________________
શ્રી પ્રભાવકચરિત્ર
પ્રબન્ધમાં અભયદેવસૂરિના સ્વર્ગવાસનો સંવત આપ્યો નથી માત્ર એટલું જ લખ્યું છે કે તેઓ પાટણમાં કર્ણરાજાના રાજયમાં પરલોકવાસી થયા.” આ વાક્યનો બે પ્રકારે અર્થ થઈ શકે, પહેલો એ કે – “કર્ણના રાજ્યકાળમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા” બીજો અર્થ એ થાય કે “જે સમયે કર્ણરાજા પાટણમાં રાજય કરતો હતો તે વખતે તેઓ સ્વર્ગવાસ પામ્યા” પણ ખરતરગચ્છની પટ્ટાવલિઓમાં અભયદેવનો સ્વર્ગવાસ કપડવંજ ગામમાં હોવાનો લેખ છે એથી આપણે અહીં બીજા પ્રકારનો અર્થ ગ્રહણ કરવો યોગ્ય લાગે છે.
પટ્ટાવલિઓમાં અભયદેવસૂરિનો સ્વર્ગવાસ સં. ૧૧૩૫માં અને બીજા મત પ્રમાણે સં. ૧૧૩૯ માં હોવાનો લેખ છે.
$ ૨૦. શ્રી વીરાચાર્ય
વીરાચાર્ય ચન્દ્રકુલીન પંડિલ્લગચ્છના આચાર્ય હતા, આ પંડિલ્લગચ્છ કોના થકી કયારે ઉત્પન્ન થયો તે જાણવામાં આવ્યું નથી. એ ગરચ્છના આચાર્ય ભાવદેવસૂરિથી આ પંડિલ્લગચ્છ ‘ભાવડગચ્છ' અથવા ‘ભાવડહરગચ્છ' એ નામથી પ્રસિદ્ધ થયો હતો. આ ભાવડગચ્છના સ્થાપક ભાવદેવસૂરિથી નવમાં પુરૂષ ત્રીજા ભાવદેવસૂરિ પાર્શ્વનાથ ચરિત્રમાં પોતાને કાલભાચાર્ય સંતાનીય લખે છે અને એ જ ગ્રન્થની પ્રશસ્તિમાં દેવેન્દ્રવંદ્ય કાલકાચાર્યના વંશમાં પંડિલ્લગચ્છ ઉત્પન્ન થયાનું જણાવે છે. આથી એટલું તો નિશ્ચિત છે કે કાલકાચાર્યની પરમ્પરામાંજ પંડિલ્લગચ્છ ઉત્પન્ન થયો હતો પણ કયા પુરૂષ થકી એ નામ પ્રવૃત્ત થયું તે નિશ્ચયથી કહી શકાય તેમ નથી. યુગપ્રધાન કાલકસૂરિની પાટે પંડિલ્લ નામના યુગપ્રધાન થઈ ગયા છે, તેમનો યુગપ્રધાનત્વ સમય વીર નિર્વાણ ૩૭૭ થી ૪૧૪ સુધીનો છે જો આ પંડિલ્લ યુગપ્રધાનથી આ ગચ્છની ઉત્પત્તિ માની લઈએ તો આ ગચ્છ અતિશય પ્રાચીન ઠરે પણ એ ગચ્છના આચાર્યો પોતાને ચન્દ્ર કુલીન જણાવે છે, જો આ ગચ્છને પંડિલ્લ યુગપ્રધાનથી પ્રવૃત થયો માનીએ તો તેમાં ચન્દ્ર નામક કુલ થયું છે કે કેમ ? એ એક પ્રશ્ન છે કેમકે પ્રચલિત “ચન્દ્રકુલ” કોટિકગણનું કુલ છે. આ સ્થિતિમાં જ્યાં સુધી એ ચન્દ્રકુલ થયાનું પ્રમાણ ન મળે ત્યાં સુધી પંડિલ્લ ગચ્છનું કુલ “ચન્દ્ર’ હોવાથી એ “ગચ્છ” પંડિલ્લ યુગપ્રધાનથી ચાલુ થયો માનવો યુક્તિ સંબદ્ધ નથી. સુમતિ નાગિલ ચૌપાઈના કર્તા બ્રહ્મઋષિના મતે ભાવડહર ગચ્છના માન્ય કાલકાચાર્ય વીર સંવતું ૯૯૩ માં થયેલા કાલક છે જો આ કથન ખરૂં હોય તો પંડિલ્લગચ્છની ઉત્પત્તિ વિક્રમની પાંચમી સદી પછીની ઠરે છે, આ રીતે એની ચન્દ્રકુલીનતાની પણ સંગતિ થઈ જાય છે અને આવી રીતે એ ગચ્છ યુગપ્રધાન પંડિલથી નહિ પણ બીજા કોઈ પુરૂષથી ઉત્પન્ન થયો હતો એમ માનવાનું પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુત પંડિલ્લગચ્છને ‘ભાવડગચ્છ' નામ અપાવનાર ભાવદેવસૂરિની પાટે આચાર્ય વિજ્યસિંહ અને વિજયસિંહની પાટે આપણા આ વીરાચાર્ય થયા હતા.
વીરાચાર્ય ગુજરાત પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના માનનીય મિત્ર હોઈ રાજસભામાં જતા-આવતા હતા.