________________
શ્રી માનદેવસૂરિ
49
વહીવટ છોડાવીને આચાર્યપદ આપી દેવસૂરિ બનાવ્યા, એ જ દેવસૂરિ વૃદ્ધદેવસૂરિના નામથી પ્રસિદ્ધ થયા.
સર્વદેવસૂરિએ શત્રુંજય ઉપર જઈને અનશનપૂર્વક સ્વર્ગવાસ પ્રાપ્ત કર્યો. દેવસૂરિ પણ પોતાની પાટે પ્રદ્યોતનસૂરિને સ્થાપન કરી અનશન કરીને સ્વર્ગવાસી થયા.
દેવસૂરિના પટ્ટધર શિષ્ય પ્રદ્યોતનસૂરિ એકવાર વિહાર કરતા નાડોલ ગયા. માનદેવે તેમની પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને ગીતાર્થ થતાં ગુરૂએ તેને સૂરિપદ આપીને “માનદેવસૂરિ' નામના આચાર્ય બનાવ્યા.
માનદેવસૂરિના તપ અને બ્રહ્મચર્યના પ્રભાવથી વશ થઈને જયા-વિજયા નામની બે દેવીઓ તેમના દર્શનાર્થે આવતી હતી.
આ સમયમાં તક્ષશિલા એક ધર્મક્ષેત્ર હતું. ત્યાં પ૦૦ જૈન ચૈત્યો હતાં અને મોટી સંખ્યામાં જૈન સંઘ વસતો. એ સિવાય અન્યધર્મના દેવમંદિરોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હતી. આ જન-ધનથી સમૃદ્ધ નગરીમાં તે અવસરે ભયંકર મહામારી ફાટી નિકળી હતી, આ રોગમાં સપડાયેલની પાસે જે કોઈ જતું તો તે પણ એ રોગનો ભોગ થઈને પટકાતું હતું. એથી મુડદાને કાઢવું તો શું પણ માંદાની પણ કોઈ સારવાર નહોતું કરતું. નગરની બહાર મુડદાઓના ઢગલા ખડકાઈ ગયા હતા અને ઘરોમાં પણ મુડદાં ગંધાઈ રહ્યાં હતાં. બધાં દેવમંદિરો અપૂજ પડ્યાં હતાં. આ મહામારીના પ્રકોપમાં જૈન સંઘનો કેટલોક ભાગ કાલનો ગ્રાસ બની ગયો હતો, પણ જે બચ્યો હતો તે દેહરાસરમાં ભેગો થઈને વિચાર કરવા લાગ્યો કે શું આ તે પ્રલયકાલ આવી પહોંચ્યો છે ? કપર્દી, અમ્બા અને બ્રહ્મશાન્તિ યક્ષ આજે ક્યાં ગયા ? અફસોસ ! શાંતિના સમયમાં તો શાસનદેવો પોતાનો પરચો બતાવે છે; પણ આજે તે બધા ક્યાં છે? સંઘ ઉપર પ્રમાણે નિરાશ થઈને કિં કર્તવ્ય મૂઢ બનીને બેઠો છે તે જ સમયે શાસનદેવીએ આકાશવાણી કરી કે આ મ્લેચ્છોના બલવાન બેન્જરોએ કરેલો ઉત્પાત છે. તેથી આમાં અમારો કોઈપણ ઉપાય નથી; પણ હું સંઘરક્ષાનો એક ઉપાય બતાવું છું અને તે આ કે આજકાલ નાડોલ (મારવાડના ગોડવાડ પ્રાન્તમાં) નગરમાં આચાર્ય માનદેવસૂરિ વિચરે છે તેમને અહીં બોલાવી તેમનું ચરણોદક જો તમારા મકાનોને છાંટો તો આ ઉપદ્રવ શાન્ત થઈ જાય; પણ આજથી ત્રીજે વર્ષે આ નગરનો તુરૂષ્કો દ્વારા ભંગ થવાનો છે માટે ઉપદ્રવ શાન્ત થયા પછી અહીંથી બીજા નગરોમાં ચાલ્યા જવું યોગ્ય છે.
દેવાદેશ પ્રમાણે તક્ષશિલાના સંઘે વીરચન્દ્ર નામના શ્રાવકને નાડોલ માનદેવસૂરિને વિનંતિ કરવા મોકલ્યો. વીરચન્દ્ર જે વખતે નાડોલ પહોંચ્યો તે વખતે મધ્યાહ્નનો સમય હતો. માનદેવસૂરિ અંદરના ઓરડામાં ધ્યાનમાં બેઠા હતા અને જયા-વિજયા દેવીઓ ઓરડામાં એક ખૂણામાં બેઠી હતી. વીરચન્દ્ર અંદર ગયો પણ આ દેશ્યથી તેનું મન સાઁક થઈ ગયું. અકાલ સમયમાં એકાન્ત સ્થળે સ્ત્રીઓને જોઈને વીરચન્દ્રને માનદેવસૂરિના ચારિત્ર વિષે શંકા થઈ અને તે અવજ્ઞાપૂર્વક નમસ્કાર કરીને બેસી ગયો.
વીરચન્દ્રના આ વર્તનથી દેવીએ તેને ધિક્કારપૂર્વક શિક્ષા કરીને પોતાની ઓળખાણ આપી જેથી તે ઘણું પસ્તાયો અને તે પછી પોતાના આગમનનું પ્રયોજન કહ્યું, પણ દેવીઓએ તેની સાથે જવાની આચાર્યને ના પાડી દીધી. જે ઉપરથી આચાર્યે કહ્યું “અહીંના સંઘની આજ્ઞા ન હોવાથી અમો ત્યાં નહિ આવી શકીએ પણ