________________
જૈન શ્રમણ
નામના અને કામના માટે ઉપયોગ કરવામાં માનતા નથી. શાસનની પ્રભાવનાનો જ જ્યાં પ્રશ્ન હોય, જ્યાં શાસનહેલનાથી બચાવવાની જરૂરિયાત ઊભી થાય, ત્યાં જ આ શક્તિ વપરાય. દા.ત. પૂ. ઉપાધ્યાય શ્રી શાંતિવિજયજીએ કટકના કિલ્લા માટે, શ્રી વજસ્વામીજીએ સુકાળમાં સંઘને લઈ જવા માટે એવી શક્તિનો ઉપયોગ કર્યો હતો. એ બતાવે છે કે આવી શક્તિનો ઉપયોગ અપવાદી આચરણામાં જ થતો હોય છે. થોડાં વર્ષો પૂર્વેનો જ ઇતિહાસ તપાસશું તો મંત્ર-તંત્ર વિદ્યાના જાણકાર સાધુઓ અને યતિઓ જોવા મળશે. આ બધી વિદ્યાઓ કાચા પારા જેવી હોવાથી પચે તો ઊગી નીકળતી અને ન પચે તો ફૂટી નીકળતી. એથી જ પડતો કાળ જોઈને આ વિદ્યાઓનું આદાનપ્રદાન બંધ થયું. શ્રમણોએ યોગ તથા મંત્રસાધના દ્વારા જૈનશાસન ઉપર મહાન ઉપકારો પણ કર્યા છે. તેની નોંધ અવશ્ય લેવી જ જોઈએ. મરકી વગેરે જેવા ભયંકર રોગોના નિવારણ માટે ‘ઉવસગ્ગહર', સંતિકર વગેરેની રચના થઈ, જેના ઉપયોગથી જૈનધર્મનો પ્રભાવ જરૂર વધ્યો છે.
( પુણ્યપ્રભાવક શ્રમણોનો પ્રભાવ ) સુકોમળ શાલિભદ્રજીએ ક્ષણભંગુર સંસારની પળનાએ વિલંબ વિના ત્યાગ કર્યો, તેના પાયામાં જિનશાસનની ઉચ્ચતમ પ્રેરણા ધરબાયેલી હતી. રૂપવતી યૌવનાઓનો સ્વામી અચાનક જ રાજમહેલોનાં સુંવાળાં સુખોને તણખલાની માફક છોડીને નિર્જન વનની વાટ પકડે છે એ ઘટના વિશ્વના ઇતિહાસમાં અસાધારણ ગણાય છે.
યૌવનપ્રદીપ્ત સૌદર્યના ભંડારસમી વીરાંગના કોશાના અદમ્ય આકર્ષણ સામે તરુણ સ્થૂલભદ્રજીના હૃદયનો ધબકાર ગજબ રીતે ટકરાયો અને પછડાટ ખાવાને બદલે પછડાટ ખાનારને જ એમણે ઊંચકી લીધી. ધન્ય
સ્થૂલભદ્રજી! તેમના પ્રભાવે જુઓ તો ખરા, વિલાસની દાસી જિનશાસનની દાસી બની ગઈ! વાસનાને પગ તળે કચડી ઉન્નત મસ્તકે આગળ વધતા મુનિ સ્થૂલભદ્રજીના કદમે કદમે વીરાંગના કોશા પણ ધર્મી બનીને પાપો પખાળવા લાગી. આવાં દૃષ્ટાંતોથી સમજાય છે કે નારી એ ઉપાસક છે વાસનાનું સાધન નથી. આવો હતો આપણા પ્રભાવક શ્રમણોનો પ્રભાવ.
જૈન મહર્ષિઓના પ્રભાવને કારણે અનેક રાજા-મહારાજાઓ, રાણીઓ, રાજકુમારો સૌએ રાજવૈભવનો ત્યાગ કર્યો અને પછી આત્મભવ પ્રાપ્ત કરવા આ બધા શ્રીમંતો અને શ્રેષ્ઠીઓએ ભોગવિલાસના વાધા છોડી દઈને યોગસાધનાનો માર્ગ અપનાવ્યો. જેમનામાં સત્ત્વ અને શક્તિ પ્રગટ્યાં તે સૌએ સાધુજીવનનો સ્વીકાર કર્યો. ક્ષત્રિયો અને બ્રાહ્મણો ખૂબ જ મોટી સંખ્યામાં સામેલ થયાં અને ઇતિહાસનાં તેજસ્વી પાત્રો બની ગયાં. સિદ્ધસેન દિવાકરજીએ કલ્યાણમંદિર સ્તોત્રની રચના દ્વારા અવંતિ પાર્શ્વનાથની પ્રતિમા સ્વયં પ્રગટાવી. માનતુંગસૂરિજીની ભક્તામર સ્તોત્રની રચના દ્વારા ૪૪ બેડીઓના તાળાં સ્વયં તૂટી ગયાં. બંધ દ્વાર સ્વયં ખુલી ગયાં.
મહોપાધ્યાય યશોવિજયજી, આનંદઘનજી, વિનયવિજયજી, જ્ઞાનવિમલવિજયજી, ઉદયરત્ન, દેવચંદ્ર આદિ બસો જેટલા પ્રતાપી અને પ્રભાવી જૈન શ્રમણોઓ અઢારમી સદીને સોળે શણગાર સજાવ્યું. આ સદીમાં થયેલાં સ્તવનો, સઝાયો, પૂજાઓ વગેરે આજે પણ દેરાસરોમાં ભક્તિભાવથી ગવાય છે. આનંદઘનજીનાં દાર્શનિક પદો, નેમરાજુલ બારમાસા અને સ્થૂલભદ્ર ફાગ એ અઢારમી સદીના યુગની મહાન દેણ હતી. તીર્થ માળાઓ અને ચૈત્ય પરિપાટી પણ આ સમયમાં નોંધપાત્ર રીતે સર્જાયાં.
સંતકવિ તિરૂવલ્લુવરની ઋચાઓ આજ પણ તમિલમાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની માફક ગવાય છે. ૧૯૭૫માં મદ્રાસમાં આ સંતકવિનું ભવ્ય સ્મારક રચાયું. જે ભવ્યાતિભવ્ય હતું. ભારતમાં કોઈ સંતકવિનું આવું સ્મારક રચાયાનું જાણમાં નથી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org