________________
શ્રી સૂરાચાર્યસૂરિ ચરિત્ર
એ પ્રમાણે સાંભળતાં રાજા બોલ્યો કે—‘અતિથિ એવા આપની સામે હું કંઈ પણ કહી શકતો નથી. પરંતુ એ બધા દર્શનો ભિન્નભિન્ન છે, તેનું માત્ર કારણ આપને પૂછું છું.'
273
ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે—હે રાજન્ ! તેનું સ્વરૂપ તું સાવધાન થઈને મારી પાસે સાંભળ—અહીં ચોરાશી પ્રાસાદો અને તેટલા જ ચૌટા છે. તેમજ ચોવીશ બજારો છે. એ પ્રમાણે નગરીની રચના છે, પણ એ બધા અલગ અલગ છે, તેને એકત્ર સ્થાને કરી દે, ભિન્ન શા માટે જોઈએ ? વળી તેમ કરવાથી બધું એક સ્થાને મળી શકશે અને લોકોને ભમવાનું ટળી જશે.'
આથી રાજાએ જણાવ્યું કે—‘ભિન્ન ભિન્ન વસ્તુઓ લેનારાઓના એકત્ર મળવાથી લોકોને મહા બાધા થાય, તેથી મેં દુકાનો અલગ અલગ કરાવી છે.’ એટલે વિદ્વાન વક્તાઓમાં સમર્થ એવા આચાર્ય કહેવા લાગ્યા કે—‘હૈ નરેંદ્ર ! તું વિદ્વાન છતાં વિચાર કેમ કરતો નથી. જ્યારે પોતે કરેલ દુકાનો તોડવાને પણ તું સમર્થ નથી, તો અનાદિકાળથી ચાલ્યા આવતા દર્શનોનો નાશ કરવાને કેમ તૈયાર થયો છે ? જે દયાના અર્થી હોય તે જૈન ધર્મને આરાધે, રસના અર્થ કૌલદર્શનને, વ્યવહારના અર્થી વેદોને અને મુક્તિના અર્થી નિરંજનને આરાધે એમ ચિ૨કાળથી પોતાના મનમાં જામેલ સંસ્કા૨ના અભિમાનથી યુક્ત લોકો પોતપોતાના મતને મૂકીને એકત્ર કેમ થાય ? હે રાજન્ ! તેનો તું વિચાર તો કર.'
એ પ્રમાણે સાંભળવાથી કદાગ્રહ અને ગર્વનો નાશ થતાં રાજાએ તે દર્શનીઓને સન્માન આપીને ભોજન કરાવ્યું અને તેમને મુક્ત કરતાં તેણે જણાવ્યું કે—‘તમે તમારા ધર્મમાં સ્થિર રહેજો, પણ એકત્રતાના આગ્રહ માટે હું તમને પ્રતિબંધ કરતો નથી.' એમ બધા દર્શનીઓને છોડાવતાં બહુમાન પામેલા સૂરાચાર્ય પોતાના ઉપાશ્રયમાં આવ્યા.
હવે ત્યાં વિદ્યામઠમાં વિદ્યાર્થીઓ ભોજરાજાએ બનાવેલ વ્યાકરણ નિરંતર ભણતા હતા. ત્યાં કંઈક કારણને લીધે વિદ્વાનો બધા એકત્ર થયા, એટલે શ્રીમાન્ ચૂડસરસ્વતીસૂરિ પણ ત્યાં ચાલ્યા. ત્યારે સૂરાચાર્યે કહ્યું કે— ‘અમે પણ ત્યાં સાથે આવીશું.' આથી ગુર્જરદેશની વિદ્વત્તાની શંકાથી તેમણે નિષેધ કર્યો કે—‘તમે દર્શનો માટે પરિશ્રમ લેતાં થાકી ગયા છો, માટે આજે અહીં જ રહો.' છતાં સદા તત્પર એવા સૂરાચાર્ય કહેવા લાગ્યા કે—‘એ દેખાવ જોવાની અમારી ઉત્કંઠા છે. વળી તમારા દેશના વિદ્વાનોને જોવામાં તરુણ એવા અમને શ્રમ કેવો ? એવા કુતૂહલને માટે જ અમે વિહાર કર્યો છે, માટે તમારી સાથે આવીશું.' આવા સૂરાચાર્યના આગ્રહથી તેમણે નિષેધ ન કરતાં સાથે આવવાની અનુમતિ આપી. અને શંકિત થઈને તેઓ સૂરિને સાથે લઈ ગયા. ત્યાં ઉપાધ્યાયે પૂછ્યું કે—‘આ અતિથિ ક્યાંથી આવ્યા છે ?’ ત્યારે ચૂડસરસ્વતીએ જણાવ્યું કે—‘અણહિલ્લપુર નગરથી તેઓ આવ્યા છે.’ એટલે અધ્યાપકે વિશેષ આદરથી તેમનું સ્વાગતાદિક કર્યું અને તે બંનેને તેણે એક પ્રધાન આસન પર બેસાડ્યા.
પછી સૂરાચાર્યે અધ્યાપકને પ્રશ્ન કર્યો કે—‘અહીં કયો ગ્રંથ વંચાવવામાં આવે છે ?’ તેણે જણાવ્યું—‘શ્રી ભોજરાજાનું બનાવેલ વ્યાકરણ અહીં ચાલે છે.' ત્યારે અભ્યાગત વિદ્વાને કહ્યું—‘તે ગ્રંથમાંનું મંગલાચરણ બોલો.' એટલે ઉપાધ્યાય વિદ્યાર્થીઓ સાથે ઉચ્ચ સ્વરે બોલ્યા કે—
चतुर्मुखमुखांभोज - वनहंसवधूर्मम
1
मानसे रमतां नित्यं शुद्धवर्णा सरस्वती ॥ १ ॥