________________ “દીકરી તો મારી કેટલી બધી શીલસંપન્ન કે કોઈ પરપુરુષના સામે કદી જોનારી નહીં ! તેમજ કેટલી બધી વિનયવંતી કે ક્યારે ય પણ આપણી આમન્યા ચૂકનારી નહીં ! એને દોષ દેવાતો હશે ? યુવાનીમાં આવી છતાં આવી ગુણગણનાં ભંડારસમી દીકરી, એના પર જરાં ય ગુસ્સો કરાતો હશે ? તમને એની ગુણસંપન્નતા અને મહાલાયકીની કશી કદર નથી થતી ? કશો વિચાર નથી આવતો તે આટલા બધા રોષમાં ધમધમો છો ?..." તરંગવતીની લાયકી અને ગુણસંપન્નતાને જ મુખ્યપણે જોનારી માતા પણ શેઠના ગુસ્સા પર આકુળવ્યાકુળ થઈ ગઈ છે, તે શેઠને વસ્તુસ્વરૂપ અને સંયોગો જોવા તથા પરિસ્થિતિ ઓળખવા કહી રહી છે. “આ તો એને પૂર્વ જન્મનું સ્મરણ થયું, અને જોગાજોગ એને પૂર્વ ભવનો પ્રિય પતિ અહીં મળી આવ્યો, તો જેમ પૂર્વભવે એ પ્રિય પંખેરાની પાછળ એણે એની ભડભડતી ચિતામાં બળીને જાતનો ભોગ આપેલો, એમ જ અહીં એ વસ્તુના સ્મરણથી પોતાના એ જ પ્રિયની પાછળ લાગી જાય એમાં શી નવાઈ છે ? સંસારમાં એમ બનવું એ સ્વાભાવિક છે; અને એથી જ એની સાથે એ, આપણે જ્યારે એના પ્રિય સાથે સંબંધ થવામાં આડે આવીએ અને એ જિંદગીભરની હતાશ થાય ત્યારે, એના પ્રિયની સાથે અહીંથી એને ભાગી જવું પડે, એમાં એને દોષ શાનો દેવાય ?' “ખરેખર મોટો વાંક તો આપણો જ છે. ગુસ્સો કરવો હોય તો જાત પર કરો, કે અમે કેવા નિર્દય કે એનાં પ્રિયનો એની સાથે સંબંધ કરવા ઘસીને ના પાડી ? આ આપણો માફ ન થઈ શકે એટલો મોટો ગુનો છે, સારું થયું કે સારસિકાએ એને આત્મહત્યા કરતાં અટકાવી, ને એના પ્રિયને ભેગી કરી ! બાકી આપણા હઠવાદમાં તો એને જમનાં ઘેર પહોંચાડી દીધી હોત ! માટે એનો ગુનો જોયા વિના આટલા મોટા આપણા ગુનાનો જ ભારે પસ્તાવો કરો; અને એનાં પ્રાયશ્ચિત્તરૂપે હવે ચારે બાજુ ચાંપતી શોધ કરાવીને ગમે ત્યાંથી એ બંનેને પાછા લાવી ધામધૂમથી બંનેનાં પરસ્પર લગ્ન સંબંધ જોડી આપો. માતાએ હૈયામાં ઊભરાયેલા આવેગ તો ઠાલવ્યો, પરંતુ અંતરનો શોક શમતો નથી તેથી ધ્રુસકે ધ્રુસકે રોતી આજંદ કરે છે,- “હાય હાય ! મારી લાડકી દીકરી ! તું ગુણની પેટી, તું ક્યાં ગઈ ? અહીં બધી ઊંચી સુખ સગવડમાં રહેનારી તને પરદેશમાં કેટકેટલી વિટંબણા હશે ? હાય રે !." આમ સારસિકા તરંગવતીને અહેવાલ આપતાં આપતાં કહી રહી છે કે સખી ! તારી કર્મ ! તારી ગતિ ન્યારી 291