________________
સ્યાદ્વાદની સિદ્ધિ - ગાથા-૩૪
શ્લોકાર્થ :
જેમ સામે પડેલા બે પદાર્થોમાંથી કોઈપણ એકમાં ઉત્પન્ન થયેલી એકત્વ બુદ્ધિ એક દેશથી યથાર્થ ગણાય તેમ વસ્તુમાં નયાત્મિકા એવી વસ્તુ-અંશની બુદ્ધિ પણ વસ્તુના એક દેશથી યથાર્થ જાણવી. ભાવાર્થ :
બે વસ્તુના સમુદાયમાં “આ એક છે' એવી એકપણાની બુદ્ધિ યથાર્થ ન કહેવાય, પરંતુ જો તે સમુદાયના એક અંશમાં એકત્વની બુદ્ધિ થાય તો તે યોગ્ય કહેવાય. તેની જેમ અનંત ધર્માત્મક વસ્તુમાં જો સર્વાંશે એક નયને આશ્રયીને એક જ ધર્મની બુદ્ધિ થાય તો તે યથાર્થ ન ગણાય, પરંતુ તેના એકજ અંશમાં જો આવી બુદ્ધિ થાય તો તેને પ્રમાણભૂત માનવામાં કોઈ વાંધો નથી. તેથી જ જૈનશાસન નયબુદ્ધિને સ્વીકારે છે. વિશેષાર્થ :
વસ્તુના કોઈ એક ગુણધર્મને આશ્રયીને વસ્તુવિષયક “આ નિત્ય છે કે “આ અનિત્ય છે” એવું એકાન્ત પણ કોઈ કથન કરવામાં આવે તો તે કથન અયોગ્ય નથી અને તેનાથી અનેકાન્ત બાધિત પણ થતો નથી. આમ છતાં એકાંતિક કથન કરનારી આવી નયની બુદ્ધિ સંપૂર્ણ વસ્તુને આશ્રયીને પ્રમાણભૂત નથી બનતી, પરંતુ વસ્તુના એક અંશને (દેશને) આશ્રયીને તેને ચોક્કસ પ્રમાણભૂત માની શકાય.
જેમ બે ઘટ સામે પડ્યા હોય તો બન્નેના સમુદાય માટે “આ એક છે' એવી એકત્વની બુદ્ધિ ખોટી કહેવાય, પરંતુ તે બેમાંથી કોઈ એક જ વસ્તુને આશ્રયીને જો “આ એક છે' તેવી બુદ્ધિ કરાય તો તે યોગ્ય જ કહેવાય. ' '
તેવી જ રીતે નિત્યાનિત્ય સ્વભાવવાળી વસ્તુને સર્વાશે નિત્ય કે અનિત્ય કહેવામાં આવે તો તે ખોટું કહેવાય, પરંતુ દ્રવ્યાસ્તિક નયના આધારે વસ્તુના દ્રવ્યરૂપ અંશને આશ્રયીને એટલે કે તેને મુખ્ય બનાવીને વસ્તુને નિત્ય કહેવાય અને પર્યાયાસ્તિક નયના આધારે વસ્તુના પર્યાયરૂપ અંશને આશ્રયીને વસ્તુને અનિત્ય કહેવામાં આવે તો કાંઈ ખોટું નથી. જગતના સર્વ વ્યવહારો પણ આ રીતે જ ચાલે છે. વસ્તુના ઘણા ધર્મો હોવા છતાં, જ્યાં જેની મુખ્યતા હોય કે જેનાથી કાર્ય થતું હોય તેને જ આગળ કરી કામ લેવાય છે. આથી જ નય સ્વરૂપ બુદ્ધિ, વસ્તુનો સર્વાંશે બોધ કરવા-કરાવવામાં અયોગ્ય હોવા છતાં આંશિક રીતે બોધ કરવાકરાવવામાં તો યથાર્થ જ છે, તેથી જ જૈનશાસન તેને સ્વીકારી, તેના જ આધારે વસ્તુનો વાસ્તવિક બોધ કરેકરાવે છે. પ૩૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org