________________
96
શ્રી પ્રભાવક ચરિત્ર
મારું કથન તેને નિવેદન કર કે, માતાએ તને બંધુ સમાગમથી રહિત કરીને મોહ તજાવ્યો, પરંતુ વાત્સલ્યભાવને તો જિનેશ્વરોએ પણ માન્ય કરેલ છે, કારણ કે ગર્ભમાં રહેતાં પણ શ્રીવીર પ્રભુએ માતાની ભક્તિ સાચવી. માટે હવે સત્વર આવીને માતાને તારું મુખ બતાવ; તથા મારે પણ તારા માર્ગનો આશ્રય લેવો છે અને તે પછી તારા પિતા તેમજ પુત્ર, પુત્રી વગેરેને માટે પણ એ જ રસ્તો છે. વલી કદાચ તારે સ્નેહ–ભાવના ન હોય, તો ઉપકારબુદ્ધિથી એકવાર હર્ષપૂર્વક આવીને મને કૃતાર્થ કર. હે વત્સ ! માર્ગ અને દેહમાં યત્નયુક્ત થઈને તું જા અને એ પ્રમાણે કહેજે. તારા શરીરના ભાગ્ય પર અમે જીવનારા છીએ.”
એમ માતાનું વચન સાંભળતાં નમ્ર ફલ્યુરક્ષિતે પોતાના બંધુ પાસે જઈને જનનીનું કથન તેને કહી સંભળાવ્યું કે – માતાને વિષે વત્સલ આવો તારા જેવો બંધુ કોણ હશે ? ભલે કુળ લજ્જાને લીધે તારા પિતાએ તો મને કંઈ પણ આક્રોશ-વચન સંભળાવ્યું જ નથી. તો હે વત્સ ! ત્યાં સત્વર ચાલ અને તારું સ્વચ્છમુખ મને બતાવ, કે તારા દર્શનામૃતથી તૃપ્ત થયેલ હું તૃષ્ણા રહિત થાઉં. હે બંધો ! આપણી માતા રૂદ્રસીમાએ મારા મુખથી તને એ પ્રમાણે કહેવરાવ્યું છે. માટે પ્રસાદ લાવીને હે માતૃવત્સલ ! તું જલ્દી ચાલ.'
બંધનું એ વચન સાંભળતાં આર્યરક્ષિત મુનિ વૈરાગ્યથી કહેવા લાગ્યા કે – “હે ફલ્યુરક્ષિત ! આ ક્ષણભંગુર સંસારમાં મોહ કેવો ? અથવા તો કયો સુજ્ઞ પોતાના અધ્યયનમાં અંતરાય કરે ? અસાર વસ્તુને બદલે સારા વસ્તુનો ત્યાગ કરવાની કોઈ ઇચ્છા ન કરે. તું જો મારા પર સ્નેહ ધરાવતો હોય, તો મારી પાસે રહે અને તે દીક્ષા વિના ન રહેવાય તેમ હોવાથી તે દીક્ષા ધારણ કરી લે.”
ત્યારે તેણે તે પ્રમાણે કબુલ કરતાં આર્યરક્ષિત મુનિએ પોતાના બંધુને તરત દીક્ષા આપી, કારણ કે સારા કામમાં કોણ વિલંબ કરે?
હવે આર્યરક્ષિત પોતે ભારે બુદ્ધિશાળી છતાં જવિક-અધ્યયન પાઠથી તે અત્યંત કંટાળી ગયા એટલે તેમણે શ્રીવજસ્વામીને કહ્યું કે – “હે ભગવાન્ ! હજી કેટલું અધ્યયન બાકી છે ?'
ત્યારે ગુરુ બોલ્યા – ‘તમારે પૂછવાની શી જરૂર છે ? અભ્યાસ કર્યા કરો.” આથી તે પુનઃ અભ્યાસ કરવા લાગ્યા.
પછી કેટલોક વખત વ્યતીત થયા બાદ તેમણે ગુરુને ફરી પૂછયું. એટલે શ્રી વજસૂરિએ કહ્યું કે – ‘તમે તો હજી સરસવ જેટલું ભણ્યા છો અને મેરુ જેટલું બાકી છે, માટે મારું એક વચન સાંભળો. સંબંધીઓના અલ્પ મોહને લીધે તમે જે પૂર્વના અધ્યયનને તજવા ધારો છો, તે કાંજી માટે દુધ, લવણ માટે કપૂર, કસુંબા માટે કુંકુમ, ચણોઠી માટે સુવર્ણ, ક્ષારભૂમિ માટે રત્નખાણ અને ધતુરાને માટે ચંદનનો ત્યાગ કરવા જેવું કરો છો. માટે અભ્યાસ કરો. ધૃતસાગરના મધ્ય ભાગને પામતાં સદૂજ્ઞાન-શક્તિરૂપ રત્નો અનાયાસે ફળરૂપે પામી શકશો.’
એમ સાંભળતાં કેટલાક દિવસ સુધી તેમણે ભારે પરિશ્રમથી અભ્યાસ કરવા માંડ્યો. એવામાં તેમના લઘુ બંધુએ માતા પાસે આવવાની પ્રેરણા કરી, એટલે પ્રયાસથી અત્યંત કંટાળી ગયેલા આર્યરક્ષિત મુનિએ વજસ્વામી પાસે અનુજ્ઞા લેતાં જણાવ્યું કે – “હે સ્વામિનું ! સંબંધીના સમાગમ માટે ઉત્કંઠિત બનેલા આ સેવકને મોકલવાની કૃપા કરો. તેમને ભેટ્યા પછી હું અભ્યાસ કરવાને સત્વર આવીશ.'