________________ વિરોધ કરનાર આ સ્થળનો મહિમા નહિ માને એને પૂજય નહિ માને, કેવી અજ્ઞાન મૂઢ દશા ! આજે સિદ્ધગિરિના સ્થળ પર જતાં માણસનાં દિલ પીગળી જાય છે ને ? મહાપુરુષનો આત્મા તો પૂજ્ય છે જ, પરંતુ એમનું શરીર, એમની મૂર્તિ, એમનું સ્થળ, અરે ! એમનું નામ પણ પૂજ્ય છે ! આગળ મુનિ કહે છે, “એ સાંભળીને મેં પણ એ ત્રિલોકનાથની પ્રતિમાને તથા વડને વંદન કર્યો, અને ત્યાં જોઉં છું તો સાધુ ભગવાન બિરાજમાન દેખ્યા. મુનિરાજ કેવા હતા ? કષાયથી સળગી રહેલા આપણા દિલને ઉપશમ રસની ઠંડક આપે એવા ! કેમકે પહેલાં તો એવા ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા કે એ સાધુ જાણે બહારમાંથી નીકળી પોતાના આંતર હૃદયમાં સ્થિર થઈ ગયા છેએટલું જ નહિ, પણ પોતાની ઇન્દ્રિયોને પણ અંદરમાં જ ઠારી દીધી છે ! એટલે હવે એમની પ્રવૃત્તિ બાહ્ય વિષયમાં થતી દેખાતી નથી; પછી અસ્થિરતા દોષ શાનો રહે ? મનની એકાગ્રતા એવી કરી છે કે સંવરના માર્ગો પર જ મનને લગાડેલું છે. તેથી મનને બહારમાં ભટકવાનું રાખ્યું જ નથી, પછી મન કેટલું શાંત-પ્રશાંત-ઉપશાંત હોય ? પ્રશાંત મુનિનું દર્શન કેવું પ્રભાવક ? : “મારું મન ઘણાં કાળથી ક્રૂર કર્મો કરી કરીને અત્યંત અશાંત બની ગયેલું, તેમાં આવા ઉપશાંત-મૂર્તિ મહાત્માને દેખીને એમના પ્રત્યે આકર્ષાઈ ગયું ! મનને થયું કે, “એમની પાસેથી કાંઈક શાંતિ મળશે.” એટલે હું તેમની પાસે ગયો, નમસ્કાર કરીને બેઠો, અને હાથની અંજલિ જોડીને પૂછું છું કે ચોરનો મુનિને પ્રશ્ન : “હે ભગવન્ આપ તો કોઈપણ પ્રકારનાં અભિમાન ને ક્રોધ વિનાના છો, તેમજ કોઈપણ પ્રકારના સુવર્ણાદિ દ્રવ્યનાં પરિગ્રહ વિનાના છો, તથા કોઈપણ પ્રકારનાં આરંભ-સમારંભ વિનાના દેખાઓ છો; તો હે મહાયશસ્વી પુરુષ ! હું તમારો શિષ્ય બનીને એ જાણવા સાંભળવા ઇચ્છું છું કે, “આ જન્મ-મરણનાં અનંતકાળથી ચાલી આવેલા ફેરાના આવર્તમાં ફસાયેલો હું શી રીતે આ અગાધ સંસાર-મહાસાગરને તરી જાઉં ?" “મને વિશ્વાસ છે કે તમારા પ્રભાવથી જરૂર આ ભીમ ભવસાગરને તરી જઈશ; પણ મને એવો કલ્યાણ માર્ગ બતાવો.' મહાત્માની ઉપાયવાણી : ત્યારે એ મહાત્મા બોલ્યા કે “મહાનુભાવ ! કર્મ ! તારી ગતિ ન્યારી 329