેવો ખ્યાલ આવે તો શ્રદ્ધા દઢ થાય છે અને જો પોતે રજૂ કરેલી વાત ખોટી ઠરે તો અજ્ઞાન કે વિપર્યય ટળ્યાનો આનંદ થાય છે. આમ ધર્મવાદમાં જય અને પરાજયની ભાવનાને ક્યાંય સ્થાન જ હોતું નથી, એકમાત્ર તત્ત્વ પ્રાપ્તિનો જ ભાવ હોય છે.
આથી જ તત્ત્વપ્રાપ્તિના ઉદ્દેશથી પ્રારંભાયેલો વાદ પણ જો સુંદર એવા મધ્યસ્થભાવની વૃદ્ધિમાં પરિણામ પામે, વાદના અંતે વાદી અને પ્રતિવાદીમાં તત્ત્વ પ્રત્યેનો પક્ષપાત તીવ્રતર બને, બન્ને પક્ષનો સત્તત્વ પ્રત્યેનો આદર વધે તો જ તે વાદને ધર્મવાદ કહેવાય છે. એકવાત એ પણ ધ્યાનમાં રહેવી જોઈએ કે મધ્યસ્થભાવથી વાદ કરવાથી જ માધ્યથ્યની સિદ્ધિ થાય. માધ્યચ્ય ભાવનો ત્યાગ કરીને રાગ-દ્વેષની પરિણતિથી કરાતા વાદથી માધ્યશ્મની સિદ્ધિ ક્યારેય થતી નથી, જે બીજમાં હોય તે જ ફળમાં આવે આ કોઈને પણ સમજાય તેવો સામાન્ય નિયમ છે.
આના બદલે તત્ત્વની જિજ્ઞાસા વિના જક્કી કે હઠીલા વલણથી રાગાદિને આધીન બની, પોતાની ખોટી પણ માન્યતાને બીજા ઉપર ઠોકી બેસાડવાના આગ્રહથી, પોતાના અભિમાનને પોષવા માટે, વાદી તરીકેની ખ્યાતિ મેળવવા કે વિવેક વિના ધર્મનો પ્રચાર કરવા માટે જે વાદ કરાય તે ધર્મવાદ નથી, તે તો માત્ર બાલિશ ચેષ્ટા છે. જેમ મૂર્ખ લોકોની દોડાદોડી, કૂદાકૂદી કે તોફાન મસ્તીની ક્રિયાથી તેમને કાંઈ મળતું નથી અને બીજાને હેરાનગતિ થાય છે, તેમ તત્ત્વ પામવાની ઇચ્છા વિના કરાતો કે મધ્યસ્થભાવની વૃદ્ધિ ન કરે તેવો વાદ કરવો તે બાળ ચેષ્ટા છે તેનાથી પોતાનું આત્મહિત સધાતું નથી અને બીજાનું અહિત થયા વિના રહેતું નથી. તેથી તે ધર્મવાદ નહિ પણ અજ્ઞાનક્રિયા હોવાથી બાળચેષ્ટા જ છે.
આજકાલ ઘણા લોકો એવું માને છે કે, ભગવાને રાગ-દ્વેષ કરવાની ના પાડી છે તેથી ધર્મ પામવાના હેતુથી તત્ત્વ નિર્ણય માટે પણ ચર્ચા-વિચારણા કે વાદ ન કરવો જોઈએ, સર્વત્ર સમતા રાખવી જોઈએ, સૌની સાથે મૈત્રી રાખવી જોઈએ, ક્યાંય સાચા-ખોટાની ભાંજગડમાં ન પડવું જોઈએ વગેરે વાતો તદ્દન બેબુનિયાદ છે. આવી માન્યતા રાખી વાદમાં ન પડવું તે કાંઈ મધ્યસ્થતા નથી, આમ માનવું તે નર્યું અજ્ઞાન છે અને તત્ત્વના યથાર્થ બોધમાં અવરોધક છે.
શ્રી જિનેશ્વરદેવના ધર્મને પામેલા સાધકો અહિંસક, શાંત અને સમતાનિધિ હોય, શાંતિ, સમતા અને અહિંસકભાવ એમને વરેલો હોય આમ છતાં તેમનામાં આત્મઘાતક નિર્માલ્યતા તો ન જ હોય. જૈનધર્મ તો વીરનો ધર્મ છે કાયરનો નહીં. જે પૂજવા યોગ્ય હોય, સેવવા યોગ્ય હોય, જેનાથી અનેકનું હિત થવાનું હોય તેને કોઈ નુકશાન થતું હોય અથવા તેનો ઘાત થતો હોય ત્યાં સુધી જેના પેટનું પાણી પણ ન હાલે, તેને સાચો વીર કેવી રીતે કહેવાય ? તેથી તત્ત્વની પ્રાપ્તિ માટે ધર્મવાદ કરવો એ કાંઈ શાંતિનો ભંગ નથી એ તો પરમ શાંતિ સુધી પહોંચવાનો માર્ગ છે અને તત્ત્વ-અતત્ત્વનો વિભાગ કરવામાં જે કાયરની જેમ બેસી રહેતો હોય તેની શાંતિ આત્મહિતકર તો નથી જ પણ આત્મઘાતક છે, તેથી જૈનશાસન આવી આત્મઘાતક શાંતિને પૂજવામાં માનતું નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org