________________ રાજા ખુલાસો કરે છે કે એવું કાંઈ નથી મેં તો તમને બધાને સ્નાત્ર-જળ મોકલ્યું છે. તમને કે કોઈને ટાળ્યા નથી.' કૌશલ્યા કહે, “તો પછી મારી પાસે કેમ સ્નાત્રજળ ન આવ્યું ? એમ કહો કે હું ઘરડી થઈ એટલે હું અણગમતી થઈ, તેથી મને ભૂલી જ ગયા છો !' આ વાત ચાલે છે એટલામાં કંચુકી સ્નાત્ર જળ લઈને આવ્યો. કૌશલ્યાને રાજા કહે, “જુઓ, આ માણસ સ્નાત્રજળ લઈને આવ્યો કે નહિ ? નકામો વિખવાદ ન કરો.” પછી રાજા કંચુકીને પૂછે છે “અલ્યા ભાઈ ! બીજા માણસો સ્નાત્ર-જળ જલદી લઈ આવ્યા, ને તું કેમ મોડો પડ્યો ?' માણસ કહે “મહારાજા ! જુઓ આ મારી ઉંમર થઈ ગઈ છે. એટલે લાકડી ઠોકતો ઠોકતો ધીમે ધીમે ચાલી શકું છું. તેથી અહીં પહોંચવામાં જરાક મોડું થયું. બીજા જુવાન તે જલદી પહોંચી આવ્યા.” દશરથની વૈરાગ્યવિચારણા : દશરથ રાજા કૌશલ્યાને કહે “બોલો, તમારા પર અણગમા જેવું કાંઈ આમાં દેખાય છે ? ખોટી કલ્પનામાં જ દુઃખી થયા ને ? કૌશલ્યા હસી પડ્યા, પરંતુ મહારાજા દશરથને આ પ્રસંગ પર હૈયે ચોટ લાગી ગઈ કે “હાય ! આ કંચુકી પર જોતજોતામાં ઘડપણ ઊતરી પડ્યું, તો મારા પર પણ આ ઉંમર તો ઘટતી ચાલી તો એમજ ઘડપણ કેમ નહિ ઊતરી પડે ? ને ઘડપણ આવી ગયા પછી તો હું કષ્ટમય ચારિત્રની આરાધના શી રીતે કરી શકવાનો હતો ? માટે હવે તો સંસાર બહુ જોયો. જીવને આ સંસારસુખના ખરજવાની ખણજ ખણવા જેવા ભોગોથી કદી તૃપ્તિ થવાની નથી, એ તો એનો ત્યાગ જ કરી દઈએ, તો જ મન ધરપતમાં આવે; ને વિષયોની ખણજ લાલસા મટે. માટે હવે હું ચારિત્ર લઈ લઉં” આમ દશરથના હૈયાને કંચુકીના ઘડપણની સ્થિતિ જોતાં ધક્કો લાગી ગયો. દશરથની કુટુંબને વૈરાગ્યની વાત : બસ, પછી તરત કુટુંબ ભેગું કરી વાત કરે છે કે “જુઓ મારા પૂર્વજો આ પાપભર્યા સંસારમાંથી સવેળા ઊભા થઈ ગયેલા અને ચારિત્ર માર્ગે ચડી ગયેલા ! અને હું હજી ભોગ-વિલાસના કીચડમાં એમ જ બેઠો છું ! મને એની શરમ આવે છે, તેથી હવે તો હું ચારિત્ર-માર્ગ જ લઈ લઈશ. તમે બધા મારા કલ્યાણમાં સંમત થઈ જાઓ.” એમાં ભરત ઊઠીને કહે “પિતાજી ! તમે જો સંયમ લેશો તો હું તમારા વિના એક ઘડી પણ ઘરે નહિ રહી શકું, એટલે હું પણ તમારી સાથે જ ચારિત્રમાર્ગ લઈશ.' કર્મ ! તારી ગતિ ન્યારી 335