________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ પ્રકાશક ગુજરાતી આવૃત્તિ ચોથી, પાનું ૧૬, ૧૭, ૨૪, ૧૮૦, ૧૮૨, ૧૮૨ (બીજી ગાથા), ૧૮૩, ૨૧૯, ૩૧૦. આ આધારો ઉપરથી આ ગ્રંથ પ્રચલિત ન હોવા છતાં તેની પ્રમાણિકતા સિદ્ધ થાય છે.
નેમીથર-વચનામૃત-શતક” નામનો ગ્રંથ નેમીચંદ્ર-સિદ્ધાંતદેવના એક ભક્ત ચંદ્રસાગર વર્ણીએ રચેલ છે. આ ગ્રંથની વિશેષ માહિતી મળી નથી પરંતુ જ્ઞાન-વૈરાગ્ય પોષક રચના હોઈ આ સંકલનમાં તેમાંથી કેટલાક વચનામૃત લીધા છે. બીજા પણ કોઈ કોઈ ગ્રંથ તથા ગ્રંથકાર વિશેષ પ્રચલિત નહિ હોવા છતાં તે ગ્રંથમાંની ગાથાઓ વૈરાગ્ય અને આત્માર્થ પોષક હોઇ આ સંકલનમાં કેટલીક ગાથાઓ તેમાંથી લીધી છે.
પૂજ્ય ગુરુદેવશ્રીનાં વચનામૃતમાં તથા પૂજ્ય બહેનશ્રીનાં વચનામૃતમાં કોઇ અધિકાર–ભેદ પાડેલ નથી તથા દરેક વચનામૃત પોતાનો સ્વતંત્ર વિષય પ્રસિદ્ધ કરે છે, તેમ આ સંકલનના દરેક ચિંતામણિ પોતાનો સ્વતંત્ર વિષ પ્રતિપાદન કરે છે તથા અધિકાર-ભેદ કે આગળ-પાછળ કોઇ અનુસંધાન જેવું નથી. છતાં દૃષ્ટિના વિષયની વિશેષ દઢતા થાય તે હેતુએ, તે એક જ વિષયનું પ્રતિપાદન કરતાં અનેક ચિંતામણિ - રત્નો શરૂઆતમાં સાથે ગોઠવવામાં આવ્યા છે.
આ સંકલનમાં એક જ ગ્રંથની અનેક ગાથાઓ લીધી છે, પરંતુ તે ગાથાઓ આ સંકલનમાં ક્રમસર આપેલ નથી. જેમ અનુપૂર્વીમાં નવકારમંત્ર ગણવામાં ઉપયોગની સાવધાની રાખવી પડે તે હેતુથી નવકાર મંત્રના આંકડા આડા-અવળા મૂકવામાં આવે છે, તેમ વાચકને આ સંકલનમાં આગળ આગળ વાંચવાની જિજ્ઞાસા જાગૃત રહે તથા વાંચવાનો રસ રહે તે દૃષ્ટિથી કોઈ પણ ગ્રંથની ગાથાઓ આ સંકલનમાં ક્રમસર લેવામાં આવી નથી.
મુખ્યપણે દષ્ટિના મૂળ વિષયભૂત ગાથાઓનું જ આ સંકલન હોવા છતાં આ સંકલનમાં ચારે પડખાથી દરેક વિષયોને પ્રસિદ્ધ કરતી ગાથાઓ લેવામાં આવી છે. કારણ કે વૈરાગ્ય, ભક્તિ, સરળતા, કષાયોની ઉપશાંતતા, સજ્જનતા આદિ પાત્રતાના ભાવો વગરનું એકલું અધ્યાત્મ જીવને શુષ્કતામાં લઈ જાય છે. આથી અધ્યાત્મની સાથે સાથે વૈરાગ્ય, ભક્તિ ઉપશમ આદિ ભાવોના પ્રેરક અને પોષક આર્ષ-વચનો પણ આ સંકલનમાં ઘણા લેવામાં આવ્યા છે.
જુદા જુદા આચાર્યોએ એક જ પ્રકારની વાત કરી હોય તેથી વાચકને એમ લાગે કે આ વાત તો આવી ગઈ છે; પરંતુ એકની એક વાતને વિશેષ દઢ કરવાના પ્રયોજનવશ જુદા જુદા આચાર્યોએ સમાન વાત કરી હોય તે પણ આ સંકલનમાં લેવામાં આવી છે.
અધ્યાત્મ-ગ્રંથોમાં પુનરુક્તિ દોષ ગણવામાં આવતો નથી, પરંતુ પુનરુક્તિને ગુણ માનવામાં આવે છે. તેથી આ અધ્યાત્મિક-સંકલનમાં દષ્ટિ, જ્ઞાન, વૈરાગ્ય આદિના પોષણ હેતુ એકની એક વાત ફરી ફરીને આવે ત્યાં પ્રયોજન સમજી લેવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com