________________
તૃતીય ઉદ્યોત : ૬
૧૨૭
એમ કેમ ? (આવો પ્રશ્ન) પૂછો તો (જવાબ) કહે છે- “રસ જ્યારે મુખ્યપણે પ્રતિપાદિત કરવો હોય ત્યારે (પ્રતિપાઘ હોય ત્યારે) તેની પ્રતીતિમાં વિઘ્ન નાખનાર અને એના વિરોધીઓનો સર્વથા પરિહાર કરવો જોઈએ. અને આ રીતે સમાસોની અનેક પ્રકારની સંભાવનાને કારણે દીર્ઘસમાસા સંઘટના કદાચિત્ રસપ્રતીતિમાં વ્યવધાન પણ ઉપસ્થિત કરી દે છે. એથી તેમાં (દીર્ઘસમાસ રચનામાં) અત્યંત આગ્રહ – અભિનિવેશ–શોભતો નથી ખાસ કરીને અભિનેયાર્થ કાવ્યમાં. ( અભિનેય થતો હોય તેવા નાટક, પ્રકરણ વગેરેમાં) અને તેનાથી ભિન્ન (કાવ્ય)માં વિશેષતઃ ‘કરુણ’ તથા ‘વિપ્રલંભ શૃંગાર’માં (દીર્ઘ સમાસવાળી રચના યોગ્ય નથી. કેમકે) તેમનામાં ઘણું જ સુકુમારત્વ છે માટે થોડીક પણ અસ્વચ્છતા હોય તો શબ્દાર્થની પ્રતીતિમાં શિથિલતા આવી જાય છે.
અને રૌદ્રાદિ રસોના પ્રતિપાદનમાં તો ધીરોન્દ્રત નાયકના સંબંધિત વ્યાપાર (કાર્ય) આદિને સહારે મધ્યમ સમાસા સંઘટના યા દીર્ધસમાસા સંઘટના પણ તેના વિના પ્રતીત ન થઈ શકનાર પણ રસોચિત વાચ્યપ્રતીતિની આવશ્યકતાને વશ થઈને, પ્રતિકૂળ નથી થતી. એથી એનો પણ અત્યંત ત્યાગ કરી દેવો જોઈએ નહીં. (અર્થાત્ પ્રસંગ જોઈને જરૂર લાગે તો તેનો ઉપયોગ કરવો જોઈએ.)
બધી જ સંઘટનાઓમાં ‘પ્રસાદ’ નામનો ગુણ હોવો જોઈએ. (એ ગુણ વ્યાપક છે). તે સર્વ રસને સાધારણ તેમજ સર્વ સંઘટનાને સાધારણ છે એમ પણ કહ્યું જ છે. ‘પ્રસાદ’ વિના અસમાસા સંઘટના પણ કરુણ અને વિપ્રલંભ શૃંગારને વ્યક્ત કરતી નથી. અને તે (પ્રસાદ ગુણ) હોય તો મધ્યમસમાસા સંઘટના-રચના- પણ (રુણ, વિપ્રલંભ શૃંગારને) પ્રકાશિત નથી કરતી એમ પણ નથી. (અર્થાત્ પ્રકાશિત કરે છે જ). એથી ‘પ્રસાદ’નું સર્વત્ર (બધા રસો અને બધી રચનાઓમાં) અનુસરણ કરવું જોઈએ.
એથી ‘યો ય: રાહ્યં નિતિ ઈ. (ઉદા.),માં (દીર્ઘસમાસવાળી રચના ન હોવાથી) જો ‘ઓજસ્’ ગુણની સ્થિતિ અભિમત નથી તો (તેમાં) ‘પ્રસાદ’ ગુણ જ છે. ‘માધુર્ય’ નહીં. અને (સર્વ રસ સાધારણ તે ‘પ્રસાદ’ ગુણ હોવાથી) કોઈ પ્રકારનું અચારુત્વ નથી (તેમાં ચારુતાનો અભાવ નથી). કેમ કે (પ્રસાદ ગુણથી પણ) અભિપ્રેત (રૌદ્ર) રસની અભિવ્યક્તિ થાય છે (તેથી).
એથી (સંઘટનાને) ગુણોથી અભિન્ન માનો (એક માનો) યા ભિન્ન (જુદી), (બન્ને અવસ્થાઓમાં), ઉપર કહેલા (વકતા તથા વાચ્યના) ઔચિત્યથી સંઘટનાનો વિષયનિયમ થઈ જાય છે. એથી તે પણ રસની અભિવ્યંજક હોય છે. રસની અભિવ્યક્તિમાં નિમિત્ત બનતી એ (સંઘટના)નું નિયમન કરનાર જે આ (વકતા અને વાચ્યના ઔચિત્યરૂપ) હેતુ જે હમણાં (ઉપર) કહ્યો છે તે ગુણોનો નિયત વિષય છે. એથી (સંઘટનાની) ગુણાશ્રયરૂપ વ્યવસ્થામાં પણ વિરોધ નથી. (અર્થાત્ ગુણના આશ્રયના રૂપમાં સંઘટનાની વ્યવસ્થા કરીએ તેમાં વાંધો નથી.)