________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-3ની પ્રસ્તાવના
અધ્યાય-૫
જીવોના ભેદોનું વર્ણન કર્યા પછી અજીવ પદાર્થો કેટલાં છે ? તેમનું સ્વરૂપ કેવું છે ? તે પાંચમા અધ્યાયમાં બતાવેલ છે. વળી, જીવ, અજીવ એમ બે દ્રવ્યો છે તે નિત્ય, અવસ્થિત કેવા સ્વરૂપવાળા છે ? કયા દ્રવ્યો નિષ્ક્રિય છે ? કયા દ્રવ્યો ક્રિયાવાળા છે ? કોના કેટલા પ્રદેશો છે ? તેનું વિસ્તારથી વર્ણન પાંચમા અધ્યાયમાં છે. વળી, ધર્માસ્તિકાય આદિ દ્રવ્યો કઈ રીતે કોને ઉપકાર કરે છે ? પુદ્ગલો કઈ રીતે જીવને ઉપકાર કરે છે ? પુદ્ગલો કઈ રીતે જીવને સુખ-દુઃખ આદિમાં હેતુરૂપ બને છે ? જીવોને પરસ્પર કઈ રીતે ઉપકાર થાય છે ? કાળનું સ્વરૂપ કેવા પ્રકારનું છે ? પુદ્ગલોના કેવા પ્રકારના પરિણામો છે ? કઈ રીતે પુદ્ગલના સ્કંધો બને છે ? તેનું વિસ્તારથી સ્વરૂપ પાંચમા અધ્યાયમાં બતાવેલ છે.
વળી, સત્ વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છે; તેનાથી કઈ રીતે દ્વાદશાંગી ઉત્પન્ન થઈ છે ? કઈ રીતે સપ્તભંગી પ્રાપ્ત થાય છે ? તેનું સૂક્ષ્મ સ્વરૂપ પાંચમા અધ્યાયમાં આપેલ છે, જે દ્રવ્યાનુયોગનો વિષય છે. વળી, કાલને કેટલાક દ્રવ્ય માને છે. ઉપચારથી કાલદ્રવ્ય છે. જીવ-અજીવના પર્યાયસ્વરૂપ કાલદ્રવ્ય છે, તેનું વિસ્તારથી સ્વરૂપ પાંચમા અધ્યાયમાં છે.
અધ્યાય-૬
જીવ અને અજીવનું સ્વરૂપ બતાવ્યાં બાદ સાત તત્ત્વોમાંથી ક્રમપ્રાપ્ત આશ્રવતત્ત્વનું સ્વરૂપ છઠ્ઠા અધ્યાયમાં બતાવે છે. મન-વચન-કાયાની પ્રવૃત્તિ આશ્રવ છે, તે શુભ અને અશુભ એમ બે ભેદવાળી છે. શુભ મન-વચન-કાયાના યોગો પુણ્યબંધનું કારણ છે, જ્યારે અશુભ મન-વચન-કાયાના યોગો પાપબંધનું કારણ છે. સકષાયવાળા જીવો કષાયને વશ અશુભ કર્મ બાંધે છે અને પ્રશસ્ત કષાયને વશ જીવો પુણ્ય બાંધે છે. અકષાયવાળા જીવો યોગને કારણે ઈર્યાપથિક કર્મો બાંધે છે. વળી, સકષાયવાળા જીવો પાંચ ઇન્દ્રિયો, ચાર કષાયો, પાંચ પ્રકારના અવ્રતો અને પચ્ચીશ પ્રકારની ક્રિયામાંથી યથાયોગ્ય ક્રિયા કરીને તે તે કર્મો બાંધે છે. વળી, તીવ્રભાવ, મંદભાવ આદિ ભાવોના ભેદથી પણ કર્મબંધના ભેદની પ્રાપ્તિ છે. તેથી જેને તીવ્ર કષાયનો ઉદય હોય તેને ક્લિષ્ટ કર્મો બંધાય છે, જ્યારે મંદ કષાયના ઉદયથી મંદ કર્મ બંધાય છે. વળી, ભાવના ભેદથી અને અધિકરણના ભેદથી પણ કર્મબંધના ભેદ પડે છે. વળી, સંરંભ, સમારંભ અને આરંભના ભેદથી પણ કર્મબંધના ભેદ પડે છે.