________________ બીજો તરંગવતીને ઝાલવા જાય ત્યાં તરંગવતી કહે છે, “મને ઝાલશો નહિ. હું ભાગી નથી જવાની. હું મારા પતિની જીવનભર સાથે જ છું, પતિ જીવતા હોય ત્યાંસુધી એમની સાથે જ રહેવાની.” પત્યું એને ઝાલ્યા વિના ચાલ્યા. તરંગવતી રસ્તામાં પોકે પોક રડે છે, “હાય ! હાય ! હે ભગવાન ! આ અમને કોણ જાણે આ જંગલમાં ક્યાંય લઈ જશે ? ઓ ભાઈઓ ! અમે તમને અમારો માલ આપી દીધો, હવે તમારું અમે શું બગાડ્યું છે, તે અમને પકડીને લઈ ચાલો છો ? હાય હાય રે !' એમ બોલતી ચીસો પાડીને તરંગવતીને મોટી ચીસો પડી જાય છે. એની એવી રોવાની મોટી ચીસો જોઈને લૂંટારા ગભરાય છે કે શાંત જંગલમાં આ કરુણ ચીસો કદાચ દૂરમાં કોઈને સાંભળવામાં આવે, ને અહીં દોડી આવે તો ? આપણો ભાવીનો ધંધો ય ઊંધો વળી જાય ! એટલે બાઈને ચીસો પાડતી અટકાવવા એને ધમકી આપે છે કે એય ! રોવાનું બંધ કર, નહિતર આ તારા ધણીને તારા દેખતાં હમણાં જ પૂરો કરી નાખશું. જોઈ છે આ તલવાર ? તરંગવતીને રુદન તરત બંધ કરવું પડ્યું, ન કરે તો ક્યાં જાય ? પેલા દુષ્ટોને દુષ્ટ કામ કરતાં આંચકો કે વિલંબ જ ક્યાં છે? ઝટ પદ્મદેવનું ગળું કાપી નાખે. તેથી તરંગવતી રોતી બંધ. જોજો, વ્યવહારમાં પ્રિય પરના મોતના ભયથી રુદન બંધ કરાય છે, તો પછી શાસ્ત્ર કહે છે; ‘પ્રિયના મૃત્યુ પર શોક અને રુદન કરવા પર એ મરનાર પ્રિયને ભારે કર્મબંધનો સંભવ છે, તેથી એના ભયથી શોક રુદન કેમ ન બંધ કરાય ?' જેમ તરંગવતીને તેમ અહીં હાય હું રોઉં શોક કરું તો મરનારને મફતિયાં કર્મ બંધાય તો ? એમ ભય રાખી શોક રુદન બંધ કરવા જોઈએ. તરંગવતી પધદેવ ક્યાં નીકળ્યા હતા? કયા મનોરથથી નીકળેલા ? ને કેવી સ્થિતિમાં મુકાયા ? સંસારમાં માણસ ખોટાં સાહસ કરવા જાય, પણ મૂર્ખને કર્મ કુસંગ વગેરેની પરાધીનતાની ખબર નથી રહેતી, તેથી આઘો જઈ પાછો પડે છે. પૂછો, પ્ર.- એમ તો પછી કશું સાહસ જ ન થાય ? ઉ.- ખોટું સાહસ કરનારા કેટલા ખાટી ગયા ? સાહસ કરવામાં પ્રારંભે કદાચ થોડો લાભ દેખાયો ય ખરો, પણ પછી પાછળથી ખોટમાં કામ ચાલ્યું તે પછડાયા ! હા, કહેવાય છે ખરું કે સાહસ વિના સિદ્ધિ નહિ.” પરંતુ સાહસ કરીને દુન્યવી સિદ્ધિ કદાચ મેળવી ય લીધી પણ પછી શું ? કાં તો નકરું શ્રીમંતાઈનું અભિમાન અથવા નીતરતા રંગવિલાસ, કર્મ ! તારી ગતિ ન્યારી 209