________________ 20. સંયોગો અંતે રોવરાવનારા સવારે શેઠના ઘરે તરંગવતી ગુમ થયાનું જણાતાં ધાંધલ ધમાલ મચી સૌ રોવા બેઠા, એ પરથી સંસારનું નાટક જોવા મળે છે, કે સંસારી જીવ એક સ્નેહી સમાગમને બહુ ઇષ્ટ કરીને માને છે, ખુશીનો પોટલો થઈ જાય છે, પણ જીવને ભાન નથી કે “સંયોગા વિયોગાન્તા' સંયોગની પાછળ અવશ્ય વિયોગ છે. કાળ, કર્મ અને ભવિતવ્યતા ક્યારે સંયોગોને નષ્ટ ભ્રષ્ટ કરી નાખે એનો પત્તો નથી. આવી જગતભરમાં બનતી સાંસારિક ઘટનાઓ પરથી દેખી શકાય છે, કે સંયોગોને જેટલા વધારે ઈષ્ટ કરી માન્યા, ત્યાં અચાનક સંયોગ નષ્ટ થઈ ઈષ્ટનો વિયોગ કરતાં વધુ પ્રમાણમાં દુ:ખનાં પોટલાં ઊભા થાય છે. માટે જ જ્ઞાની કહે છે કે, 'संजोगमूला जीवेण पत्ता दुक्ख परंपरा / ' અર્થાતુ જીવે દુઃખની પરંપરા મેળવી છે, તે મૂળ સંયોગનાં જ કારણે. સાક્ષાત્ તો એવું દેખાય કે વિયોગ થતાં દુઃખ થયું, વિયોગનાં કારણે દુઃખ થયું, પરંતુ વાસ્તવમાં સંયોગ જ ન થયો હોત, અથવા સંયોગને સુખરૂપ ન માન્યો હોત, તો વિયોગનું કોઈ દુ:ખ થાત નહીં., શોક્ય માતાને શત્રુ જેવો લાગતો ઓરમાયો પુત્ર મરી જતાં ક્યાં દુઃખ થાય છે ? બાકી પતિ પત્ની કે પુત્રના સંયોગ થયા પછી જ, અને એને બહુ સુખરૂપ ઇષ્ટ મનગમતો માન્યા પછી જ, પતિ મરણ પત્ની મરણ કે પુત્ર મરણ પર દુ:ખની પોક મુકાય છે. * કુંવારી રહેનાર યા સાધ્વી થનાર બાઈને ક્યાં જિંદગીમાં વિધવાપણાનું દુઃખ લાગે છે ? * એમ કુંવારા રહેનાર કે સાધુ થનારને ક્યાં પત્ની મરણનું દુ:ખ આવે છે ? * અથવા વાંઝિયા માબાપને ક્યાં પુત્ર મરણની પોક મૂકવી પડે છે ? સગર ચક્રવર્તીને એકી સાથે 60 હજાર પુત્રો મરી ગયાના સમાચાર આવ્યા, ક્ષણવાર શોકનો આઘાત લાગ્યો, પરંતુ દેવની દરમ્યાનગિરિથી સમજાઈ ગયું કે, પુત્રોનાં સંયોગને મેં બહુ ઈષ્ટ કરીને માન્યો હતો, તેથી જ હવે આ પુત્રોનો વિયોગ થતાં દુ:ખ થાય છે. એટલે દુ:ખ વાસ્તવમાં પુત્ર વિયોગના હિસાબે નહિ, પરંતુ મૂળ સંયોગના હિસાબે જ, યા સંયોગ સારો સુખદાયી માન્યા હિસાબે જ થયું ગણાય. ઇષ્ટ સંયોગમાં સુખ એ મારી ભ્રાન્તિ જ હતી. કર્મ ! તારી ગતિ ન્યારી 297