________________ વિટળાયેલ સપ્તવર્ણાના પુષ્પો જોવા નજીક ગઈ અને સફેદ પુષ્પોને પદ્મ પરાગથી રંગીન થયેલા જોઈ રહી છું ત્યાં, ઉદાર માણસને જોઈને યાચકો કેમ દોડી આવે ? એમ મારા મુખકમળને જોતાં ખરેખર કમળ સમજી ભમરાઓ ઉડીને મારા મુખ પર દોડી આવ્યા. પણ અહીં તો એને મળવાના રસની વાત તો દૂર, પણ મને તો ચટકા લાગતાં ભય લાગ્યો કે કાંક ચોટી ન પડે ? એટલે હું હાથેથી ઉરાડવા માંડી, કિન્તુ આ તો બેને ઉરાડ્યા કે બીજા ચાર આવી લાગ્યા, અને ભમરા સરોવર પરથી ઊડી ઊડીને અહીં આવી રહ્યા હતા, તે હું ગભરાઈ ગઈ કે કેટલાને ઉરાડવા ? તે ત્યાંથી ભાગીને કેળના ઘરમાં જઈ બેસી ગઈ. આ સંસારમાં ય શું છે ? આવી ચિંતાઓ આવ્યા જ કરે છે, એને મિટાવી ત્યાં બીજી બે ચાર ઊભી થઈ જ સમજો. કારણ ? સંસારના સંયોગો જ એવા છે કે એને મન પર લીધા એટલે એના અંગેની ચિંતાઓ ઊભી થઈ જ જાય. સંસારમાં આમ ચિંતા પર ચિંતાઓ ઊઠ્યા જ કરે છે માટે તો જ્ઞાનીઓ સંસારને અસાર કહે છે. પૂછો, દેવોને દુઃખ : સંસારમાં ચિંતાઓ : પ્ર.- દેવતાઓ દિવ્ય સુખ-સાધન પામ્યા હોય છે, એમને ક્યાં ચિંતાઓ હોય છે ? ઉ.- દેવો પણ પોતાનાથી અધિક રૂપ-સૌદર્ય તથા અધિક સુખસામગ્રી દેખીને સહન નથી કરી શકતા, એટલે મનમાં બળે છે. અથવા (2) કોઈ કામ કરવાની હોંશ ન હોય અને ઉપરી અધિકારી દેવતાની આજ્ઞા આવે તો અંતરને ઉદ્વેગ થાય છે. (3) પ્રિય દેવી રીસાઈ જાય તો ય ચિંતા થાય છે કે આ કેમ રીસાઈ હશે ? મનને ખેદ થાય છે અને દેવીને મનામણાં કરવા જાય છે. પેલા કાઉસ્સગમાં મુનિ હસ્યાની વાત આવે છે ને ? કાઉસ્સગ્રની ઉચ્ચ ભાવનામાં અવધિજ્ઞાન થયું અને એથી પહેલા દેવલોકમાં જોયું તો શું દેખાયું ? ઇંદ્ર ઇંદ્રાણીને મનાવતો હતો. ઇંદ્ર જેવાની આ દશા, તો બીજા દેવોની શી વાત ? (4) અરે ! એનાથી મોટી ચિંતા તો જ્યારે અંત સમય બહુ નજીક આવે છે. ત્યારે થાય છે કે “હાય ! આ ગળાની ફૂલમાળા રોજ તાજી ને તાજી રહેનારી. તે કરમાવા માંડી ? શું હવે મારે મરવાનું ? હાય ! ક્યાં જવાનું ?'.. દેવગતિમાં આ ચિંતાઓ, તો બીજી ગતિઓમાં ચિંતાઓનું શું પૂછવાનું ? - તરંગવતી