________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૩/ પ્રસ્તાવના
વળી, જ્ઞાન પ્રત્યે દ્વેષ, માત્સર્ય આદિ ભાવોથી વિશિષ્ટ પ્રકારના જ્ઞાનાવરણીયકર્મ આદિ કર્મો બંધાય છે. વળી, નિમિત્તોને પામીને જીવો શોક, તાપ, આક્રંદ આદિ કરતાં હોય ત્યારે વિશિષ્ટ પ્રકારનું અશાતા વેદનીયકર્મ બાંધે છે. જીવો પ્રત્યે દયા કરતાં હોય, દાન આદિનો પરિણામ વર્તતો હોય, સરાગસંયમ આદિ સેવતાં હોય, ક્ષમા આદિના ભાવો વર્તતાં હોય ત્યારે શાતાવેદનીયકર્મ બાંધે છે. વળી, કેવલીનો, શ્રુતજ્ઞાનનો, સંઘનો, ધર્મનો અને દેવોનો અવર્ણવાદ કરવામાં આવે ત્યારે દર્શનમોહનીયકર્મ બંધાય છે. કષાયના ઉદયથી ચારિત્રમોહનીયકર્મ બંધાય છે. તેથી જે જીવો કષાયના રોધ માટે યત્ન કરતાં હોય, ક્ષમાદિ ભાવોનું ભાવન કરતાં હોય, મૈત્રી આદિ ભાવોથી આત્માને ભાવિત કરતાં હોય ત્યારે ચારિત્રમોહનીયકર્મ શિથિલ થાય છે અને વિષયોમાં ચિત્ત પ્રવર્તતું હોય ત્યારે ચારિત્ર-મોહનીયકર્મ બાંધે છે. વળી, બહુઆરંભ અને બહુપરિગ્રહવાળા જીવો નરકાયુષ્ય બાંધે છે. માયાના પરિણામવાળા જીવો તિર્યંચનું આયુષ્ય બાંધે છે. વળી, અલ્પઆરંભ અને અલ્પપરિગ્રહવાળા તથા સ્વભાવથી મૃદુ સ્વભાવવાળા જીવો મનુષ્યઆયુષ્ય બાંધે છે. વળી, સરાગસંયમ, દેશવિરતિ, અકામનિર્જરા અને બાલતપવાળા જીવો દેવનું આયુષ્ય બાંધે છે. વળી, મન-વચન-કાયાની વક્રતા, મૃષાવાદ આદિનું ભાષણ અંશુભ એવા નામકર્મોના બંધનું કારણ છે. જ્યારે મન-વચન-કાયાના યોગો જેઓના સરળ હોય તેઓને શુભ એવા નામકર્મો બંધાય છે. વળી, જેઓ દર્શનની શુદ્ધિમાં યત્ન કરતા હોય, વિનય-સંપન્ન હોય, શીલ તથા વ્રતોમાં અતિચાર ન લાગે તેવો યત્ન કરતા હોય, સતત જ્ઞાન ઉપયોગ વર્તતો હોય, તીવ્ર સંવેગ વર્તતો હોય તેવા જીવો તીર્થકર નામકર્મ બાંધે છે. વળી, જેઓ બીજાની નિંદા અને પોતાની પ્રશંસા કરતા હોય તેઓ નીચગોત્ર કર્મ બાંધે છે. અને જેઓ ગુણવાન પ્રત્યે નમ્રપ્રકૃતિવાળા હોય તેઓ ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. જેઓ બીજાને અંતરાય કરે તેઓ તે તે પ્રકારના અંતરાય કર્મો બાંધે છે. અધ્યાય-૭.
શાતા વેદનીયકર્મના આશ્રવોમાં જીવોની અનુકંપા અને વ્રત કારણ છે, તેમ છઠ્ઠા અધ્યાયમાં કહ્યું, તેથી વ્રત શું છે ? તે પ્રકારની થયેલી જિજ્ઞાસાના પ્રત્યુત્તરમાં હિંસા આદિ પાંચ પાપસ્થાનકોની વિરતિ વ્રત છે. આ વિરતિ દેશથી અને સર્વથી એમ બે ભેદવાળી છે. સર્વવિરતિ અને દેશવિરતિના ધૈર્ય માટે સાધુઓએ અને શ્રાવકોએ પાંચ-પાંચ ભાવનાઓ કરવી જોઈએ. આ રીતે ભાવના કરતાં શ્રાવક પણ સાધુની જેમ મહાવ્રતો પ્રત્યે સ્થિરરુચિવાળા થાય છે અને સુસાધુઓ અપ્રમાદથી મહાવ્રતોનું પાલન કરે છે. વળી, હિંસાદિ પાપોના આલોકમાં પ્રત્યક્ષથી દેખાતા અનર્થોનું ભાવન કરવું જોઈએ અને હિંસાદિ પાપો કઈ રીતે સ્વપરના દુઃખોનું કારણ છે? તેનું ભાવન કરવું જોઈએ, જેથી વ્રતોનું ધૈર્ય થાય.
વળી, વ્રતોની સ્થિરતા અર્થે જ મૈત્રી આદિ ચાર ભાવનાઓ ભાવન કરવી જોઈએ. વળી, સંવેગ અને વૈરાગ્યને દઢ કરવા અર્થે જગતના સ્વભાવનું ભાવન કરવું જોઈએ અને કાયાની અનિત્યતા, દુઃખની હેતુતા, અશુચિતાનું સૂક્ષ્મ બુદ્ધિથી ભાવન કરવું જોઈએ. વળી, બાહ્ય અને અંતરંગ ભાવો પ્રત્યે સંશ્લેષનો પરિણામ ક્ષીણ થાય તે રીતે અત્યંત ભાવન કરવું જોઈએ. વળી, હિંસાદિ પાંચ પાપસ્થાનકો કેવા ક્લિષ્ટ