________________
90
શ્રી પ્રભાવક ચરિત્ર
લાગ્યો કે–આ શિષ્ય ચિંરજીવી રહો,’ એમ ધારી ગુરુ મન મુકીને ચાલ્યા લાગે છે. તેમણે મને નિઃસત્વ જોયો, તો હું પ્રભુની પાછળ શા માટે નહિ જાઉં ?' એમ વિચારીને તેણે તપ્ત પાષાણ પર પાદપોપગમન અનશન કર્યું. એટલે મધના બિંદુની જેમ તરત તેનો દેહ ઓગળી ગયો. કાળધર્મ પામતાં દેવોએ મહોત્સવ કર્યો. ત્યારે વજસ્વામીએ યતિઓની આગળ તે શિષ્યનું એ મહાસત્વ કહી સંભળાવ્યું. જે સાંભળતાં બધા મુનિઓ પરમ વૈરાગ્ય પામ્યા, અને ત્યાં શરીરને શાંત-સ્થિર કરીને નિર્જીવ ભૂમિ પર અલગ અલગ બેસી ગયા.
એવામાં કોઈ પ્રત્યેનીક દેવી ત્યાં ઉપસર્ગ કરવાને આવી. અને મધ્યરાત્રે દિવસ બતાવીને તે તેમને દહીં આપવા લાગી. એટલે ત્યાં અપ્રીતિ થાય તેવું સમજીને તે મુનિઓ બીજા કોઈ શિખર પર ગયા. જેમને જીવન અને મરણમાં આકાંક્ષા ન હોય, તેમને દેવતાઓ શું કરવાના હતા ? પછી તેઓ યથાયોગ પ્રાણનો ત્યાગ કરીને દેવલોકમાં ગયા. તેમજ અચિંતનીય વૈભવવાળા એવા શ્રી વજસ્વામી પણ સ્વર્ગે ગયા. તેમનું મરણ જાણવામાં આવતાં પૂર્વભવના સ્નેહને લીધે ઇન્દ્ર ત્યાં આવ્યો અને તેણે પોતાનો રથ ચોતરફ ફેરવ્યો. ત્યાં ગહન વૃક્ષોને ઉખેડી, પૃથ્વીને સમાન કરીને તે દેવતાઓ સહિત ક્ષણવાર ઉભો રહ્યો. ત્યારથી તે પર્વત રથાવર્ત એવા નામથી પ્રસિદ્ધ થયો. કારણકે મહાપુરુષોથી જે ખ્યાતિ પામે, તે અચલતાને પામે છે.
હવે વજસેન મુનિ સોપાર નામના નગરમાં ગયા. ત્યાં જિનદત્ત શેઠની ઈશ્વરી નામે પ્રિયા પોતાના ચારે પુત્રો સહિત રહેતી હતી. સમર્થ ગુરુ મહારાજની શિક્ષાને માથે ચઢાવનાર તે મુનિ એ શ્રાવિકાના ઘરે ગયા. એટલે ચિંતામણિ સમાન તેમને આવતા જોઈને તે પરમ હર્ષ પામી અને કહેવા લાગી કે હે પ્રભુ ! આજે અમે એવો વિચાર કર્યો છે કે – “કષ્ટની કલ્પનાથી’ લક્ષમૂલ્યનું પાયસ (ખીર) તૈયાર કરેલ છે. દ્રવ્યની સંપત્તિ છતાં અન્નના અભાવે અવશ્ય મરણ નીપજે છે, માટે એ તૈયાર કરેલ પાસમાં વિષમ વિષ નાખવાનું છે. એવામાં પુણ્યયોગે અત્યારે આપ પૂજ્યનું પવિત્ર દર્શન થયું, તેથી અમે કૃતાર્થ થયા. હવે પારલૌકિક કાર્ય કરવાની અમારી ધારણા છે.”
એ પ્રમાણે સાંભળતાં ગુરુશિક્ષાથી ચમત્કાર પામેલ મુનિ બોલ્યા- હે ધર્મશીલ શ્રાવિકા ! વજસ્વામી ગુરુએ નિવેદન કરેલ વચન સાંભળ–‘લક્ષમૂલ્ય પાયસ એક સ્થળે જોવામાં આવતાં સુકાળ થશે માટે વૃથા એ ભોજનને વિષમિશ્રિત ન કર.”
ત્યારે તે કહેવા લાગી—“હે પ્રભુ ! અમારા પર પ્રસાદ કરીને આ ભોજન સ્વીકારો.” એમ કહીને તેણે મુનિને તે ઉત્તમ ભોજન વહોરાવ્યું. એવામાં સંધ્યા થતાં દરિયામાર્ગે પ્રશસ્ત ધાન્યથી ભરેલા વહાણ ત્યાં આવી ચડ્યાં. જેથી તરત સુકાળ થયો આથી પરિવાર સહિત તે શ્રાવિકા ચિંતવવા લાગી કે –“અહો ! ખોટી રીતે આપણું મરણ થઈ જાત. તો હવે જિનધર્મના બીજરૂપ સદ્દગુરુ શ્રી વજસેન મુનિ પાસે દીક્ષા લઈને આપણે આપણા જીવિતવ્યનું ફળ કેમ ન લઈએ?’ એમ ધારીને નાગેન્દ્ર, નિવૃતિ, ચંદ્ર અને વિદ્યાધર એ પોતાના ચાર પુત્રો સાથે તેણે દીક્ષા લીધી. તે ચારે કંઈક ન્યૂન દશ પૂર્વધારી થયા. તેમના નામના ગચ્છો હજી પણ અવની પર જયવંત વર્તે છે, તે ચારે જિનમતનો ઉદ્ધાર કરવામાં ધુંરધર હતા. તે તીર્થમાં (સોપારકમાં) અદ્યાપિ તેમની પૂજનીય મૂર્તિઓ વિદ્યમાન છે.