________________
196
શ્રી પ્રભાવક ચરિત્ર
એમ સાંભળીને દૂત બોલ્યો-“હે પૃથ્વીનાથ ! બુદ્ધિના અપરિપાકથી તેં તારુ આમ (અપરિપક્વ) એવું નામ સત્ય કરી બતાવ્યું. વળી વારંવાર કહેવાથી તો એક જડ પણ સારી રીતે સમજી શકે, કારણ કે ઘરે આવેલ પોતાના શત્રુ રાજાનો પણ કોણ સત્કાર ન કરે? પરંતુ સત્કારને માટે પણ તું પ્રગટ ન થયો. એમ ભયથી તે પોતાનું નામ સત્ય કરી બતાવ્યું. વળી પલાયન કરતાં પણ જો બહારના રાજપુરુષોના તે હાથમાં આવે, તો નાશ પામે, પરંતુ તેથી અમારા સ્વામીનું દઢ નામ પ્રગટ રીતે અસત્ય ઠરે અને વિગ્રહ કરતાં પણ અમારા રાજામાં એ દોષ નથી, માટે હે રાજન્ ! તેનામાં એક વિચારીને કામ કરવાની જે આદત છે તે જ અપરાધને પાત્ર છે. વળી ક્ષમાવડે તેની નિર્બળતા જણાઈ આવે છે. અમારો વાદી જો તને જીતી લે, તો સર્વરવનો નાશ થતાં તું અપમાનને પાત્ર થઈશ. સરસ્વતીના પ્રસાદથી તેનો પરાજય તો થવાનો જ નથી, એટલે તું વિચારીને કામ કર. અવિમર્શ એ નાશનું કારણ છે.'
એમ દૂતનું કથન સાંભળતા રાજાએ બપ્પભટ્ટિના હસતા મુખ તરફ જોયું. એટલે મુનીશ્વર આનંદપૂર્વક કહેવા લાગ્યા કે‘પૂર્વના પરિચિત ધર્મરાજા પ્રત્યે કોને ઉત્કંઠા ન હોય ? જો એ રાગીનો નિગ્રહ ન થાય તો આ રાજાનું શ્રેય દૂર કર્યું કહેવાય. વસ્તુના અનિત્યપણામાં કદાગ્રહ ધરાવનાર તે રક્ત ભિક્ષપરથી એ જયનો આગ્રહ કરે છે; વળી ક્ષણભર તે રાગમાં કદાચ જય માનીએ તો મોક્ષ ક્યાંથી? કારણ કે વૈરાગ્યમાંજ મુક્તિ છે અને તે સર્વ દર્શનોને માન્ય છે. માટે આ બાબતમાં તમારે ગભરાવું નહિ. ધર્મરાજા થકી ઉન્નત થનાર એ ભિક્ષુને હું અવશ્ય જીતીશ. કુવિચારથી આ આદરવામાં આવેલ વાદ મારા લીધે એ ધર્મરાજાને જ ઉપકારક થઈ પડશે, માટે ગમે તે અવસરે વાગ્યુદ્ધ થાય. હવે એ દૂતનો સત્કાર કરીને ધર્મરાજા પાસે મોકલો.”
પછી આમરાજાએ તેનું સન્માન કરતાં વિદાય કર્યો. એટલે સ્થાનની વ્યવસ્થા કરીને તે વિદાય થયો અને પોતાના સ્વામી પાસે આવીને તેણે બધી હકીકત નિવેદન કરી, તેથી ધર્મ રાજાએ ઈંદ્ર જેમ બૃહસ્પતિને તૈયાર કરે તેમ વાદદ્ર વર્તનકુંજરને તૈયાર કર્યો. તેમજ ચારે દિશામાં પ્રસિદ્ધિ પામેલા એવા મિત્રોને બોલાવી, તેમનો સત્કાર કરીને આનંદપૂર્વક તેમને એ વાદમાં સભ્યપણે સ્થાપન કર્યા. વળી ધર્મરાજા પાસે પરમાર મહાવંશમાં ઉત્પન્ન થયેલ તથા અનુપમ તેજસ્વી એવો વાકપતિરાજ ક્ષત્રિય વિદ્વાન હતો. તે બપ્પભટ્ટગુરુનો પૂર્વનો પરિચિત હતો, જેથી તે ગુરુના માર્મિક વચન જાણવા માટે રાજાએ પ્રમોદપૂર્વક તેને પણ તૈયાર કર્યો. પછી વ્યવસ્થિત દિવસે રાજા તથા મહાસભ્યો સાથે વર્તુનકુંજર દેશના સરહદના પ્રદેશમાં આવી પહોંચ્યો. એવામાં સુજ્ઞશિરોમણિ અને આતપત્રો (છત્રો)થી આકાશને આચ્છાદિત કરતો શ્રીમાનું આમ રાજા પણ કાન્યકુબ્ધ થકી શ્રી બપ્પભટ્ટસૂરિ તથા પંડિતવર્ગ સાથે તે સ્થાને આવ્યો અને પોતાની સરહદમાં આવાસ દઈને ત્યાં રહ્યો,
હવે જન્મથી શસ્ત્રોદ્વારા થતાં યુદ્ધ જોયાં હોવાથી તેમાં મંદ આદરવાળા, તથા પૂર્વે ન જોયેલ વાગ્યુદ્ધ જોવાને માટે કુતૂહલવાળા એવા સિદ્ધ, વિદ્યાધરો અને દેવતાઓ પોતાની અપ્સરાઓ સાથે ઉતાવળથી તે વખતે સ્વર્ગની જેમ આકાશમાં આવવા લાગ્યા. એવામાં કૌતુકથી મનને આકર્ષતા એવા બહુશ્રત રાજસભ્યો સાથે વાદી અને પ્રતિવાદી ત્યાં આવી મળ્યા. એટલે બહુશ્રુત સભ્યો યોગ્ય સ્થાને બેસતાં તે સભા જાણે ચિત્રમાં આલેખેલ હોય, તેમ નિશ્ચલ થઈ ગઈ. પછી સભ્યોની અનુમતિથી પોતપોતાના આગમને વિરોધ ન આવે તે પ્રમાણે તે બંનેએ પોતપોતાના રાજાને આશિષથી અભિનંદન આપ્યું, તેમાં પ્રથમ બૌદ્ધાચાર્ય વર્ધનકુંજર, દ્વેષીઓની સભાને સંતાપ પમાડનાર આ પ્રમાણે આશીર્વાદ બોલ્યો