________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩ | પ્રસ્તાવના સ્વરૂપવાળા છે તેનું ભાવન કરવું જોઈએ. વળી, શ્રાવકે બાર વ્રતોનું સૂક્ષ્મ સ્વરૂપ વારંવાર વિચારવું જોઈએ, જેથી તે અણુવ્રત-ગુણવ્રત-શિક્ષાવ્રતો ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વવિરતિનું કારણ બને. સર્વવિરતિધર મહાત્માએ મહાવ્રતોની ૨૫ ભાવનાઓને અત્યંત ભાવિત કરીને નિઃસંગતા પ્રગટે તે રીતે પ્રયત્ન કરવો જોઈએ. વળી, જીવનના અંત સમયે અનશન કરવાને અનુકૂળ શક્તિ સંચય થાય તે અર્થે શાસ્ત્રોથી આત્માને અત્યંત સંપન્ન કરવા યત્ન કરવો જોઈએ અને શક્તિ અનુસાર તપ કરીને શરીરને પણ કૃશ કરવા યત્ન કરવો જોઈએ. વળી, કષાયોની અને દેહની સંખના કરીને મનુષ્ય ભવ અત્યંત સફળ થાય તેવો યત્ન કરવો જોઈએ. તે અર્થે જ સર્વજ્ઞના વચનનો સર્વ ઉપદેશ છે એ પ્રકારને વિસ્તારથી સાતમા અધ્યાયમાં બતાવેલ છે.
છદ્મસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડ.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વિ. સં. ૨૦૬૯, પોષ સુદ-૫, તા. ૧૬-૧-૨૦૧૩, ગુરુવાર, ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩ર૪૪૭૦૧૪