________________
તૃતીય ઉદ્યોત : ૨૬, ૨૭
૨૦૯
અને જે (રસ) એક અધિકરણમાં (આશ્રયમાં) અવિરોધી હોય પણ નૈરન્તર્યમાં (=વચ્ચે અંતર રાખ્યા વિના એક પછી તરત બીજાનું વર્ણન કરાય તે) વિરોધી હોય, તેનો બીજા રસના વ્યવધાનથી પ્રબંધમાં સમાવેશ કરવો જોઈએ. જેમ કે ‘નાગાનંદ’માં શાંત અને શૃંગારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તૃષ્ણાનો ક્ષય થવાથી જે સુખ મળે, તેના પોષણવાળો જે રસ તે શાંતરસ પ્રતીત થાય છે. કહ્યું છે કે
“આ લોકમાં જે કામસુખ છે, અને જે દિવ્ય મહાન સુખ છે, એ બંને તૃષ્ણાક્ષયથી થતા સુખના સોળમા ભાગ (કલા-અંશ)ની બરાબર પણ નથી.’’
જો તે (શાંતરસ) સર્વજનથી અનુભવાય તેવો ન હોય તો, એટલા જ કારણથી, અસામાન્ય મહાનુભાવની ચિત્તવૃત્તિ જેવો, તે ફેંકી દેવા જેવો (ઇન્કાર કરવા જેવો) નથી બનતો. એનો વીર (રસ)માં પણ સમાવેશ કરવો યોગ્ય નથી. તેની (વીરની) અહંકારમયત્વથી ગોઠવણ થાય છે માટે. અને આની (શાંતરસની) સ્થિતિ અહંકારના પ્રશમરૂપે જ છે, માટે. આમ એ બે વચ્ચે ભેદ હોવા છતાં, જો એકતા માનવામાં આવે, તો પછી વીર અને રૌદ્રને તેમ ગણવા પડે. દયાવીર વગેરે જે ચિત્તવૃત્તિ વિશેષો જ છે તે, સર્વ રીતે અહંકારરહિત છે માટે, તે શાંત રસના પ્રભેદો છે, નહીંતર વીરના પ્રભેદો છે, એવી વ્યવસ્થા કરવામાં કોઈ વિરોધ નથી. આમ, ‘શાંતરસ’ છે જ. અને વિરોધી રસનો સમાવેશ થતાં પણ અવિરુદ્ધ રસના વ્યવધાનથી પ્રબંધમાં તેનો સમાવેશ કરવાથી વિરોધ રહેતો નથી. જેમ કે પ્રદર્શિત વિષયમાં (‘નાગાનંદ’માં).
કારિકા-૨૭ અને વૃત્તિ : આને જ વધુ દૃઢ કરવાને કહે છે.
‘‘એક વાકચમાં રહેલા હોય તોય જો બેની વચ્ચે કોઈ બીજો (બંનેનો અવિરોધી) રસ આવ્યો હોય તો તેનો વિરોધ સમાપ્ત થઈ જાય છે.''
બીજા રસથી અન્તરાયેલ (વ્યવહિત થયેલ) અને એજ પ્રબંધમાં રહેલ વિરુદ્ધરસની વિરોધિતા દૂર થઈ જાય છે, એમાં કોઈ ભ્રાંતિ નથી. જેમકે‘‘તે વખતે નવીન પારિજાતની માળાના પરાગથી સુવાસિત છાતી (બાહુમધ્ય) વાળા, સુરાંગનાઓથી આલિંગિત ઉરઃસ્થલવાળા, ચંદન જળ છાંટવાથી સુગંધિત બનેલાં કલ્પલતાનાં વસ્ત્રો વડે જેમને વીંઝણો નાંખવામાં આવે છે એવા વિમાનના પર્યંક પર બેઠેલા વીરોએ, કુંતૂહલપૂર્વક, સ્ત્રીઓએ (અપ્સરાઓએ) આંગળીથી બતાવેલા, પૃથ્વીની ધૂળથી રજોટાયેલા, શિયાળવાંથી ગાઢ આલિંગિત અને માંસાહારી પક્ષીઓના લોહીથી ખરડાયેલી અને હાલતી પાંખોથી જેમને વાયુ ઢોળવામાં આવતો હતો એવા પોતાના દેહોને (યુદ્ધભૂમિમાં) પડેલા જોયા.'' ઇત્યાદિમાં. અહીં શૃંગાર અને બીભત્સ રસ અથવા તેનાં અંગો (રતિ, જુગુપ્સા- સ્થાયિભાવો)નો સમાવેશ, વીરરસના વ્યવધાનને લીધે, વિરોધી નથી.