________________
શ્લોક – ૬ પૂર્ણજ્ઞાન જેમ પૂનમનો ચંદ્રમા, પૂનમનો પૂર્ણ ચંદ્રમાં, પૂનમ કેમ કહે છે સાંભળ્યું? પૂનમ પૂરો ચંદ્ર, પૂરો પ્રગટયો છે, માટે પૂનમ કહે છે. પૂનમમાં માસ પૂર્ણ થાય છે, ને અમાસમાં માસ અર્ધમાસ થાય છે. અમાસ અર્ધમાસ. અહીં કાઠીયાવાડમાં બીજો રિવાજ છે. સુદ૧ મી શરૂ કરે છે. સિદ્ધાંત તો વદ એકમથી શરૂ કરે છે. પહેલી વદ ને પછી સુદ- કેમકે પંદર દિવસે તો અમાસ આવે એ તો અર્ધમાસ થયો અને પૂર્ણમાં પૂરણ પુનમ, ચંદ્ર પણ પુરણ થઈ ગયો ત્યાં, સોળ કળાએ ખીલી નીકળ્યો છે. એક કળા તો સદાય એની ખુલ્લી જ હોય છે. સમજાણું? આહાહા ! બીજે ત્રણ કળા હોય છે. એકમે બે, બીજે ત્રણ, પૂનમે પૂર્ણ, એમ ભગવાન આત્મા વસ્તુ તરીકે પૂર્ણ વિજ્ઞાનઘન છે. જેમાં અપૂર્ણતા નથી, વિપરીતતા નથી, અશુદ્ધતા નથી, અલ્પતા નથી. આહા ! દરેક શબ્દોમાં વાચ્ય છે, એ એને જાણવું જોશે ભાઈ ! આ કોઈ વિદ્વત્તાનો વિષય નથી. વિદ્વાનોનો કે બીજાને સમજાવી શકીએ માટે આવો બાપુ એ નથી આ ચીજ તો કોઈ અલૌકિક છે. આહાહા !
એ પૂર્ણ જ્ઞાનઘન શબ્દ એક જ જ્ઞાનને પૂર્ણ લીધું પણ એની સાથે અનંતાગુણો પૂર્ણરૂપ છે, એકરૂપ છે એવો એ ભગવાન છે. સમજાણું કાંઈ? “તાવાન વયે ગાત્મ” તાવાન જેટલું સમ્યગ્દર્શન તેટલો આત્મા છે. આહાહા ! પૂર્ણ વસ્તુ છે. તેની પ્રતીત થઈ અનુભવમાં તે એ તો વસ્તુ જ પૂર્ણ છે તે પ્રમાણે. આહાહા! જે અનાદિથી કર્મચેતના, કર્મચેતના ને કર્મફળચેતનાનું જે વેદન હતું એ મિથ્યાત્વ હતું. સમજાણું કાંઈ? રાગ ને રાગનું ફળ એનું જે વેદન એકાંતે દુઃખી ને દુઃખનું વદન હતું. સમ્યગ્દર્શન થતાં એને જ્ઞાન ચેતના પ્રગટી. આહાહાહા ! તેથી તે આનંદનાં વેદનમાં આવ્યો હવે. આવી શરતો માળા ! સમજાણું કાંઈ?
એતત્ સમ્યગ્દર્શન. આહાહા! પૂર્ણાનંદના નાથનું જ્યાં દર્શન થયું અને તેની સાથે જ્ઞાન થયું, અને તેની સાથે આનંદનું વેદન. આહાહાહાહા ! એટલે ચારિત્ર આવશે હારે. આહાહાહા ! સમજાણું કાંઈ? કર્મ ચેતના, કર્મફળ ચેતનાનું અનાદિથી અજ્ઞાનીને વેદન છે. આત્માનું જ્ઞાનચેતનાનું વેદન છે જ નહીં. આહાહા ! એથી જ્યાં પૂર્ણ જ્ઞાનઘન છે, એવું જ્યાં ભાન થયું તેની પર્યાયમાં જ્ઞાનચેતના, શાંતિના આનંદના વેદનવાળી ચેતના પ્રગટી. આહાહા ! એકલા દુઃખનું વદન હતું મિથ્યાત્વમાં, એ પૂર્ણજ્ઞાનઘન છે એવું જ્યાં સમ્યગ્દર્શન તેને આશ્રયે થયું તેમાં જ્ઞાનચેતના, જે જ્ઞાન, જ્ઞાનમાં એકાગ્રતા થઈ, તેના સાથે તેને આનંદનું વદન થયું, એટલે આ દર્શનમાં ત્રણેય આવી ગયા, એમ મારું કહેવું છે. સમજાણું કાંઈ ?
સમ્યગ્દર્શન પૂર્ણની પ્રતીતિ, પૂર્ણનું જ્ઞાનને, પૂર્ણના જ્ઞાનની સાથે વેદન. આહાહા ! (શ્રોતા- સર્વ ગુણાંશ તે સમક્તિ) સર્વ ગુણાંશ તે સમકિત પણ આ તો ત્રણનું અત્યારે તો કામ છે ને સમ્યગ્દર્શનમાં એ પ્રશ્ન છે ને આનો અત્યારે એમ કે તમે સમ્યગ્દર્શનની વાત કરો છો ને મોક્ષમાર્ગ તો ત્રણ છે. વાત સાચી બાપુ અમે ત્રણની ના નથી પાડતાં. આહાહા ! પૂર્ણ જ્ઞાનઘન પ્રભુ અતીન્દ્રિય આનંદથી પૂર્ણ ઘન પ્રભુ આ તો જ્ઞાનથી પૂર્ણ કીધું, પણ એવા અતીન્દ્રિય આનંદથી પૂર્ણ ઘન પ્રભુ, અતીન્દ્રિય પ્રભુત્વ શક્તિથી પૂર્ણઘન પ્રભુ, એવી અનંત શક્તિથી પૂર્ણ વસ્તુ પ્રભુ. આહાહા! ભાઈ એનું સમ્યગ્દર્શન ને જ્ઞાન થતાં ચેતના પણ પલટી ગઈ, જે કર્મ ચેતના ને કર્મફળ ચેતના હતી, એ જ્ઞાનચેતના થઈ ગઈ. વેદન પલટી ગયું.