Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-ર
૫૨૯
પરિશિષ્ટ-ર
ચૂિલિકાની રચના વિષયક ઇતિહાસ,
શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂલિકા વિષયક ભિન્ન ભિન્ન ઐતિહાસિક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે. તેનો સંયોજિત ભાવ આ પ્રમાણે છે. યથા(૧) દશવૈકાલિક સૂત્રની નિયુક્તિમાં મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સીમંધર સ્વામીની પાસેથી ચૂલિકા પ્રાપ્ત થઈ હોય તેવો કોઈ ઉલ્લેખ નથી. (૨) આચાર્ય અગત્યસિંહ સૂરી કૃત ચૂર્ણિમાં ચૂલિકાની રચના મૂળસૂત્રની સાથે શયંભવાચાર્ય દ્વારા જ થઈ છે તે પ્રમાણેનો ઉલ્લેખ છે. (૩) જિનદાસગણી આચાર્ય કૃત ચૂર્ણિમાં ચૂલિકા મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સીમંધર સ્વામી પાસેથી પ્રાપ્ત થવાનો ઉલ્લેખ છે. (૪) શ્રી આચારાંગ સુત્રની જિનદાસગણી કત ચૂર્ણિમાં મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી પાસેથી બે અધ્યયન પ્રાપ્ત થવાનો ઉલ્લેખ છે અને ત્યાર પછી શ્રી હેમચંદ્રાચાર્ય પોતાના ગ્રંથમાં સીમંધર સ્વામી પાસેથી ચાર અધ્યયન પ્રાપ્ત થવાનું સૂચન કરે છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી ચૂલિકાની પ્રાપ્તિવિષયક કથાનક - એકદા આચાર્ય સ્થૂલિભદ્રના બેન સાધ્વી યક્ષાએ પોતાના લઘુ બંધુ મુનિ શ્રીયકને ઉપવાસ કરવાની પ્રબળ પ્રેરણા આપી. શ્રીયક મુનિ તપની આરાધના કરી શકતા ન હતા. તેમ છતાં બેન સાથ્વીના આગ્રહથી ઉપવાસથી આરાધના કરી. યોગાનુયોગ તે ઉપવાસના દિવસે જ શ્રીયક મુનિ કાલધર્મ પામ્યા. આ નિમિત્તથી સાધ્વી યક્ષાને હાર્દિક દુઃખ થયું. લઘુ બંધુ મુનિના મૃત્યુનું નિમિત્ત પોતાને માનીને તે અત્યંત ખિન્નતા અનુભવતી હતી. તે કૃત્યના પ્રાયશ્ચિત્ત માટે શ્રી સંઘને વિનંતી કરી. ગીતાર્થ મુનિઓએ અને સંઘે તેમને નિર્દોષ જાહેર કર્યા. પરંતુ યક્ષાને સંતોષ થયો નહીં. તેમની ભાવનાથી શ્રી સંઘે શાસન દેવીની સાધના કરી. દેવીની સહાયતાથી સાધ્વી યક્ષા મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીના સાંનિધ્યમાં પહોંચી ગઈ. યક્ષાએ પોતાના મનોભાવ તીર્થકર સમક્ષ અભિવ્યક્ત કર્યા. શ્રી સીમંધર સ્વામીએ પણ તેમની નિર્દોષતા પ્રગટ કરી અને વાચના રૂપે ચાર અધ્યયન આપ્યા. યક્ષાએ એક જ વાચનામાં તેને ધારણ કરી લીધા અને દેવીની સહાયતાથી પુનઃ સ્વક્ષેત્રમાં આવી ગઈ. શ્રી સંઘ સમક્ષ તે ચારે અધ્યયન યથાવત્ સંભળાવ્યા.
શ્રી સંઘે 'ભાવના અને 'વિમુક્તિ' નામના બે અધ્યયન શ્રી આચારાંગ સૂત્રની ચૂલિકારૂપે અને 'રતિવાક્યા અને 'વિવિક્તચર્યા' નામના બે અધ્યયન દશવૈકાલિકની ચૂલિકા રૂપે જોડી દીધા છે.
શ્રી આચારાંગ સૂત્રની ચૂર્ણિમાં એવો ઉલ્લેખ છે કે સ્થૂલિભદ્રના બેન સાધ્વી યક્ષા મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર સ્વામીના દર્શનાર્થે ગયા હતા અને ત્યાં તીર્થકરે તેમને ભાવના' અને 'વિમુક્તિ' આ બે અધ્યયન આપ્યા હતા. આવશ્યક ચૂર્ણિમાં પણ આ જ બે અધ્યયનનું કથન છે. જ્યારે સ્થાનાંગ સૂત્ર સ્થાન–૧૦અનુસાર ભાવના અને વિમુક્તિ આ બંને ય, બંધ દશા સૂત્રના સાતમા અને આઠમા અધ્યયના નામ છે.
આ વિભિન્ન તત્ત્વો ઈતિહાસ અન્વેષકો માટે અન્વેષણીય છે. સંક્ષેપમાં સંપૂર્ણ સૂત્ર અને ચૂલિકા જિન ભાષિત, ગણધર રચિત શાસ્ત્રનું જ અંગ છે અને મહાવિદેહ ક્ષેત્રથી પ્રાપ્ત થવાના ઉલ્લેખ વ્યાખ્યા ગ્રંથોમાં છે. ખરેખર તે અધ્યયન મોક્ષ સાધકોના જીવન માટે નિતાંત ઉપયોગી છે.