________________
શ્રી પ્રભાવક ચરિત્ર
જેમણે આપેલ એક અર્થરૂપ કોટિગણી વૃદ્ધિને પામે, તે શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજનો હું અનૃણી (ઋણમુક્ત) શી રીતે થઈ શકે ?
જે મિથ્યા આદર આપવામાં તત્પર રહી પરના દોષને પોતે ગુણરૂપ બનાવીને અમને દોષમાં રાખે છે. (દોષથી અજ્ઞાત રાખે છે), તે સજ્જન સ્તુતિપાત્ર શી રીતે હોઈ શકે ?
અથવા તો પરની સ્તુતિ કરવામાં આદર રહિત એવા દુર્જનો શું સ્તુતિપાત્ર છે ? કે જેઓ પરદોષથી અભ્યાસી બની અવસરે બીજાને ઉત્તેજીત કરે છે.
આ કળિયુગમાં પૂર્વે યુગપ્રધાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે કુમારપાલ વિગેરે રાજાને પ્રતિબોધ પમાડવા માટે ત્રેસઠશલાકા પુરુષોના ચરિત્રો વર્ણવી બતાવ્યા છે, તેની સાથે શ્રુતકેવલીઓ, દશ પૂર્વધારીઓ અને શ્રી વજસ્વામીનું ચરિત્ર પણ તેમણે બનાવેલ છે. તેમના નામરૂપ મંત્રનું ધ્યાન કરી, તેમના પ્રસાદથી ભાવના જાગ્રત થતાં, શ્રી વજસ્વામી અને તેમની પછીના શાસનની ઉન્નતિ કરનાર એવા કેટલાક પ્રભાવક આચાર્યોનાં ચરિત્રો કે જે બહુશ્રુત મહાત્માઓ તેમજ પૂર્વના ગ્રંથોમાંથી કંઈક સાંભળી અને જોઈને હું તે રચવાનો પ્રયત્ન કરીશ. એ મારો પ્રયત્ન, પગથી કનકાચલ પર આરોહણ કરવાને ઇચ્છનાર જેમ જગતમાં હસીને પાત્ર થાય તેના જેવો છે.
શ્રી દેવાનંદના પ્રવર શિષ્ય શ્રી કનકપ્રભ અને આ ગ્રંથનું શોધન કરનાર શ્રી પ્રદ્યુમ્નમુનિવર જયવંત વર્તો.
મંગલાચરણ આ ગ્રંથમાં શ્રી વજસ્વામી, શ્રી આર્યરક્ષિત, શ્રી આર્યનંદિલ, શ્રીમાનું કાલકાચાર્ય, શ્રી પાદલિપ્તસૂરિ, શ્રી રુદ્રદેવસૂરિ, શ્રી શ્રમણસિંહસૂરિ, શ્રી આર્યખપૂટાચાર્ય, પ્રભાવક શ્રી મહેન્દ્રસૂરિ, શ્રી વિજ્યસિંહસૂરિ, શ્રીજીવદેવસૂરિ, શ્રી વૃદ્ધવાદીસૂરિ, શ્રી સિદ્ધસેનદિવાકર, શ્રી હરિભદ્રસૂરિ, શ્રીમલવાદીસૂરિ, કવીન્દ્ર શ્રી બપ્પભટ્ટિસૂરિ, શ્રીમાનતુંગસૂરિ, શ્રીમાનદેવસૂરિ, શ્રી સિદ્ધર્ષિસૂરિ, શ્રી વીરગણિ, વાદિ વેતાલના બિરૂદને ધારણ કરનાર શ્રી શાંતિસૂરિ, શ્રી ધનપાલ સહિત શ્રીમાનું મહેન્દ્રસૂરિ, ભોજસભામાં જય મેળવનાર શ્રી સૂરાચાર્ય, શ્રીમાનું અભયદેવસૂરિ, કવીશ્વર શ્રીવીરાચાર્ય, શ્રી દેવસૂરિ તથા શ્રી હેમચંદ્રસૂરિ એ મુનીશ્વરોનાં ચરિત્રો કહેવામાં આવશે. એમના ગુણકીર્તનમાં મારા જેવાની અલ્પ મતિ શું ચાલી શકે? અથવા તો સાકરનો સ્વાદ લેતાં મૂંગો માણસ પણ કલધ્વનિથી પોતાનો હર્ષ જાહેર કરે છે. એમના ચરિત્રરૂપ વૃક્ષો થકી પુષ્પસમૂહ એકત્ર કરીને ગુરુવાણીના પ્રભાવથી હું તેની ઉત્કટ માળા ગુંથવાનો પ્રારંભ કરું છું. તેમાં આદિ મંગલરૂપ, સૌભાગ્ય-ભાગ્યના નિધાન એવા શ્રી વજસ્વામીનું ચરિત્ર છે, હું તેનું યથામતિ વર્ણન કરું છું–