________________
દ્વિતીય ઉદ્યોત : ૧૦, ૧૧, ૧૨
૧૦૯
કારિકા-૧૦ અને વૃત્તિ : ‘‘(સૂકાં લાકડામાં અગ્નિની જેમ કે સ્વચ્છ વસ્ત્રમાં પાણીની જેમ) કાવ્યના રસો પ્રત્યે જે સમર્પકત્વ (અર્થાત્ ભાવકના ચિત્તને વ્યાસ કરી દેવું તે) છે, બધા રસો અને રચનાઓમાં સાધારણ (સામાન્ય) રૂપથી રહેલ હોય તેને ‘પ્રસાદ’ ગુણ સમજવો જોઈએ.’
‘પ્રસાદ’ (નો અર્ધ) શબ્દ અને અર્થની સ્વચ્છતા છે. તે બધા રસોનો સાધારણ ગુણ છે, અને બધી રચનાઓમાં સમાનરૂપથી રહે છે. તેને મુખ્ય રૂપથી વ્યંગ્યાર્થની અપેક્ષાથી રહેનાર સમજવો જોઈએ.
કારિકા ૧૧ અને વૃત્તિ ‘‘શ્રુતિદુષ્ટ વગેરે જે અનિત્ય દોષ બતાવવામાં આવેલા છે તે ધ્વન્યાત્મક ( =ધ્વનિરૂપ) શૃંગારમાં જ ત્યાજ્ય કહેવામાં આવ્યા છે.’’
જે અનિત્ય શ્રુતિદુષ્ટ વગેરે દોષો સૂચિત કરવામાં આવેલ છે તે ન તો વાચ્યાર્થમાત્રમાં, ન શૃંગારથી ભિન્ન વ્યંગ્ય (રસાદિ)માં અને ન ધ્વનિના અનાત્મભૂત (ગુણીભૂત) શૃંગારમાં ત્યાજ્ય કહેવામાં આવ્યા છે પણ પ્રધાનતાથી વ્યંગ્ય ધ્વન્યાત્મક શૃંગારમાં જ ત્યાજ્ય કહેવામાં આવેલ છે (એમ જાણવું). નહીંતર તેમની અનિત્યતા દોષતા-જ નહીં બને.
કારિકા ૧૨ અને વૃત્તિ : આમ અસંલક્ષ્યક્રમથી પ્રગટ થતો ધ્વનિનો આત્મા અમે સાધારણ રીતે બતાવ્યો.
“તેના (અસંલક્ષ્યક્રમ યંગ્ય રસધ્વનિનાં) અંગો (અલંકાર વગેરે)ના જે (અનેક) પ્રભેદ છે અને સ્વગત (સ્વયં રસાદિના) પ્રભેદ છે, તેની એક બીજા સાથેના સંબંધની (સંસૃષ્ટિ, સંકર, પ્રસ્તાર, વિસ્તારથી) કલ્પના કરતાં તેનું આનન્ય થઈ જશે. (અર્થાત્ તેમની સંખ્યાનો કોઈ પાર નહીં રહે.)’’
અંગીપણાને લઈને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ ધ્વનિનો એક આત્મા જે વ્યંગ્ય ‘રસાદિ’ કહ્યો છે તેના અંગ સ્વરૂપ વાચ્યવાચવાળા અલંકારોના જે અસંખ્યપ્રભેદ છે તે અને અંગી અર્થના પોતાના ભેદ રસ, ભાવ, તદાભાસ, તત્પ્રશમરૂપ વિભાવ, અનુભાવ, વ્યભિચારિભાવ પ્રતિપાદન સહિત અનંત અને મૂળની અપેક્ષાએ સીમા વગરના જે પ્રભેદો છે તે, તેમના પરસ્પર સંબંધોની ગણના કરતાં એટલા રસોમાંથી એના પણ ભાગો ગણી શકાય તેમ નથી તો પછી બધા (રસો)ની તો વાત જ શી ?
તોપણ અંગી શૃંગારના તો બે ભેદ- સંભોગ અને વિપ્રલંભ. સંભોગના પરસ્પર પ્રેમદર્શન, સુરત, નિહાર વગેરે પ્રકારો છે. વિપ્રલંભના પણ અભિલાષા, ઈર્ષ્યા, વિરહ, પ્રવાસ, વિયોગ વગેરે છે. તે દરેકના વિભાવ, અનુભાવ અને વ્યભિચારિ ભાવને લઈને પડતા ભેદો છે. તેના પણ દેશ, કાળ, આશ્રય, અવસ્થા વગેરેની દષ્ટિએ પણ ભેદો પડે છે. આ રીતે સ્વગત ભેદોને કારણે તે એકનું (શૃંગારનું) અપરિમેયત્ન આવે. પછી તેના અંગોના ભેદોપભેદ-કલ્પનાની તો વાત જ શી કરવી ? તે અંગભેદો દરેક અંગીના પ્રભેદ સાથે જોડવાથી આનન્ત્ય જ ઉત્પન્ન થાય.