________________ કે કોઈએ નળ દમયંતીને આશરો આપવો નહીં, અને પાણીનો પવાલો પણ ધરવો નહીં.' એ હિસાબે નગરના લોકો ઇચ્છવા છતાં નળ-દમયંતીને પોતાના ઓટલે બેસવા દેવા તૈયાર નહોતા, કે એમની તરસ મિટાવવા લોકો એમને પાણીનો પવાલો ય ધરવા તૈયાર નહોતા ! યાવત નગરની બાહર નીકળ્યા પછી જંગલમાં ચોરોએ કપડાં પણ લૂંટી લીધા, માત્ર દમયંતીનો એક સાડલો રહેવા દીધો, તે અડધો દમયંતીએ ઓઢ્યો, અને અડધો નળરાજાએ ઓઢ્યો; ને જંગલમાં માર્ગે ચાલવું પડ્યું ! વિચારો કે, કોને કેવું લુંટાવાનું ? : એ વખતે આ બધા કર્મસત્તાના ભયંકર ત્રાસ વરસાવા માંડ્યા ત્યારે નળ-દમયંતીને હૈયે કેટલો બળાપો હશે ! એક વખતના મોટા સામ્રાજ્યના માલિક રાજા, જેની તહેનાતમાં મંત્રીઓ અમલદારો સુભટો સેવકોનો પાર નહીં ! એ જંગલમાં એકલા અટૂલા પડે ! બંનેને ઓઢવા એકજ વસ્ત્ર ! ખાવા માટે એક ભાતાની નાની પોટલીય નહીં ! પીવા માટે પાસે પાણીનો લોટો પણ નહીં ! ત્યારે વિટંબણા કેટલી મોટી ? શું જુગાર ખેલવા માંડ્યો ત્યારે આવા ભવિષ્યની એક આંકડો ય કલ્પના હશે ? ડાહ્યા માણસે અયોગ્ય માર્ગ લેતા પહેલાં અને પાપના રસ્તે ચાલતા પહેલાં ભાવી દુ:ખદ કર્મસત્તાની આગાહી કરી લેવી જોઈએ. દુઃખદ કર્મસત્તા પોતાનું વિટંબણાનું કાર્ય કરવા માંડશે ત્યારે કશો બચાવ નહીં થાય. એવું જ પાંડવોને ભયંકર બન્યું. યુધિષ્ઠિર દુર્યોધન વગેરે કૌરવો સાથે જુગાર ખેલવા બેઠા, એમાં ય દ્રૌપદી વગેરેએ ઘણી ના પાડવા છતાં યુધિષ્ઠિર જુગાર રમતા જ રહ્યા, રમતા જ રહ્યા, તો અંતે બધું હાર્યા ! વધારામાં દ્રૌપદીને પણ હોડમાં મૂકી ! ને એ ય હારી ગયા !! પરિણામ ? ભરી સભામાં દુઃશાસનના હાથે દ્રૌપદીની સાડી ખેંચાણી એ વખતે, વિચારો કે, દ્રૌપદી અને પાંડવોને હૈયે કેટલા લોહી બળાપા હશે ? એથી ય આગળ જુઓ, અલબત શાસનદેવીએ દ્રૌપદીના ચીર પૂરીને લાજ રાખી એટલું સારું થયું, છતાં બાર વરસ જંગલમાં કુંતા માતા અને દ્રૌપદી સહિત પાંડવોને ભટકવાનું થયું ! એ વખતે એમના પગ કેવાંક ભાંગી ગયા હશે ? અને દુ:ખના દરિયામાં ડૂબેલા રહેતા હશે ? એ ધ્યાન પર લેવા જેવું છે, જેથી અકળ કર્મસત્તાનો ડર રાખીને અજુગતાં આંધળિયા ન થાય. કર્મ ! તારી ગતિ ન્યારી 2 19