________________
શ્રી પ્રભાવકચરિત્ર
ત્યાં મોકલીને પાટણમાં સુવિહિત સાધુઓનો વિહાર અને નિવાસ ચાલુ કરાવવાનો વિચાર કર્યો અને પોતાના ઉક્ત બંને શિષ્યોને પાટણ તરફ વિહાર કરાવ્યો. જિનેશ્વર અને બુદ્ધિસાગર પાટણમાં ગયા પણ ત્યાં તેમને ઉતરવા માટે ઉપાશ્રય મળ્યો નહિ, બધે ફરીને તેઓ ત્યાંના સોમેશ્વર નામના પુરોહિતને ત્યાં ગયા અને પોતાની વિદ્વત્તાનો પરિચય આપી પુરોહિતના મકાનમાં રહ્યા. જ્યારે ચૈત્યવાસિઓને એ સમાચાર મળ્યા તો પોતાના નિયુક્ત પુરૂષો દ્વારા તેમને પાટણ છોડીને જવા જણાવ્યું, પણ પુરોહિતે કહ્યું કે આ બાબતનો ન્યાય રાજસભામાં થશે, આથી ચૈત્યવાસિઓએ રાજાની મુલાકાત લીધી ને વનરાજના સમયથી પાટણમાં સ્થપાયેલ ચૈત્યવાસિઓની સાર્વભૌમ સત્તાનો ઇતિહાસ સમજાવ્યો, જે ઉ૫૨થી પાટણનો નૃપતિ દુર્લભરાજ પણ લાચાર થયો અને પોતાના ઉપરોધથી એ સાધુઓને અહીં રહેવા દેવા માટે આગ્રહ કર્યો જે વાત ચૈત્યવાસિઓએ માન્ય કરી.
62
એ પછી પુરોહિતે સુવિહિત સાધુઓના ઉપાશ્રય માટે રાજાને પ્રાર્થના કરી. રાજાએ એ કામની ભલામણ પોતાના ગુરૂ શૈવાચાર્ય જ્ઞાનદેવને કરી જે ઉપરથી ભાતબજારમાં યોગ્ય જમીન પ્રાપ્ત કરીને પુરોહિતે ત્યાં ઉપાશ્રય કરાવ્યો, ત્યાર પછી સુવિહિત સાધુઓને માટે વસતિઓ થવા માંડી.
બુદ્ધિસાગરસૂરિએ જાલોર–મારવાડમાં રહીને સં. ૧૦૮૦ માં ‘બુદ્ધિસાગર’ નામનું નવું વ્યાકરણ બનાવ્યું કે જેનું શ્લોક પ્રમાણ ૭૦૦૦ જેટલું છે. કાલાન્તરે જિનેશ્વરસૂરિએ ધારાનગરી તરફ વિહાર કર્યો અને ત્યાંના રહેવાસી ધનદેવ શેઠના પુત્ર અભયકુમારને દીક્ષા આપીને અભયદેવ નામે પોતાના શિષ્ય કર્યા, અને યોગ્યતા પ્રાપ્ત થતાં વર્ધમાનસૂરિના આદેશથી આચાર્ય પદ આપીને તેમને સં. ૧૦૮૮ માં અભયદેવસૂરિ બનાવ્યા.
વર્ધમાનસૂરિના સ્વર્ગવાસ પછી અભયદેવસૂરિ પત્યપદ્રપુર તરફ ગયા, તે સમયે દુર્ભિક્ષના કારણે સિદ્ધાન્ત છિન્નભિન્ન થવા ઉપરાન્ત તેની ટીકાઓ કે જે પૂર્વે શીલાચાર્ય નામના આચાર્યે બનાવી હતી તેમાંથી પણ પહેલા બે અંગસૂત્રોની ટીકાઓને છોડીને બાકીની બધી નાશ પામી હતી, આથી બધાં સૂત્રો કઠિન ફૂટ જેવાં થઈ પડ્યાં હતાં, આ વિષયમાં અભયદેવસૂરિને શેષ નવ અંગોની ટીકાઓ બનાવવાનો શાસનદેવીનો આદેશ થયો અને તેમણે તે પ્રમાણે ઠાણાંગ આદિ નવ સૂત્રોની ટીકાઓ બનાવી, જે શ્રુતધરોએ શુદ્ધ કરીને પ્રમાણ કરી. તે પછી શ્રાવકોએ તે ટીકાઓની પ્રતો લખાવી. પાટણ, ખંભાત, આશાવલ, ધવલકા આદિ નગરોના ૮૪ શ્રાવકોએ ૮૪ નકલો કરાવીને આચાર્યોને ભેટ કરી.
કહે છે કે આ નવીન ટીકાઓની પહેલી પ્રત પોતાના તરફથી લખવા માટે શાસનદેવીએ ખર્ચ માટે પોતાનું એક આભૂષણ આપ્યું હતું, જે પાટણ જઈ ભીમરાજાને ભેટ કરતાં રાજાએ તેના બદલામાં ૩ લાખ દ્રમ્મ આપ્યા હતા.
આ ટીકાઓ બનાવ્યા પછી અભયદેવ ધવલકે ગયા હતા; જ્યાં તેમને લોહીવિકારની બીમારી થઈ હતી, પણ ધરણેન્દ્રના પસાયથી તે પાછળથી મટી ગઈ હતી. થાંભણા ગામ પાસે સેઢી નદીને કાંઠે પાર્શ્વનાથની પ્રતિમા પ્રકટ કરીને અભયદેવે સ્તંભનતીર્થની (જિ. ખેડા, તા. આણંદ) સ્થાપના કરી હતી. પાટણમાં કર્ણ રાજાના રાજ્યકાળમાં અભયદેવસૂરિ સ્વર્ગવાસ પામ્યા.
અભયદેવ એક પ્રાવચનિક પુરૂષ હતા. એમને નવાંગવૃત્તિ ઉપરાન્ત પંચાશક આદિ અનેક પ્રકરણ ગ્રન્થો ઉપર વિવરણો લખ્યાં છે. અને આગમઅષ્ટોત્તરિ આદિ પ્રકરણોની રચના કરી છે.