________________
શ્રી બપ્પભકિસૂરિ ચરિત્ર
18.
રાજાએ પોતાના પ્રધાન પુરુષો સાથે મુનિપતિને તેમના ગુરુ પાસે મોકલ્યા એટલે મોઢેર તીર્થમાં બિરાજમાન શ્રી સિદ્ધસેન આચાર્યને વંદન કરીને નમ્ર વાણીથી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે “હે ભગવન ! ચંદ્ર વિનાના આકાશમાં ચકોર, ખાબોચીયામાં રાજહંસ, વનમાં એકાકી મૃગ, અલ્પ જળમાં મત્સ્ય, ગ્રીષ્મકાળમાં આર્ત થયેલ મયૂર, વર્ષાકાળમાં સમુદ્ર, રણભૂમિમાં કાયરપુરુષ, મૂર્ખમંડળમાં વિદ્વાન્ અને કૃષ્ણપક્ષમાં ચંદ્રમાની જેમ આ તેના મિત્ર વિના અમારો સ્વામી પ્રતિદિન ક્ષીણ થતો જાય છે. માટે શ્રદ્ધાના અધિષ્ઠાયક દેવ સમાન એવા આ બપ્પભટ્ટ મુનિને આચાર્યપદે સ્થાપીને અમારા સ્વામીને પ્રમોદ પમાડવા માટે એને અમારી સાથે મોકલો, કે જેથી એમના ઉપદેશથી જૈનમંદિર, પ્રતિમાદિક કરાવવા વડે ઉપાર્જન થતા સુકૃતથી રાજા ભવસાગરનો પાર પામે.”
એ પ્રમાણે સાંભળતાં ચારિત્રાચારમાં ધુરંધર એવા ગુરુમહારાજ અમૃતસમાન મધુરવાણીથી કહેવા લાગ્યા કે –“ભવનમાં રત્નદીપકની જેમ એ તેજસ્વી અને અચળ સ્થિરતાવાળા અમારા બાલર્ષિ બાહ્ય અને આત્યંતર તિમિરનો નાશ કરનારા છે, તેથી જેમ સૂર્ય વિના કમળ, ચંદ્ર વિના રાત્રિ, મેઘ વિના મયૂર, મુદ્રા વિના મંત્રી, સ્તંભ વિના ઘર અને આત્મા વિના દેહની જેમ એના વિના અમારી મનોવૃત્તિ પ્લાન જ થાય તેમ છે.'
એ પ્રમાણે ગુરુનું વચન સાંભળતાં તે પ્રધાન પુરુષો કહેવા લાગ્યા કે– હે પ્રભો ! સંતપુરુષો પરોપકારની ખાતર પોતાની પીડાને ગણતા નથી. કારણકે વૃક્ષો સૂર્યના તાપને સહન કરે છે, સૂર્ય આકાશને ઓળંગવાની આપત્તિ વેઠે છે, સમુદ્ર નૌકાનો શ્રમ સહે છે, કાચબો પૃથ્વીના ભારને વહન કરે છે, મેઘ વરસવાની તકલીફ ઉઠાવે છે અને પૃથ્વી જગતના ભારનો કલેશ ઉઠાવે છે. ઉપકાર વિના એમનું કંઈ ફળ જોવામાં આવતું નથી. માટે પ્રસાદ લાવી અમારા સ્વામીની બાધા રૂપ પર્વતને ભેદવામાં વજ સમાન એવા સુજ્ઞ શિરોમણિ બપ્પભટિને સૂરિપદથી વિભૂષિત કરીને અમારી સાથે મોકલો.”
એ પ્રમાણે તેમના અત્યાગ્રહથી ગુરુએ તેમ કરવાનું કબૂલ કર્યું. પછી શ્રી સંઘને બોલાવીને સૂરિપદને માટે આદેશ કર્યો. એટલે ઓચ્છવને ઈચ્છનારા, સ્વસ્થ અને ગચ્છનું વાત્સલ્ય ધરાવનારા શ્રાવકોએ સત્વર જિનાલયને વિષે બધી સામગ્રી તૈયાર કરી, પછી સૌમ્ય અને ષવર્ગથી અધિષ્ઠિત તથા સપ્તગ્રહના બળયુક્ત લગ્નને વિષે ગુરુ મહારાજે વિશ્વને શિષ્ય બનાવનાર એવા પોતાના શિષ્યને સમસ્ત વાજિંત્રો વાગતાં શ્રતોક્ત વિધિપૂર્વક તેના ચંદનચર્ચિત કાનમાં અર્વત્તત્વ રૂપ સૂરિમંત્ર સંભળાવ્યો. એટલે પંડિતોમાં સૂર્ય સમાન અને દુષ્ટ વાદરૂપ સિંહનો નાશ કરવામાં અષ્ટાપદ સદશ એવા શ્રી બપ્પભટ્ટ જગતમાં આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા.
પછી ગુરુ મહારાજે વિધિપૂર્વક બ્રહ્મની રક્ષા કરવાનો ઉપદેશ આપતાં તે નૂતન સૂરિને જણાવ્યું કે– હે ભદ્ર ! એક તારૂણ્ય અને રાજસન્માન–એ બંને અનર્થના ઉત્પાદક છે. માટે તારે આત્મરક્ષા એવી રીતે કરવી કે દુષ્ટ કામ–પિશાચ તને કદાપિ છેતરી ન શકે, તો બ્રહ્મચર્યની તારે વારંવાર સંભાળ રાખવાની છે.'
ત્યારે બપ્પભટ્ટિસૂરિએ ત્યાં એવો નિયમ લીધો કે “જન્મ પર્યત મારે ભક્તજનની બધી વિગઈ ન લેવી.' પછી વાજિંત્રોના નાદ અને શ્રાવિકાઓએ મંગળગીત ગાતાં તથા શ્રી સંઘે ગૌરવપૂર્વક પ્રાર્થના કરતાં ગુરુ મહારાજ પોતાના પરિવારસહિત ઉપાશ્રયમાં આવ્યા. વિક્રમ સંવતના આઠસો અગિયાર વર્ષ જતાં ચૈત્ર મહિનાની કૃષ્ણ અષ્ટમીના દિવસે શ્રી બપ્પભટ્ટિ આચાર્ય થયા.