________________
રાજસત્તા હાથવગી કરીને અન્ય ધર્મોને હાંસિયા પાછળ ધકેલી દેવા, આવા ઊંડા સ્વાર્થ જ પડેલા છે, જે જલદી નજરે નહિ ચડે. “વગર પ્રયોજન અને વિના સ્વાર્થે, કોઈ જ વળતર કે સાનુકૂળ પ્રત્યાઘાતની અપેક્ષા રાખ્યા વિના તથા સામાની લાચારી કે નબળી સ્થિતિનો લેશ પણ લાભ ઉઠાવવાની વૃત્તિ તથા ગણતરી વગર સામાને મદદ કરીએ તો જ - તે જ પરોપકાર' - આ આપણી ભારતીય સંસ્કારિતા છે તથા વિચારધારા છે. આપણી આ ઉદારતાનો પાકો ફાયદો આ મિશનરીઓ ઉઠાવે છે. અને સ્વાર્થ સાધવા માટે ધર્મનો પણ ઉપયોગ કરવામાં અચકાતાં નથી. આ સ્વાર્થથી આપણાં ધર્મની, સંસ્કૃતિની તથા સંસ્કારોની પાયમાલી જ થઈ રહી છે, થવાની છે, તે નિઃશંક વાત ગણાય.
સ્વાર્થની સામે મૂકી શકાય તેવું તત્ત્વ છે “પ્રેમ'. આ એક જ તત્ત્વ એવું છે જે ગમે તેવા સ્વાર્થને કે સ્વાર્થીને હંફાવે છે. પ્રેમ એટલે આપણી ઇચ્છાઓને ગૌણ બનાવવી અને આપણા અહંનું બલિદાન આપી દેવું તે. જ્યાં પ્રેમ પાંગર્યો હશે ત્યાં પોતાની ઇચ્છા કરતાં પ્રીતિપાત્રની ઈચ્છાનું મહત્ત્વ વધુ હશે, અને “હું પદ તો કોઈ વાતે નહિ આવે. આવો નિર્મળ અને ઉદાત્ત પ્રેમ જ્યારે ચિત્તમાં પાંગરે છે ત્યારે ત્યાં સ્વાર્થની દુર્ગધનો અંશ પણ રહેતો નથી. ત્યાં તો હોય છે માત્ર પરમાર્થની, બીજાના કલ્યાણની વાસના. અને તેના ફળ સ્વરૂપે ત્યાં લાભ અને ઉન્નતિ જ પ્રગટે – પ્રવર્તે છે; નુકસાનીનું ત્યાં નામ ન હોય. અને આવી સ્વાર્થવિહોણી સ્થિતિ હોય ત્યાં ધર્મ અને ધાર્મિકતા પાંગર્યા વિના કેમ રહે?
પ્રેમ ત્યાગ તરફ લઈ જાય છે, જેનું પરિણામ છે પ્રસન્નતા. સ્વાર્થ ભોગ ભણી દોરે છે, જેનું પરિણામ છે માત્ર ઉદ્વેગ.
સ્વાર્થ-સાધનામાં પ્રત્યક્ષ ફાયદો હોય છે, પણ તેનો અંજામ જોશમાં જ આવે છે. જ્યારે પ્રેમવૃત્તિનો વિકાસ કેળવવામાં પ્રત્યક્ષપણે હાનિ વેઠવાની આવે, સહન ખૂબ કરવાનું આવે, પણ તેની આખરી પરિણતિ આનંદ, સંતોષ અને શાંતિના રૂપે જ હોવાની તે તો નિઃસંદેહ સત્ય છે.
આપણે આપણા આસપાસના વર્તુળથી લઈને ઇરાક-યુ.એસ.એ. સુધી બધે જ, ભાવનાત્મકરૂપે તેમ જ પ્રયોગાત્મક વ્યવહારના રૂપે પણ પ્રેમવૃત્તિનો છંટકાવ કરવા માંડીએ અને આપણી તુચ્છ સ્વાર્થવૃત્તિને ડામતાં જઈને આપણા જીવનને તથા સંસ્કારોને એવા ઉચ્ચ બનાવીએ, કે જેને લીધે આપણે “ધર્મ' માટે પૂર્ણપણે લાયક બની શકીએ.
(ચત્ર-૨૦૫૯)