________________
તૃતીય ઉદ્યોત: ૨૮, ૨૯, ૩૦, ૩૧
૨૧૧
કારિકા-૨૮ અને વૃત્તિ : ‘‘વિરોધનું અને અવિરોધનું, સર્વત્ર આ રીતે નિરૂપણ કરવું જોઈએ. ખાસ કરીને શૃંગારમાં, કેમકે તે સૌથી વધુ સુકુમાર છે.’’
ઉપર્યુક્ત લક્ષણો પ્રમાણે પ્રબંધકાવ્યમાં અને અન્યત્ર (મુક્તકોમાં) સહૃદયે બધા રસોમાં વિરોધ અને અવિરોધનું નિરૂપણ કરવું જોઈએ. ખાસ કરીને શૃંગારમાં. કારણકે તે રતિના પરિપોષરૂપ હોવાથી, અને રતિનો જરા જેટલા કારણથી ભંગ થવાનો સંભવ હોવાથી, બધા રસોમાં અધિક સુકુમાર છે અને વિરોધીના સહેજ પણ સમાવેશને સહી લેતો નથી.
કારિકા-૨૯ અને વૃત્તિ
‘‘સત્કવિએ એ રસની બાબતમાં અતિશય સાવધ રહેવું; કારણ કે તેમાં પ્રમાદ ઝટ લક્ષિત થઈ જાય છે.’’ બધા રસોથી પણ વધુ સૌકુમાર્યવાળા તે રસમાં કવિએ સાવધાન અને પ્રયત્નવાળા રહેવું. તેમાં પ્રમાદી થાય તો સહ્રદયોમાં તે એકદમ અવજ્ઞાને પાત્ર થાય છે.
કારિકા-૩૦ અને વૃત્તિ : ( વિરોધી રસોમાં પણ શૃંગારનો સ્પર્શ) શૃંગારરસ, સંસારીઓને ખાસ અનુભવનો વિષય છે માટે, બધા રસોમાં કમનીય-સુંદર- છે માટે, પ્રધાન છે. એમ છે માટે
‘‘શીખાઉને (શિક્ષણના વિષયમાં) ઉન્મુખ કરવાની દૃષ્ટિથી અથવા કાવ્યની શોભાને માટે તેના (શૃંગારના) વિરુદ્ધ રસોમાં (શાંત વગેરેમાં) તેનાં (શૃંગારનાં) અંગો (વ્યભિચારિભાવ વગેરે) નો સ્પર્શ દોષરૂપ નથી.’’
શૃંગારના વિરુદ્ધ રસનો, શૃંગારનાં અંગોને જે સ્પર્શ થાય, તે અવિરોધી લક્ષણ હોય ત્યારે જ દોષપાત્ર ગણાતો નથી એટલું જ નહિ, પણ શિષ્યોને ઉત્તેજવાને કે કાવ્યની શોભા માટે જ કરાય છે ત્યારે પણ દોષયુક્ત થતો નથી. કેમ કે શૃંગારરસના અંગો દ્વારા ઉન્મુખ થયેલા શિષ્યો વિનયના ઉપદેશોને સુખપૂર્વક ગ્રહણ કરે છે. (ભરત વગેરે) મુનિઓએ શિષ્યોના હિતમાટે સદાચારના ઉપદેશરૂપ નાટક વગેરે ગોષ્ઠી (મંડળી)ની અવતારણા કરી છે.
ઉપરાંત, શૃંગારમાં બધા માણસના મનને હરે તેવું અભિરામત્વ છે, તેથી તેનાં અંગનો સમાવેશ કાવ્યના સૌંદર્યાતિને પોષે છે. માટે એવી રીતે પણ વિરોધી રસમાં શૃંગારનાં અંગોનો સમાવેશ વિરોધી નથી. તેથી-‘સ્ત્રીઓ મનોરમ છે, એ સાચું, વિભૂતિઓ (ઐશ્વર્યો) રમ્ય હોય છે, એ સાચું, પણ (તેનો ભોગ કરનારું આ) જીવન જ મત્ત સ્ત્રીના કટાક્ષ જેવું અત્યંત અસ્થિર છે.’’ વગેરેમાં રસવિરોધનો દોષ નથી.
કારિકા-૩૧ અને વૃત્તિ : ‘આ રીતે રસ આદિના અવિરોધ અને વિરોધના વિષયને સમજીને કાવ્ય કરનાર સુકવિ કદી ભ્રમમાં પડતો નથી.’’