________________ જવાનું થાય. “હવે ચારિત્ર લેવું છે' એવી ભાવના કરતા બેઠા હોઈએ અને એકાએક મોત આવીને ઊભું રહે ! માટે ચારિત્રમાં વિલંબ નહિ કરવો. અંકુશ સંસારત્યાગ કરવા માટે ઊભા થઈ ગયા ! મંત્રીઓ રાજ્યગાદી સંભાળી લેવા કહે છે, તો એ ઘસીને ના પાડી દેતાં, કહે છે “કાકા જો આમ સંયમ લીધા વિના અકાળે એકાએક મર્યા, તો શું અમે પણ આયુષ્યના અણભરોસામાં એમજ સંયમ વિના એકાએક મરી પડીએ ?' બસ, બંને ઊઠીને ચાલતા થઈ ગયા, અને સંયમ લઈ લીધું ! રાજા દશરથ વૃદ્ધ કંચુકીની શરીરની નિર્માલ્ય બની ગયેલી દશા જોઈને, સંસારમાંથી ઊભા થઈ ગયેલા અને ચારિત્ર લઈ લીધેલું ! આ બધું સમજીને પધદેવ ચારિત્ર લઈ લીધું છે. એમને વારંવાર જન્મ-મરણના ફાંસલામાં ફસ્યા રહેવાની ભારે પીડા અને નાલેશી લાગી છે, અને તેથી જ એમણે પોતાની આપમેળે આત્મ-સૂઝથી સ્વેચ્છાએ જ સંસારના ભોગ-વિલાસોને તિલાંજલિ આપી છે; અને એ અહિંસા-સંયમ–તપની સાધના કરી લેવા તલપાપડ બન્યા છે, તો હવે એમને એમાં અંતરાય કરવો વાજબી નથી... આવા સાધનાના મહાન કલ્યાણ માર્ગે જે અંતરાય કરે એ મિત્ર નથી મિત્ર તો પોતાનું દુઃખ વેઠી લઈને પણ આપણું ભલું કરનારો હોય એના બદલે પોતાના તુચ્છ સ્વાર્થ-સુખ ખાતર આપણા અનંત હિતને બગાડે એ મિત્ર નથી બનતા. દુઃખી તો (1) આપણા પૂર્વ કર્માનુસારે થઈએ છીએ. તેમજ (2) વર્તમાનની મોહમૂઢતાને લીધે થઈએ છીએ.” ત્યાં જો સામો મોહમૂઢતાને ફગાવી દઈ કર્મનાશના અને અનંત સુખના માર્ગે જતો હોય તો એ શું ખોટું કરે છે ? વિચારો, ચારિત્રના પુરુષાર્થને યોગ્ય એકમાત્ર ભવ આ મનુષ્ય ભવમાં માંડ આવ્યા, ત્યાંય જો આપણે તો ચારિત્ર ન લઈએ, પણ ઊલટું એમને ચારિત્રના પુરુષાર્થની આડે આવીએ તો પછી બીજા કયા સારા અવતારે એ ચારિત્ર-પુરુષાર્થ કરી શકવાના ?" ધનદેવશેઠ આમ કહી કુટુંબને અને મિત્રોને ઠંડા પાડ્યા, અને પદ્મદેવના ચારિત્ર-ગ્રહણમાં સંમતિ દેખાડી. હવે મુનિને કહે છે, “તમે તો તરી ગયા, કર્મ ! તારી ગતિ ન્યારી 355