Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[૩૪]
શ્રી દશવૈકાલિક સૂત્ર
કામભોગોથી નિવૃત્ત થઈ જાય છે.
શાસ્ત્રકારે રથનેમિ માટે પુરુષોત્તમ' શબ્દનો પ્રયોગ કર્યો છે, તેનું તાત્પર્ય એ છે કે જીવ દ્વારા છદ્મસ્થ અવસ્થામાં ક્યારેક મોહના ઉદયને આધીન બની કોઈપણ દોષ સેવન થવું તે સહજ છે પરંતુ તે દોષને દોષરૂપે સ્વીકારી, સતપુરુષોના ઉપદેશને ગ્રહણ કરી, પાપભીરુ બની, પડતી વૃત્તિને પુનઃ આત્મામાં સ્થિર કરી, સુસંયમી બની જાય છે, તેઓને પુરુષોત્તમ કહી શકાય છે.
સર્વોત્તમ પુરુષ તો તે જ છે, જે કોઈપણ મોહજનક વિકટ પરિસ્થિતિમાં વિચલિત ન થાય; પોતાના ગ્રહણ કરેલા વ્રતોનું જીવનપર્યત શુદ્ધ પરિશુદ્ધ રીતે પાલન કરતા જ રહે છે.
- પરમાર્થ :
સંપૂર્ણ અધ્યયનનો પરમાર્થ એ જ છે કે અનાદિકાલીન આત્માની કર્મચેતનધારામાંથી બંધાયેલા શુભાશુભ કર્મના વિપાક, તેમાંથી પ્રગટેલ વેદ મોહ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલી, વાસનામય વિકલ્પરૂપ પાંદડાવાળી, વિષાદ રસથી ભરેલી, વિષય કષાયથી વધતી, વિવિધ જન્મ-મરણનાં પુષ્પો, દેહ રૂપ ફળને ધારણ કરાવતી, વિષ વેલડીનો સમૂળો વિનાશ, વિધ્વંસ, જો વિજ્ઞાન, વિવેક, સુવિચારણા દ્વારા કરવામાં ન આવે તો ત્યાગ-વૈરાગ્ય પૂર્વક સ્વીકારેલો સર્વવિરતિરૂપ શ્રમણ્ય ભાવ સિદ્ધ થાય નહીં. (વેશમાત્ર રહી જાય) શ્રમણ્યભાવને સિદ્ધ કરવા અપ્રમત્તભાવ સાધી, ક્ષપક–શ્રેણીએ આરૂઢ થઈ, કર્મક્ષય કરવામાં આવે તો જ ચેતનધારા કર્મધારાથી ભિન્ન થઈ સ્વરૂપ દશા પ્રાપ્ત કરે. આ સ્વરૂપ દશા પ્રાપ્ત થયા વિના વિભુ(વિશ્વ વિજેતા) થવાય નહીં. આ પરમાર્થનું અનુસંધાન કરાવતું, વિષાદથી વિરામ પામવાની પ્રક્રિયા દર્શાવતું રથનેમિ-રાજેમતીનું ઉદાહરણ ઉપસ્થિત કર્યું છે. તેઓએ જે-જે પ્રક્રિયા કરી, વિશ્વ વિજેતા બની વિભ– વિશ્વેશ્વર થઈ ગયા, તે ચારિત્રનું પ્રેરણા પાથેય મને, તમને, સૌને વિરતિભાવ જાગૃત કરી ઉત્થાનના વિશુદ્ધ ભાવ પ્રગટ કરાવે અને તેથી આપણે ચેતન પ્રાણમાં ચિદાનંદી બની શાશ્વત સુખના ધામી, કામી બની વિશ્વેશ્વર બની જઈએ. તે જ મંગલ ભાવના.
I અધ્યયન-ર સંપૂર્ણ