________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૧૧ થી ૧૩)
૩૪૯
તરીકે સમજાવ્યા છે. કાવ્યગુણ ત્રણ જ છે એમ માનનાર આલંકારિકોએ અન્ય ગુણોને ત્રણમાં સમાવેલ છે.
(૪) વિશ્વનાથે ‘સાહિત્ય દર્પણ' (પરિચ્છેદ ૮/૭,૮) માં આપેલ ‘પ્રસાદ’નું લક્ષણ આ પ્રમાણે છે.
चित्तं व्याप्नोति यः क्षिप्रं शुष्केन्धनमिवानलः । स प्रसादः समस्तेषु रसेषु रचनासु च ॥
કારિકા-૧૧ અને વૃત્તિ : (i) મમ્મટે કાવ્યની વ્યાખ્યામાં જણાવ્યું છે કે કાવ્યમાં શબ્દાર્થ દોષરહિત હોવા જોઈએ. (ગોગો રાખ્વાર્થી). ભામહાચાર્યે ‘કાવ્યાલંકાર’ (૧/૩૭)માં નેયાર્થ, ક્લિષ્ટ, અન્યાર્થ, અવાચક, અયુક્તિમત્ અને ગૂઢશબ્દાભિધાન નામના કાવ્યદોષો ગણાવ્યા છે.
नेयार्थं क्लिष्टमन्यार्थमवाचकमयुक्तिमत् । गूढशब्दाभिधानं च कवयो न प्रयुञ्जते ॥ ३७ ॥
મમ્મટે શબ્દકોષ, અર્થદોષ, રસદોષ મળીને ૭૦ દોષો વર્ણવ્યા છે.
આ કારિકા પરના લોચનમાં અભિનવે શ્રુતિદુષ્ટ, અર્થદુષ્ટ, ક્લ્પનાદુષ્ટ, શ્રુતિક દોષોને સમજાવ્યા છે. અસભ્ય અર્થની સ્મૃતિ કરાવે એવા પ્રયોગને ‘શ્રુતિદુષ્ટ’ કહે છે. જ્યારે વાકચાર્થ – બળથી (context) અશ્લીલ અર્થની પ્રતીતિ થાય તેને ‘અર્થદુષ્ટ' કહે છે. બે પદો ઊલટસૂલટ કરવાથી તેમજ એક શબ્દનો છેલ્લો અક્ષર, બીજા શબ્દના પહેલા અક્ષરને જોડીને વાંચવાથી જે કાવ્યદોષ ઉત્પન્ન થાય તેને ‘કલ્પનાદુષ્ટ’ કહે છે. ૮, ઠ, ડ, ઢ, ણ વગેરે કર્ણકટુ વર્ણોનો પ્રયોગ થયો હોય તો ‘શ્રુતકષ્ટ’ કહેવાય છે.
(ii) અનિત્યરોષતા- દોષને નિત્ય અને અનિત્ય કેવી રીતે સમજવા ? શ્રી નગીનદાસ પારેખ આ બાબત સમજાવતાં કહે છે. (પૃ. ૮૩) “જે દોષો બધી પરિસ્થિતિમાં દોષ ગણાય તે નિત્ય દોષ, જેમકે ‘છંદો ભંગ.’ પણ ‘શ્રુતિકષ્ટ’ એટલે કે કઠોર વર્ણના પ્રયોગથી થતો દોષ શૃંગારાદિ કોમલ રસોમાં દોષ છે, પણ રૌદ્ર, ભયાનક વગેરે રસોમાં એ ગુણ બની જાય છે. માટે એ અનિત્ય દોષ છે. અશ્લીલત્વ વગેરે શૃંગારાદિમાં દોષ ગણાય પણ હાસ્યમાં ન ગણાય.’’
(iii) ધ્વનિકાર આ કારિકા અને વૃત્તિમાં કહેવા માંગે છે કે ‘શ્રુતિદુષ્ટ’ વગેરે દોષો જ્યાં શૃંગાર ધ્વનિના આત્મા તરીકે વપરાયા હોય ત્યાં ત્યજવા. એ પરથી સૂચવાય છે કે વીર, રૌદ્ર વગેરે રસોનો ધ્વનિ આવતો હોય તો આવા પ્રયોગમાં વાંધો નથી. તેમજ જ્યાં માત્ર વાચ્યાર્થ હોય કે જ્યાં માત્ર વ્યંગ્ય શૃંગાર હોય ત્યાં પણ ત્યજવા એવું નથી. માત્ર ધ્વનિના આત્મારૂપે વપરાયેલ શૃંગારમાં ન ચાલે.
કારિકા-૧૨ અને ૧૩ તથા વૃત્તિ
तेषाम् आनन्त्यम् तथा दिङ्गात्रं तु उच्यते ।