Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Sthanakvasi
Author(s): Gulabbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૮૮
શ્રી દશવૈકાલિક સૂત્ર
સાતમું અધ્યયન ---- પરિચય
-
* આ અધ્યયનનું નામ સુવાક્યશુદ્ધિ છે. * આ અધ્યયનમાં સંયમ જીવનમાં વપરાતી ભાષાના ગુણ–દોષોનું વિધિનિષેધરૂપે નિરૂપણ હોવાથી તેનું નામ સુવાક્યશુદ્ધિ છે. * સાધુ અધિકતમ મૌન રહે છે. વચનગુપ્તિ જ તેનું પરમ લક્ષ્ય છે; પરંતુ જ્યારે સ્વ–પર કે જિનશાસનના ઉપકાર માટે બોલવું આવશ્યક થાય, ત્યારે તે ભાષા સમિતિપૂર્વક બોલે છે. વચનગુપ્તિનો લાભ સ્વયંને જ મળે છે, જ્યારે ભાષા સમિતિનો લાભ વક્તા અને શ્રોતા બંનેને મળે છે.
* સાવધ-નિરવધ કે સાર્થકતા-નિરર્થકતા વિષે વિવેકપૂર્વક બોલાય તે ભાષા પ્રયોગને ભાષા સમિતિ કહે છે. આ અધ્યયનમાં સાધુની ભાષાસમિતિનું સૂક્ષ્મતમ વિજ્ઞાન નિરૂપ્યું છે. * સત્ય, અસત્ય, મિશ્ર અને વ્યવહાર ભાષા, તે ચાર પ્રકારની ભાષામાંથી સાધુ અસત્ય અને મિશ્ર ભાષાનો સર્વથા ત્યાગ કરે. કારણ કે તે બંને ભાષા સાવધ હોય છે; સત્ય અને વ્યવહાર ભાષાનો મુનિ વિવેકપૂર્વક પ્રયોગ કરે.
* સત્ય અને વ્યવહાર બંને ભાષાઓ સાવધ અને નિરવ તેમજ વક્તવ્ય(બોલવા યોગ્ય) અને અવક્તવ્ય(નહીં બોલવા યોગ્ય) બંને પ્રકારની હોય છે.
જે ભાષા હિંસાકારી, પરપીડાકારી, વેર વિરોધકારી હોય અને કર્મબંધનું નિમિત્ત બને તેવી હોય, તે ભાષા સત્ય હોવા છતાં સાવધ હોવાથી અવક્તવ્ય છે. જેમ કે- "આ વૃક્ષનું લાકડું મકાન બનાવવામાં ઉપયોગી છે," આ વાક્ય પ્રયોગ સત્ય હોવા છતાં વૃક્ષના જીવોની હિંસાનું નિમિત્ત બની શકે છે. તેથી તે સાવધ અને અવક્તવ્ય છે. તેમજ "આ મનુષ્ય કારણો છે," તે વાક્ય પ્રયોગ સત્ય હોવા છતાં પરપીડાકારી છે તેથી સાવધ છે અને સાધુને માટે અવક્તવ્ય છે. આ રીતે સૂત્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, પાત્ર વિષયક તેમજ જીવન વ્યવહારની અનેક પ્રવૃત્તિઓ માટે ભાષાના વિવેક સંબંધી સૂક્ષ્મતમ વિશ્લેષણ કર્યું છે તે ખરેખર દરેક સાધકને મનનીય છે. * વાક્ય શુદ્ધિનું મુખ્ય પ્રયોજન સત્ય મહાવ્રતના પાલન સાથે અહિંસાધર્મની પુષ્ટિ પણ છે. સાધકે પૂર્ણ અહિંસક બનતા પહેલાં અને પછી ભાષાનો વિવેક રાખવો આવશ્યક છે, તેનું દિગ્દર્શન આ અધ્યયન કરાવે છે.