________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્દગુરુદેવાય નમ:
શ્રી વીતરાગદેવાય નમ: -: સ્મરણાંજલિઃસ્વ. શ્રીમતી લક્ષ્મીબેન પ્રત્યે શ્રદ્ધાંજલિ પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીકાનજીસ્વામીના પુનિત પ્રભાવે, તેઓશ્રીના ભેદજ્ઞાનના સત્ ઉપદેશથી આપના જીવનમાં ધાર્મિક સંસ્કારોના ઊંડા બોધિબીજ રોપાયાં અને ઇ. સ. ૧૯૮રમાં પૂ. પંડિતશ્રી લાલચંદભાઈ મોદીના લંડન આગમનથી તેમનો પરિચય થતાં તત્ત્વ સમજવા ઘણો જ લાભ લીધો હતો. પૂ. શ્રી લાલચંદભાઈ પ્રત્યે પણ આપશ્રીને ઘણો જ પ્રમોદભાવ રહ્યા કરતો હતો. તેઓશ્રીની સમજાવવાની શૈલીથી તત્ત્વની વાત સહેલી થઇ જતાં બરાબર બેસી જતી હતી.
પૂ. શ્રી ભગવતી માતા ચંપાબેનની વાણીનો પણ આપે લાભ લીધો હતો, સોનગઢ પણ જઇને પવિત્રભૂમિના દર્શન કરીને આપને ઘણી જ પ્રસન્નતા અનુભવાતી હતી, ધર્માત્માઓ પ્રત્યે આપને ખૂબ જ ભક્તિભાવ હતો.
પૂજ્ય ગુરુદેવશ્રીની અમૃતવાણીનો પ્રચાર વધે એ હેતુએ ત્રણ હજાર જેટલી પ્રવચન ટેપે ડુપ્લીકેટ ઉતારીને પ્રચારમાં મૂકેલ હતી, કોઇપણની સાથે વાતચીત્તમાં આત્માની મુખ્યતાથી વાત આવી જતી હતી, આપના બાળકોને, કુટુંબીજનોને, ભાઈ - બહેનોને દરેક સગાં-સ્નેહીજનોને આપ મુખ્યપણે આત્માની જ વાત સંભળાવતા હતા અને આપની પાસેથી આત્માની વાત સાંભળીને સૌ પ્રસન્નચિત્તે વિદાય લેતા હતા.
છેલ્લા બાર વર્ષથી પૂ. ગુરુદેવશ્રીની વાણી ટેપ દ્વારા, શાસ્ત્ર દ્વારા, સ્વાધ્યાય દ્વારા સાંભળવી શરૂ કરી ત્યારથી દિન-પ્રતિદિન વીતરાગ માર્ગ પ્રત્યે આપની રુચિ વધતી જ રહી. છેલ્લા બાર માસથી કેન્સરનો અસાધ્ય રોગ દેહમાં હોવાનો ખ્યાલ આવવા છતાં દેહ પ્રત્યે અને રોગ પ્રત્યે ગભરાટ વિના ઉદાસીનતા જ સેવતા હતા. કોઇ બિમારી વિષે પુછે, તો તમો કહેતા કે એ દેહનો – જડનો ધર્મ છે હું દેહથી ને રાગથી ભિન્ન પરમાત્મા છું, મારામાં રોગ નથી, દુઃખ નથી અને રાગનો અંશ પણ નથી. મારામાં તો જ્ઞાનનો સદ્ભાવ છે.
આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી હોવાથી જ્ઞાનને આનંદરૂપે, પરિણમે એ આત્માની પર્યાયનો ધર્મ છે; મૂળ સ્વભાવ તો પરિણમન રહિત છે. એવો હું અચળ ત્રિકાળી ધ્રુવ પરમાત્મા છું. આવા ધ્યેયરૂપ આત્માને દષ્ટિમાં લેતાં પર્યાયમાં વીતરાગરૂપ પરિણમન શરૂ થઇ જાય છે. આવા ધ્યેયરૂપ આત્માને પામવા દિનરાત ભેદજ્ઞાનના અભ્યાસમાં આપ સજાગ રહેતા હતા.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com