________________
તૃતીય ઉદ્યોતઃ ૨૪, ૨૫, ૨૬
એક રસ બીજા રસનો વ્યભિચારી (અંગ) બને છે', એમ જેમનો મત છે, તેમના મતે આ કહ્યું છે. બીજા મતમાં (રસનું બીજા રસમાં વ્યભિચારિત્વ- અંગત્વન માનનારા મતમાં) રસ શબ્દથી રસના સ્થાયિભાવ ઉપચારથી કહ્યા છે. (એવું સમાધાન સમજવું જોઈએ.) એ (સ્થાયિભાવો)નું અંગત્વ માનવામાં વિરોધ આવતો જ નથી.
કારિકા-૨૫ અને વૃત્તિ (એકાશ્રયમાં વિરોધી રસોનો વિરોધ કેવી રીતે દૂર કરવો?).
આ રીતે પ્રબંધમાંના પ્રધાન રસની સાથે તેના અવિરોધી તથા વિરોધી રસોના સમાવેશમાં સાધારણપણે વિરોધ દૂર કરવાના ઉપાય દર્શાવ્યા પછી હવે (વિશેષ રૂપથી) વિરોધી રસના જ તે (અવિરોધ લાવનાર ઉપાય)નું પ્રતિપાદન કરવાને માટે આ કહે છે. '
સ્થાયી (પ્રધાન) રસનો જે વિરોધી એકાશ્રયને કારણે વિરોધી બનતો હોય તેનો વિભિન્ન આશ્રય (બીજો આશ્રય) કરી દેવો જોઈએ. એટલે તેના પરિપષમાં પણ કોઈ દોષ નહિ આવે.”
- એકાધિકરણને લીધે વિરોધી (૧) અને નિરંતરતાને કારણે વિરોધી (૨) એમ વિરોધી (રસ) બે પ્રકારના હોય છે. (એકાધિકરણને લીધે વિરોધીના પણ બે ભેદ થઈ જાય છે, આલંબનના એક્યમાં વિરોધી અને આશ્રયના એક્યમાં વિરોધી) એમાંથી પ્રબંધના પ્રધાનરસની દષ્ટિએ જે એકાધિકરણ વિરોધી રસ હોય-જેમકે વીરનો ભયાનક, તેને (એક જ) આશ્રયથી જુદો પાડવો. એટલે કે વીરનો આશ્રય જે કથાનાયક, તેના પ્રતિપક્ષમાં (પ્રતિનાયકમાં) તેનું ( તે ભયાનક રસનું) નિરૂપણ કરવું જોઈએ. એમ કરાતાં તે વિરોધી (ભયાનક)નું પરિપોષણ પણ નિર્દોષ છે. પ્રતિપક્ષમાં ભયના અતિશય વર્ણનમાં, નાયકની નીતિ અને પરાક્રમને લગતી સંપત્ સારી રીતે પ્રગટ થાય છે. આ વાત મારા ‘અર્જુનચરિત’ (કાવ્ય)માં પાતાળ અવતરણ પ્રસંગે વિશદ રીતે પ્રદર્શિત (કરેલી) છે.
કારિકા-૨૬ અને વૃત્તિ આમ, પ્રબંધમાં રહેલ સ્થાયિરસ (પ્રધાનરસ)ની સાથે એકાધિકરણ્ય વિરોધી (= એકાશ્રયને લીધે વિરોધી) (રસ)ના અંગભાવને પ્રાપ્ત થવામાં જે પ્રકારે નિર્વિરોધિત્વ હોય છે તે બતાવ્યું. બીજાના (= નિરંતરતાને કારણે જે વિરોધી બનતો હોય તેનો) નિર્વિરોધિત્વનું પ્રતિપાદન કરવા કહે છે
જે (રસ)ના એક આશ્રયમાં નિબંધનમાં દોષ નથી (પરંતુ) નિરંતરતાને કારણે જે વિરોધી બની જતો હોય, તેને, વચમાં બીજા રસનું વ્યવધાન રાખીને બુદ્ધિમાન કવિએ વ્યંજિત કરવો જોઈએ.”