________________
શ્રી સિદ્ધઋષિ
ઉપર ત્યાં ખોદ કામ કરતાં જુના ઢંગનાં અનેક જૈન ચૈત્યો જમીન નીચેથી નીકળ્યાં હતાં, આ બતાવે છે કે તક્ષશિલા ખરે જ ધર્મક્ષેત્ર હતું; પણ અવાર નવાર થતા વિદેશીઓનાં આક્રમણોનાં પરિણામે છેવટે આ નગરીનો નાશ થયો હતો. અને વિક્રમની ત્રીજી-ચોથી સદી પછી ત્યાં જૈનોનો લાગવગ ઓછો થતાં જૈનોનાં ચૈત્યો અને તીર્થો ઉપર બૌદ્ધ લોકોએ પોતાની સત્તા જમાવી હતી. જૈનોના અતિ પ્રાચીન તીર્થોમાંનું તક્ષશિલાનું ધર્મચક્ર તીર્થ કે જે ચન્દ્રપ્રભજિનનું ધામ હતું એમ મહાનિશીથ સૂત્ર ઉપરથી જાણી શકાય છે, તેના ઉપર પણ પાછળથી બૌદ્ધોએ પોતાનો અધિકાર જમાવી લીધો હતો. ચીનનો પરિવ્રાજક હૂએનત્સાંગ હિન્દુસ્તાનની મુસાફરીએ આવ્યો તે સમયે (વિક્રમના છઠ્ઠા સૈકામાં) ધર્મચક્ર બૌદ્ધોના તાબામાં હતું અને તે લોકો આને ચન્દ્રપ્રભ બોધિસત્વનું તીર્થ ગણતા હતાં.
મારવાડમાંના નાડોલ અને કોરટા નામના સ્થાનો કેટલાં બધાં પુરાણાં છે તે આ પ્રબન્ધ ઉપરથી જણાઈ આવે છે.
કોરટાના મહાવીર ચૈત્યનો ઉપાધ્યાય દેવચન્દ્ર વહીવટ કરતા હતા. આવી હકીકત પ્રબન્ધમાં જણાવી છે. જો આ કથન ખરું જ હોય તો ચૈત્યવાસની પ્રાચીનતાનો એ પુરાવો છે. જો કે પટ્ટાવલિઓમાં વીર સંવત ૮૮૨ (વિ. સં. ૪૧૨)માં ચૈત્યવાસિઓ થયાનું લખાણ છે. પણ ખરું જોતાં ચૈત્યવાસ ઉક્ત સમયની પૂર્વે પણ હતો એમ જૈન સૂત્રોનાં ભાષ્યો અને ચૂર્ણિઓ ઉપરથી પણ જણાઈ આવે છે. ૮૮૨ માં ચૈત્યવાસી થયાનું જે પટ્ટાવલિઓમાં જણાવ્યું છે તેનો અર્થ એ છે કે તે સમયે ચૈત્યવાસ પૂરા જોર ઉપર આવી ગયો હતો અને સુવિદિતો કરતાં ચૈત્યવાસી સાધુઓની સંખ્યા વધી ગઈ હતી.
# ૧૪. શ્રી સિદ્ધર્ષિ
આચાર્ય સિદ્ધર્ષિનો જન્મ ભીનમાલ નિવાસી શ્રેષ્ઠી શુભંકરને ત્યાં થયો હતો. શેઠ શુભંકરની ભીનમાલના પ્રસિદ્ધ શ્રીમંતોમાં ગણના હતી, એની સ્ત્રીનું નામ લક્ષ્મી હતું, આપણા ચરિત્ર નાયક સિદ્ધર્ષિનો એ જ લક્ષ્મીની કૂખથી જન્મ થયો હતો.
યોગ્ય વયમાં આવતાં સિદ્ધના લગ્ન થયાં, પણ તેનામાં એક ખોટું વ્યસન હતું, તે જુગારીઓની સોબતમાં પડી ગયો હતો, દિવસ અને રાત તેનું મન ત્યાં જ રહેતું, રાત્રે બહુજ મોડો-અર્ધરાત્રિ પછી ઘરે આવતો, આથી તેની સ્ત્રીને બહુ દુઃખ થતું, પણ તેનું ચાલતું ન હોતું. એક દિવસ એની માતાએ દ્વાર બંધ કર્યા અને
જ્યારે બહુ રાત ગયે સિદ્ધ આવીને દ્વાર ઉઘાડવાને કહ્યું ત્યારે તેની માએ કહ્યું – “આ સમયમાં જ્યાં દ્વાર ઉઘાડા હોય ત્યાં ચાલ્યો જા' માતાનાં આ કથનથી સિદ્ધ ત્યાંથી પાછો ફર્યો અને ગર્ગર્ષિ નામના આચાર્યના ઉપાશ્રયનું દ્વાર ઉઘાડું જોઈ તેમાં ગયો અને પોતાને દીક્ષા આપવાની આચાર્યને પ્રાર્થના કરી; પણ આચાર્યે કહ્યું કે અમે અદત્તાદાન લેતા નથી. માટે તારા કુટુંબીજનોની આજ્ઞા સિવાય દીક્ષા નહિ આપીએ. સિદ્ધ ત્યાં જ બેઠો રહ્યો. પ્રભાતના તપાસ કરતાં શુભંકર શેઠ ત્યાં આવ્યા અને સિદ્ધને ઘરે આવવાને ઘણું સમજાવ્યો,